મહેસાણા, તા.૨૬
કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગી કોર્પોરેટરોના આંતરિક વિખવાદોના કારણે મુદત પૂરી થયાના ત્રણ મહિના પછી પણ સૌથી મહત્વની ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીની રચના નહીં કરી શકતાં વિપક્ષ ભાજપે સરકારી રાહે ટીપી કમિટીની રચનાનો ખેલ પાડી દીધો છે. પાલિકામાં હાલ ભલે કોંગ્રેસનું શાસન હોય પણ રાજ્યના શહેરી વિકાસ વિભાગે નીમેલી આ કમિટીના તમામ 6 સભ્યો ભાજપના છે. જેમાં બે સભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા છે. જેના અધ્યક્ષ જનક બ્રહ્મભટ્ટને નીમ્યા છે. પાલિકામાં સત્તા હોવા છતાં ટીપી કમિટી હાથમાંથી જતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પ્રમુખે આ મામલે અવાણ હોવાનું જણાવ્યું હતું.
નગરપાલિકાની સમિતિઓનો વિવાદ પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં પહોંચ્યા બાદ સરકારના કાયદાની સુસંગત ન થાય ત્યાં સુધી સમિતિઓ મોકૂફ રાખવા ગત માર્ચમાં આદેશ થયો હતો. ત્યાર પછી જુલાઇમાં પાલિકાની સભામાં સમિતિઓ નવેસરથી રચવા નિર્ણય કરાયો હતો. જોકે, અત્યાર સુધી સમિતિઓની રચના થઇ નથી. જેમાં ટીપી સમિતિ (આયોજન સમિતિ)નો પણ સમાવેશ થાય છે. આ સમિતિ કાયદાથી સ્થાપિત નિયમોનુસાર જરૂરી હોય છે. શુક્રવારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી (સંયુક્ત સચિવ) વી.ડી. વાઘેલાએ હુકમ કર્યો છે કે, મહેસાણા વિસ્તાર વિકાસ સત્તામંડળની આયોજન સમિતિની રચના થયેલી ન હોવાથી સત્તામંડળે કરવાના થતા કાર્યો તથા ફરજો બજાવવાની કામગીરી થઇ શકતી નથી.
સ્થાનિક સત્તામંડળ દ્વારા નિયત સમય મર્યાદામાં આયોજન સમિતિની રચના કરવામાં ન આવે તો સરકાર દ્વારા આયોજન સમિતિની નિમણૂંકની જોગવાઇના પગલે 9 સભ્યોની નિમણૂંકનો હુકમ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સમિતિમાં કોઇ પક્ષીય નહીં, સભ્યોના નામ સુચિત હોય છે. જેમાં સમિતિના અધ્યક્ષપદે ભાજપના જનકભાઇ બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઇ છે. જ્યારે કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં આવેલા રમેશભાઇ પટેલ (ભૂરી), પલ્લવીબેન પટેલનો સમિતિમાં સમાવેશ કરાયો છે.
પ્રજાના મતે ચૂંટાયેલી બોડી પાલિકામાં હોવા છતાં લોકશાહીને તોડી મરોડી ભાજપ સરકારે ટીપી કમિટી ઠોકી બેસાડી છે. જેમાં એક જ પાર્ટીના સભ્યો છે.બાંધકામમાં ઓનલાઇન પરવાનગી ચાલુ છે, ઘણાએ ઓનલાઇન મંજૂરી મેળવી છે. સરકારના આ નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ.જરૂર પડ્યે ન્યાયપાલિકાના દ્વારે જઇશું. અગાઉની સામાન્ય સભા એજન્ડા પછી કેટલાક કારણોસર મુલત્વી રાખી હતી. આજે ભાજપના સભ્યોના સૂચનથી સભા મુલત્વી રહી છે. આ ગાળામાં કમિટી રચી શકાઇ નથી.- અમીત પટેલ, કોર્પોરેટર કોંગ્રેસ પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, સરકારે સમિતિ રચી હોય એવો કોઇ હુકમ હાલ અમારી પાસે આવેલો નથી.
ટીપી કમિટીના અસ્તિત્વ વગર 170 જેટલી બાંધકામ પરવાનગીઓ પેન્ડીંગ પડી છે. પ્રમુખે સમિતિ માટે પ્રયાસ કર્યો હતો. જોકે, અધિકારીઓ ન આવતાં નિયમોનુસાર કરી પરવાનગી આપવી તેમ જણાવ્યું હતું, પરંતુ સમિતિ વગર બેઠક ન મળતાં કામ અધ્ધરતાલ રહે છે. હવે સરકાર રચિત સમિતિ અધિનિયમ મુજબના કાર્યો અને ફરજો બજાવશે.