ભ્રષ્ટાચારનું સોગંદનામું

ગાંધીનગર, તા.12

62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવાની સુચના આપી છે, અમરેલીમાં આવી 500 દુકાનો છે. આ અંગે ગાંધીનગરની લાંચરૂશ્વત કચેરીએ ફરિયાદ કરવામાં આવી છે.

રૂ.5 હજારની રકમમાંથી નાયબ મામલતદાર, મામલતદાર, પુરવઠા ઈન્સ્પેક્ટર અને પુરવઠા અધિકારીને આપવામાં આવે છે. ઉપરાંત જ્યારે પણ મામલતદાર કચેરીમાં કે સરકારનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે અમારી પાસેથી ખર્ચા પાણીના પૈસાની માગણી કરતા અને માગણી મુજબ રકમ આપતા હતા. એ હિસાબે સમગ્ર રાજ્યમાં રૂ.102 કરોડનો હપ્તો પુરવઠા અધિકારીઓને આપવામાં આવતાં હોવાનો પર્દાફાશ ભ્રષ્ટાચારના સોગંદનામા દ્વારા થયો છે.

17 વેપારીઓની એફિડેવિટ

અમરેલી એસીબીને નાથાલાલ સુખડિયા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, 17 વેપારીઓએ અમરેલી તાલુકાના અધિકારીઓની સામે સોગંદનામું આપ્યું છે, જેની તપાસ કરવી જરૂરી બની છે. નાથાલાલ સુખડિયાએ 12 સપ્ટેમ્બર 2019એ આ ફરિયાદ કરી છે, જેમાં જણાવાયું છે કે તમામ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. અમરેલી તાલુકા સસ્તા અનાજ એસોશીએશના પ્રમુખ રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ પોતે આવી એફિડેવિટ કરીને ભ્રષ્ટાચાર થતો હોવાનું કબુલ્યું છે. તેમણે પ્રાંત કલેકટરને અરજી કરી હતી. પણ રાજકીય દબાણ આવતાં ગઈકાલે સમાધાન કરી લીધું છે. તેથી અનાજ કૌભાંડમાં તપાસ જરૂરી છે.

30 કરોડનો હપ્તો

બધી રેશનીંગની દુકાનોની તપાસ શરૂ થઈ હતી, તેથી દુકાનદારોએ બચવા માટે આ સોગંદનામું આપ્યું અને પછી સમાધાન કરી લેવામાં આવ્યું છે. અમને હેરાન કરવામાં આવે છે. 500થી વધુ દુકાનદારો છે. અમરેલી તાલુકામાં 70, ગ્રામ્ય અને 30 શહેરના દુકાનદારો છે. તપાસ ધીમી પડી જાય તે માટે આવો વિવાદ ઊભો કર્યો છે. એક મહિના સુધી હડતાલ પર જવા ધમકી આપી હતી. પ્રાંત અધિકારી સાથે સમાધાન કરી લેવામાં આવ્યું છે. આમ 500 દુકાનદારો દ્વારા રૂ.5000 લેખે વર્ષે રૂ.3 કરોડનો હપ્તો આપવામાં આવતો હતો. છેલ્લાં 10 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. જે રૂ.30 કરોડનો તો હપ્તો થવા જાય છે.

ડીએચઓ સતાણી

ગુજરાતના સૌથી મોટા અનાજ કૌભાંડમાં આખરે ભાજપની વિજય રૂપાણી સરકારે પડદો પાડી દીધો છે. અમરેલી જિલ્‍લામાં ભારે ચકચારી બનેલા રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું હોય સમગ્ર કૌભાંડ તટસ્‍થ તપાસ શરૂ થતા અને વેપારીઓએ અધિકારીઓનો ભાંડો ફોડી નાંખ્યો છે.

અમરેલી જિલ્‍લામાં 350થી વધુ રેશનિંગની દુકાનથી ખોટા ફિંગર પ્રિન્ટ આપી બીજાના નામે અનાજ ઉપાડી ગયાની વિગતો પુરવઠા વિભાગને આપી હતી. મહિનાઓ થયા છતાં 350માંથી માત્ર 11 દુકાનદારો સામે જ પોલીસ ફરિયાદ કરેલી છે. જેની તપાસ શરૂ થઈ હતી.

તપાસનું ફીંડલું વાળવાનો કારસો

10 દુકાનોમાં પોલીસ અને પુરવઠા અધિકારીઓએ મીલી ભગત કરીને તપાસનું ફીંડલું વાળી દીધું હતું. કરોડો રૂપિયાના ગોટાળા કર્યાં હતા. ગુજરાત સરકારનું સોફટવેર ચોરીને તેના આધારે કરોડોના રેશનિંગના સરકારના ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને કેરોસીનનો જથ્‍થો બારોબાર વેચી મારી રાજય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડેલું હોવા છતાં વિજય રૂપાણીની સરકારે કંઈ જ કર્યું ન હોવાથી તેમની સામે હવે આંગળી ચિંધવામાં આવી રહી છે કે તેઓ ગોટાળો કરનારા લોકોને અને અધિકારીઓને સીધા બચાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના સોગંદનામા તેનો એક ભાગ હોઈ શકે છે.

તપાસ ન થઈ

મૃતક લોકોના રેશનિંગ કાર્ડ ચાલુ કરનારા મામલતદાર,  પુરવઠા અધિકારી અને તલાટીનો અભિપ્રાય હોઈ તેની તપાસ થવી જોઈએ જે થઈ નથી. રેશનકાર્ડ એ.પી.એલ.માંથી બી.પી.એલ. કે એ.એ.વાય. બન્‍યું તો તેના અભિપ્રાય કરનારા કર્મચારી અને મંજૂર કરનારા મામલતદારની તપાસ થવી જોઈએ. રેશનિંગની દુકાનો અગાઉ અનેકવાર માત્ર લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરી ભીનું સંકેલી દેવાયું છે તેની તપાસ થવી જોઈએ. જે દુકાનમાં ખોટા કાર્ડ કે લાભાર્થીની હાજરી વગર જથ્‍થો અપાયો હતો તેમાં 4થી 10 કાર્ડ ધારકના નામ-પુરાવા આપ્‍યા તેટલી જ તપાસ કેમ કરી? આખી દુકાનમાં રહેલા તમામ કાર્ડની તપાસ કેમ ના કરી? તેની તપાસ થવી જોઈએ.

પોલીસે તપાસ ન કરી

અમરેલી જિલ્‍લાની પોલીસ દ્વારા પકડેલા સરકારના રેશનિંગના જથ્‍થાને ક્યાં વેચી મારવામાં આવ્યો હતો તે અંગે કોઈ તપાસ કરી નથી. અમરેલી પુરવઠાના છેલ્‍લા 2 વર્ષમાં લાખોના પુરવઠાને ઘઉં, ચોખા, કેરોસીન વિગેરે સોંપેલા તેની તપાસમાં પોલીસ ફરિયાદ કરી નથી. અમરેલી તાલુકાના રીકડીયા ગામના રેશનિંગમાં 31 જૂલાઈ 2017માં ગેરરીતિ મળી તેમાં પોલીસ ફરિયાદ શા માટે દાખલ ના કરી? તેની તપાસ કરવામાં આવે તો ભાજપના જ લોકો તેમાં સંડોવાયેલાં મળી આવે તેમ છે. રેશનિંગની 10 પોલીસ ફરિયાદમાં એક પણ આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. કોર્ટમાં આગોતરા જામીન થવા દીધા અને આરોપીના જવાબ પણ લેવામાં આવ્યા નથી. રેશનિંગ ચોરી કરનારાને જવા દેવામાં આવ્યા છે. અમરેલી જિલ્‍લામાં કરોડોની ચોરી રેશનિંગના જથ્‍થાની થઈ તો પુરવઠા અધિકારી-પુરવઠા ઈન્‍સપેક્ટર, પુરવઠા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ કે પગલાં નથી ભરાયા.

મોટું અનાજ કૌભાંડ

ગુજરાત ભાજપ સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ દબાવી દેવા માટે અમરેલી અને સુરત કલેક્ટર પર ગાંધીનગર ભાજપના નેતાઓનું દબાણ એકાએક વધી ગયું છે. કારણ કે જે કંપનીને રેશનકાર્ડ સિસ્ટમના ડેટા માટે કામ સોંપેલું હતું તે ડેટા સાવ સસ્તામાં વેચી નાંખ્યા બાદ સમગ્ર રાજ્યમાં અબજો રૂપિયાનું ગરીબોનું અનાજ નાગરિક પુરવઠા અધિકારીઓ, કલેક્ટરો, રાજકીય વ્યક્તિઓ લઈ ગયા છે. જેનાથી ગુજરાત સરકારને અબજો રૂપિયાનું અનાજ ગુમાવવું પડ્યું છે. અંગુઠાની છાપનો ડેટા તૈયાર કરનારી કંપનીએ વેચી માર્યો હતો. તેનાથી નકલી અંગુઠાની છાપ આપીને અનાજનો જથ્થો ઉપાડી લેવાતો હતો. જે સાચા હતા એવા 94 હજાર ગરીબોના મોબાઈલ નંબર સિસ્ટમમાં લેવામાં આવ્યા છે.

શું દરેક સસ્તા અનાજની દુકાનમાં આવું છે?

ગુજરાતમાં 17 હજાર રેશનિંગના દુકાનદારો છે. આમ કુલ કુલ વર્ષે રૂ.100 કરોડનો તો હપ્તો જ થવા જાય છે. 1.26 કરોડ લોકો સરકારનું સસ્તાભાવનું અનાજ ઉઠાવે છે. તેનો મતલબ કે સરકારે જે 94 હજાર લોકોને જ સિસ્ટમમાં લીધા છે તે જ ખરા ગરીબ છે. બાકીના બધા નકલી છે અને તેનું અનાજ અધિકારીઓ અને રાજકીય લોકો જમી જતા હતા. લાલુ પ્રસાદના ઘાસચારા કૌંભાંડ કરતા પણ મોટું ભાજપની મુખ્યપ્રધાન  વિજય રૂપાણી સરકારનું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. જેમાં તલાટી, મામલતદાર, કલેક્ટર અને ગાંધીનગરના રાજનેતા જો સંડોવાયેલા ન હોત તો આ અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં જ આવ્યું ન હોત. તેથી કૌભાંડને દાબી દેવા માટે બે જિલ્લાના કલેક્ટર પર દબાણ આવી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લામાં અનાજ કૌભાંડ મોટા પ્રમાણમાં થયું છે.