મહેસૂલી બાકી અને દબાણો અંગે કલેક્ટર કોન્ફરન્સમાં ચર્ચા થવાની સંભાવના

ગાંધીનગર, તા.૦૩

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 4થી સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાનાર છે, ત્યારે તેમાં મહેસૂલી બાકી અને સરકાર જમીન પર થયેલા દબાણો હટાવવાના મુખ્ય મુદ્દાઓ ચર્ચાવાના હોવાની સંભાવના છે. આ સાથે એજન્ડા પર 15થી વધુ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યના જિલ્લા કલેક્ટરો તેમજ ડીડીઓની બે દિવસિય કોન્ફરન્સ આ અગાઉ ગયા મહિને યોજવામાં આવી હતી. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવી હતી. હવે એક જ દિવસ માટે 4થી સપ્ટેમ્બરે આ બેઠક યોજાનાર છે.

4થીએ બપોરના 3.30 કલાકે યોજાનારી આ કોન્ફરન્સ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં થશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં વિભાગોના

અધિકારીઓ પણ હાજર રહેવાના છે.

ગાંધીનગરથી થયેલા આદેશોનું પાલન સામાન્ય રીતે જિલ્લા કક્ષાએ થતું નહીં હોવાની મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કક્ષાએથી કામો કરવાના આદેશ આપવામાં આવે તેવી પણ સંભાવના છે. એ ઉપરાંત ઉદ્યોગજૂથોને આપવામાં આવેલી જમીન તેમજ ફાળવવાની બાકી છે. તેનો હિસાબ પણ કરવામાં આવશે. સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોનો દૂર કરવાનું અભિયાન શરૂ કરવા મુખ્યમંત્રી આદેશ કરે તેમ મનાય છે.

કોન્ફરન્સના એજન્ડામાં એનએ ઓનલાઇન સહિતના કાર્યક્રમોની સમીક્ષા પણ કરવામાં આવશે. આ સુવિધામાં ટેકનિકલ ક્ષતિ હોય તો તેને દૂર કરવાના પગલાં લેવાનું વિચારાશે. રાજ્યમાં મહેસૂલી વસૂલાત બાકી હોય તેવા કિસ્સાની યાદી રજૂ કરવાનું પણ જિલ્લા કલેક્ટરોને કહેવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગમાં સરકારે કરેલા 50થી વધુ સુધારાનો પણ હિસાબ માંગવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના 33 જિલ્લાના કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ હાજર રહેશે.