બીજી પત્ની સાથે રહેતા પતિએ પ્રથમ પત્ની અને પુત્રીને માર માર્યો

સરખેજ ખાતે બીજી પત્ની સાથે રહેતો પતિ નશાની હાલતમાં પ્રથમ પત્ની અને પુત્રીને માર મારી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કન્સ્ટ્રકશનનો ધંધો કરતા ચાંદ શાહે પ્રથમ મુમતાઝબાનુ (ઉ.36) સાથે લગ્ન કર્યા છે. જેમના થકી ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ત્રણ મહિના પહેલા ચાંદ શાહે પિન્કી ઉર્ફે ગોસીયા સાથે ત્રણ મહિના પહેલા બીજા લગ્ન કર્યા છે અને આરસીસી રોડ સરખેજ ખાતે રહે છે.

ગઈકાલે સોમવારે બપોરે ચાંદ શાહ દારૂ પીધેલી હાલતમાં ફતેવાડી અલીફ હોટલ સામે મોમીન પાર્ક સોસાયટીમાં રહેતા પ્રથમ પત્ની મુમતાઝબાનુના ઘરે આવ્યો હતો. પ્રથમ પત્નીને તમે અહીંયા કેમ રહો છો ચાલ્યા જાવ તેમ કહેતા મુમતાઝબાનુએ ઘરનું ભાડું હું ભરૂ છું તેમ કહેતા ચાંદ શાહે ઉશ્કેરાયો હતો અને ઝઘડો ગાળા ગાળી કરી મુમતાઝબાનુ અને પુત્રી સમાને મારવા લાગ્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા માતા-પુત્રીને મારમાંથી બચાવ્યા હતા. આરોપી ચાંદ શાહ ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.