ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર

ભારતમાલા પ્રોજેક્ટ સંદતર રદ નહીં થાય ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા વાંસદા ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાથે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે.

ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાનાં લગભગ ૬ર જેટલા ગામોની મહામુલી ફળદ્રુપ જમીન જઈ રહી હતી. તેના વિરોધમાં વાંસદા ખાતે તા.૧૭-૦૧-૧૯નાં રોજ મહારેલી થઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓ જોડાયા હતા અને વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.ર૪મીએ ચીખલી ખાતે આ પ્રોજેક્ટને બંધ કરાવવા આદિવાસીઓ અને ખેડૂતોની જનમેદની ઉમટી પડી હતી. ત્યારે ડાંગ આવેલા મુખ્યમંત્રીએ જાહેરાત કરવી પડી હતી કે ભારતમાલા પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આવનાર તા.૩૦-૦૧-૧૯નાં રોજ જ્યારે ભારતનાં વડા પ્રધાન દાંડી આવી રહ્યા છે.

ત્યારે વાંસદા ચીખલીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજ એ ખેડૂતોને અપીલ કરી છે કે નવસારી દાંડીનાં કાર્યક્રમનો આદિવાસીઓ તથા ખેડૂતો બહિષ્કાર કરે તથા પ્રધાન મંત્રી રસ્તો બનાવવા માટેનો રાજપત્ર પાછો ખેંચીને સમગ્ર ભારતમાલા પ્રોજેક્ટને રદ્દ કરવા માટેની ઘોષણા કરે એવી માંગણી કરી હતી. જો પ્રધાનમંત્રી દ્વારા ભારતમાલા પ્રોજેક્ટને સંપૂર્ણ પણે રદ કરીને પડતો નહીં મુકવામાં આવે ત્યાં સુધી વાંસદા ચીખલી ખેરગામનાં તમામ ખેડૂત અને આદિવાસી સમાજનાં લોકો તમામ સરકારી કાર્યક્રમનો વિરોધ કરીને આંદોલનને તેજ કરશે.