મહારાષ્ટ્રમાં ‘મહા’નાટકનો અણધાર્યો અંત

ગાંધીનગર,તા:૨૬

આ દાવા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે શુક્રવારે મધરાત્રે રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરતો પત્ર દિલ્હી દરબારમાં મોકલી આપ્યો અને વગર કેબિનેટની મંજૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની ભલામણ કરી અને સવારે 5.27 વાગે રાષ્ટ્રપતિ ભવનથી મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી અને સવારે ઉગતા સૂર્યએ એટલે કે 8 વાગ્યાની આસપાસ રાજ્યપાલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન તરીકે અજિત પવારને શપથ લેવડાવ્યા.

દિલ્હી દરબારમાં ગેમપ્લાન નક્કી થયો

એનસીપીના નેતા અજિત પવાર જે સિંચાઈના એક કેસમાં ગુનેગાર સાબિત થઈ ચૂક્યા છે અને આ કૌભાંડ અંદાજે 70 હજાર કરોડ રૂપિયાનું હોવાના કારણે દિલ્હીમાં બેઠેલા અને પોતાને રાજકારણના અઠંગ ખેલાડી અને ચાણક્ય માનતા નરેન્દ્ર મોદી અને અમિત શાહે અજિતનું નાક દબાવીને તેમને નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેવા માટે મજબૂર કરી દીધા. અને જેવા શપથ લીધા તેના એક જ દિવસમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં તેમને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના કહેવાથી ક્લીન ચિટ આપી દેવામાં આવી અને એસીબી તેમ જ ઈડી દ્વારા ચાલતા તમામ નવ કેસ બંધ કરી દેવાની જે તે વિભાગ દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી.

શપથવિધિ બાદનો ઘટનાક્રમ

શનિવારે સવારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના શપથ બાદ ઉંઘમાંથી જાગેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસે કાગારોળ મચાવવાનું શરૂ કર્યું. શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને તેમના ખાસ એવા નેતા સંજય રાઉતે તાત્કાલિક અસરથી એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે મુલાકાત કરી. અજિત પવારના નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેવાની બાબતે પહેલાં તો તેમના કાકા શરદ પવાર તરફ આંગળી ચિંધાઈ. પરંતુ વાસ્તવમાં અજિત પવારે પાછલા બારણેથી ભાજપના નેતાઓ સાથે વાટાઘાટો કરીને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું અને તેમાં શરદ પવાર કે એનસીપીના કોઈ નેતાઓ સામેલ નહિ હોવાનું માલુમ પડતાં આખો ખેલ દિલ્હી દરબારમાં બેઠેલા ભાજપના બે ગેમપ્લાનર દ્વારા તૈયાર કરાયો હોવાનું જાહેર થયું હતું. આ આખ્ખા ખેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોરીસંચાર સંભાળ્યો હતો. અને અમિત શાહ તેમના કહેવા અનુસાર પાસાં ગોઠવતાં ગયા અને તેમાં આ બન્ને નેતાઓને સફળતા મળી. પણ જેવા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને શપથ લીધા બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો અને રવિવારે રજાના દિવસે આ અરજી ઉપર ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે દિવસે માત્ર જે તે પક્ષકારોને સભ્યોની યાદી આપવાનો નિર્દેશ કર્યો હતો અને સોમવારે હાથ ધરાયેલી સુનાવણીના અંતે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અને મંગળવારે ઉઘડતી કોર્ટે સુપ્રી કોર્ટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાની બહુમત વિધાનસભા ગૃહમાં સિદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અચાનક જ બપોરે 2.35 વાગે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈને પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતાં ફરી એકવાર ભાજપના દિલ્હી દરબારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ થયો અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફડણવીસને રાજીનામું આપી દેવાનું કહેવાતા મુખ્યપ્રધાન પદેથી દેવેન્દ્ર ફડણવીસે બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદમાં પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.