લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જે 5 હજાર વર્ષ જૂના સામૃદ્રીક તાકાતના પ્રતિકને જોવા દુનિયાના લોકોને આકાર્ષિત કરશે. બેટ દ્વારકા નજીક અંડરવોટર ગેલેરી તથા અંડરવોટર રેસ્ટોરેન્ટ વિકસાવવા વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત દેશના મેરીટાઇમ વારસાને જાળવવા માટે મેરીટાઇમ મ્યુઝિયમ, પુરાતત્વ મ્યુઝિયમ, મેરીટાઇમ થીમ પાર્કને સાંકળતુ ‘‘નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્ષ’’ લોથલ નજીક વિકસાવવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં જાહેર કર્યું હતું. ફરી માર્ચ 2019માં જાહેરાત કરી છે.
કેવું છે લોથલ
અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે 80 કિલોમીટર દૂર ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ નવેમ્બર 1954માં થઈ હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. રક્ષીત પ્રાચીન જૂની સંસ્કૃતિનું સ્થળ છે. ઇ.સ.પૂર્વે 2450થી 1900 સુધીનો માનવામાં આવે છે. લોથલમાં માણસનો પહેલું ગામ માનવામાં આવે છે. ઇ.સ. પૂર્વે 2350માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો અને ફેક્ટરીઓ અને બંદર નાશ પામ્યા હતા. ફરી તેને વસાવવામાં આવ્યું હતું. ઊંચા ટેકરા પર સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી. અહીં 5 હજાર વર્ષ પહેલાં શહેર હતું. જેના અવશેષો અને સ્મારકો જોવા મળે છે. લોથલનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામ રાખવામાં આવ્યું છે. બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા પણ હતી. મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
મોહેં-જો-દડોથી ચડિયાતું લોથલ અંગે લેખક કાંતિલાલ ત્રિપાઠીએ લખ્યું છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયું એ સમય હડપ્પીય (સિંધુ ખીણ) સંસ્કૃતિવાળાં સ્થળો મોહેં-જો-દડો અને હડપ્પા વગેરે પાકિસ્તાનમાં જતાં રહેતાં, ભારતીય ગૌરવ માટે હડપ્પીય સ્થળો શોધવા કેંદ્ર સરકારના આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાએ ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં આવેલી પોતાની ઑફિસોમાં આદેશ આપતાં, ગુજરાતમાં કેંદ્ર સરકારના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, પશ્ચિમ વિભાગ, વડોદરાની ઑફિસના વડા ડૉ. એસ. રંગનાથ રાવે સૌરાષ્ટ્રમાં પ્રાચીન ટીંબાઓની શોધખોળ કરતાં કરતાં સૌરાષ્ટ્રના ઝાલાવાડ – લીમડી તાલુકામાં ભાદર નદીને કાંઠે વસેલા રંગપુર ગામે, પ્રાચીન ટીંબા ઉપર આવી માટીપાત્રો એકત્ર કરતાં સાધારણ એવાં એંધાણ સાંપડ્યાં કે અહીંયા હડપ્પીય સંસ્કૃતિ છુપાઈને પડેલી છે. આથી સને ૧૯૫૪ ના જાન્યુઆરી માસમાં રંગપુરનું ખોદકામ શરૂ કરેલું.
એ ખોદકામમાં તામ્ર-કાંસ્ય યુગવાળી હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં અનેકવિધ ઓજારો, આયુધો, માટીના ઘરેણાં, કલાકૃતિઓ, ઘરવપરાશના દાગીના, માટીપાત્રો અને એ ઉપર પશુ, મોર તેમજ વૃક્ષનાં ચિત્રો, ચકમકની છરીઓ, તામ્ર વસ્તુઓ, વજનિયાં, માટીની ત્રિકોણાકાર થેપલીઓ, લોટા, વાડકા, થાળીઓ, કોડિયાં, માટીના દડા, કાણા કાણાવાળી બરણીઓ, બીકર, પ્યાલા વગેરે સાથે ચાર વસાહતો મળેલી, લાલ માટીનાં પોલિશ કરેલાં માટીપાત્રોની સાથે માટીના થરો તેમજ અન્ય બીજા પુરાવા અને સાધનોના આધારે એઓના સંક્રમણ-કાલનો સમય ઓળખાતાં અમો બધા એવા તારણ ઉપર આવેલા કે અહીંયા વસેલાઓ હડપ્પીય સંસ્કૃતિના નાશના કારણે નહિ પણ અન્ય કોઈ કારણોસર ધીરે ધીરે ક્યાંક બીજે ચાલ્યા ગયેલા છે. એ સંસ્કૃતિ ક્યાં ગઈ હશે એ અંગે અનુમાન કરવામાં આવેલું કે કદાચ રંગપુરનું સ્થળ ભાલ પ્રદેશ નજીક હોવાને કારણે એઓ એ તરફ પણ ગયેલા હોઈ શકે!
આથી એઓનું પગેરું શોધવા ડૉ. એસ. આર. રાવ સહિત અમારી ટુકડીના સભ્યો ભાલ-નળકાંઠા પ્રદેશના ધંધુકા તથા ધોળકાના એક એક ગામના પ્રાચીન ટીંબા-ટેકરા જોતાં તપાસતાં, ત્યાંના માટીપાત્રો તથા કોઈ એન્ટિક્વિટીઝ મળે તો એ વગેરે એકત્રિત કરતાં કરતાં ફરતાં હતા ત્યારે ધોળકા તાલુકાના લક્ષ્મીપુરા ગામ નજીક એક ટીંબો જોવામાં આવ્યો, જે ગામથી એક કિલોમીટર દૂર હતો. અમે ત્યાં જવા માગતા હતા, પરંતુ વરસાદના ધોવાણથી નેળવાળા એ સાંકડા રસ્તામાં ઠેર ઠેર પડી ગયેલા ખાડા અને ઢીંચણ સુધી ભરેલાયા પાણીને કારણે અમે ગામમાં જીપ મૂકીને, એ ગામના એક ભાઈને સાથે લઈ કાદવ-કિચ્ચડ-કાંપ ખૂંદતાં ખૂંદતાં, પાણી ડહોળતાં, લપસણી જમીનમાં કાળી માટી હોઈ લપસતાં પડતાં આખડતાં ત્યાં પહોંચી ગયા. એ દિવસે સન ૧૯૫૪ના નવેમ્બર માસની ૧૭મી તારીખ હતી.
સાથે લાવેલા ભાઈને ટીંબાનું નામ પૂછતાં તેમણે જણાવેલું કે અમો બધા ખેડૂતો તેને ‘લોથલ’ના નામે ઓળખીએ છીએ. એવા એ લોથલ ટીંબા ઉપર ચડતાં ચડતાં અને સમસ્ત ટીંબા ઉપર ફરતાં ફરતાં, એન્ટિક્વિટીઝ અને માટી પાત્રો વીણી વીણી જેટલાં એકત્રિત થાય તેટલાં એકત્રિત કરતાં લગભગ બેથી ત્રણ કોથળા માટીપાત્રોથી ભરાઈ ગયેલા, આથી અમો આનંદ વિભોર બની ગયેલા, કેમ કે રંગપુરમાંથી છેક નીચેના માટીના થરોમાંથી જે હડપ્પીય માટીપાત્રો તથા એન્ટિક્વિટીઝ મળેલી તે અહીંયા ટીંબાની ઉપરથી જ ખૂબ સાંપડવા લાગતાં, અમારો આત્મવિશ્વાસ એવો દૃઢ થયો કે આ ટીંબા ઉપર જો ખોદકામ કરવામાં આવે તો દટાઈ ગયેલા પુરાવશેષો એક અજબની શોધ પુરવાર થશે. આ વિચારે અમોએ રંગપૂર ખાતેનું ખોદકામ ત્વરાથી પૂર્ણ કરી લોથલ ખાતે શરૂ કરેલું. દસ વર્ષ સુધી ચાલેલા આ કામમાં એટલે કે ખોદકામ પૂર્ણ થતાં સુધી અને એનો સંપૂર્ણ રિપોર્ટ બહાર પ્રગટ થતાં સુધી ડૉ. એસ. આર. રાવની સાથે એક માત્ર ગુજરાતી તરીકે કામ કરવાનો લહાવો મને મળ્યો હતો.
ભારતભરમાં તમામ હડપ્પીય સ્થાનોમાં
એન્ટિક્વિટીઝમાં સૌથી વધારે સમૃદ્ધ સ્થાને લોથલ :
પૃથ્વી પર જેણે ડંકો વગાડ્યો છે તેના લોથલના ટીંબાના ગર્ભમાં દટાયેલા નગરની અજબ શોધે ગુજરાતને, ગુજરાતની પ્રજાને એક મહાન વારસાનું કાયમી ગૌરવ અપાવ્યું છે. આંતરાષ્ટ્રિય ક્ષેત્રે ખ્યાતિ ધરાવતું લોથલ પૃથ્વી પરના પુરાવસ્તુવિદોનું ધ્યાન ખેંચાતું, ભારતીય પુરાતત્વના ઇતિહાસમાં મહત્વનું મહત્તર સ્થાન ધરાવતું હોઈ ઇતિહાસકારો-પુરાતત્વવિદોનું અધ્યયન-સંશોધન અર્થે એક મહાવિદ્યાલય જેવું બનેલું છે. પરિણામે વિદેશી વિદ્ધાનો જ્યારે ભારતમાં આવે છે ત્યારે અભ્યાસાર્થે લોથલની મુલાકાત અચૂક લેતા જ હોય છે, કેમ કે ભારતનો આ મહાન વારસો અપ્રતિમ મહત્વ ધરાવે છે. સ્વતંત્ર ભારતનું સર્જન થતાં, મોહેં-જો-દડો અને હડપ્પા પાકિસ્તાનમાં ચાલ્યા જતાં બીજા સંશોધકોને સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રતિકૃતિ પૂરી પાડવા માટે ભારત પાસે આ એક જ પ્રાગૈતિહાસિક સ્થળ લોથલ છે, જેને જોતાં મોહેં-જો-દડો અને હડપ્પા જોયાનો સંતોષ અનુભવાય છે.
લોથલ વધુ ચડિયાતું છે :
મોહેં-જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિના ખોદકામે જે ફાળો આપ્યો નથી તે લોથલે આપેલો છે. આજ સુધી કોઈ પણ આવાં સ્થાનોમાંથી મુદ્રાઓ મળી નથી તે લોથલે આપી છે. બંદર સાથેનું લંગર ક્યાંય મળેલ નથી, એ સાબરને તીર બાંધેલું ગોદી સાથેનું બંદર લોથલે આપ્યું છે. સતીપ્રથાના સંકેત દર્શાવતા સ્ત્રી-પુરૂષ સાથે દાટેલાં હાડપિંજરો લોથલના સ્મશાનગૃહે પૂરાં પાડ્યાં છે. માટીનાં તેમજ અન્ય ધાતુ અને સોનાનાં પદકો, જેને હાલમાં આપણે મંગળસૂત્ર તરીકે ઓળખીયે છીએ તે, પહેરવાની પ્રથા લોથલની પ્રજાએ જ શરૂ કરી હોય એમ માનવાને કારણ મળે છે.
આ ઉપરાંત નાની એવી એક ચિત્રિત બરણી ઉપર વૃક્ષ નીચે ઊભેલું શિયાળ, ઝાડ ઉપર બેઠેલા કાગડાને જોઈ ‘દ્રાક્ષ ખાટી છે!’ એ બાળવાર્તાની યાદ અપાવે છે. આ ઉપરાંત એક ચિત્રિત ઠીકરા ઉપર વૃક્ષ સૂર્ય તેમજ મંદિર ચીતરેલ છે, જેનો સંકેત એવો ઘટાવી શકાય કે અહીં પ્રજા વૃક્ષપૂજા – નાગપૂજામાં માનતી હતી. કદાચ લોથલની પ્રજા કઈ સંસ્કૃતિની હતી એના સંશોધનમાં આમ લોથલ મહત્વનો ફાળો ફાળવી શકે ખરું. મોહેં-જો-દડોનો અર્થ સિંધી ભાષામાં ‘મરેલાંઓનો ટીંબો’ થાય છે તેમ લોથલનો અર્થ પણ ગુજરાતીમાં ‘લોથ, લાશ, મડદું, મડદાંઓનો ઢગ’ થાય છે. મોહેં-જો-દડો અને હડપ્પા નગરના આયોજન મુજબ જ લોથલ નગરનું આયોજન થયેલું હતું. લોથલ એનું ઉત્તર-સમકાલીન હતું.
હડપ્પાના ખોદકામમાંથી મળેલા પુરાવશેષો કઈ પ્રજાના, જાતિના, રાષ્ટ્રના છે એનો એ સમયે હજુ સુધી અભ્યાસ ન થયાને કારણે, કામચલાઉ રીતે પુરાતત્વવિદોએ એ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખાવી હતી. એવાં સ્થળો હાલમાં પણ જ્યાં જ્યાં મળે છે ત્યાં ત્યાં એને હજુ સુધી કામચલાઉ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો તરીકે ગણવામાં – ઓળખવામાં આવે છે, પરંતુ ભારતના પુરાતત્વવિદો ભારતની કઈ સંસ્કૃતિ કઈ જાતિની છે એ અંગેના સંશોધનમાં કેમ લાગી જતી નથી? શાથી? એ એક મોટો પ્રશ્ન છે. જે પ્રજાને યુરોપીય વિદ્ધાનોએ ગેરસમજથી ‘આર્ય’ સંજ્ઞા આપી છે અને જે હકીકતમાં તો હિમાલયના મધ્ય પ્રદેશમાંથી વિકસી આવેલી હતી અને તે ઉજળિયાત પ્રજા ભારતવર્ષમાં ફેલાઈ નીચે આ પ્રદેશમાં તેણે ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિ પ્રાપ્ત કરેલી હતી, આ જૂની પ્રજા વધુ આગળ પડતી હતી. નગર આયોજન, મકાનની બાંધણી અને જાહેર આરોગ્ય બાબતમાં એઓનાં ધોરણ અને જ્ઞાન ખૂબ ઊંડાં ને ઊંચાં હતાં.
લોથલ ટીંબો ક્યાં આવ્યો એની માહિતી :
હડપ્પાના ઉત્તર-સમકાલનો લોથલનો ટીંબો હાલની સાબરમતી અને ભોગાવાના સંગમ નજીક, કાંપવાળા સપાટ મેદાનમાં જ્યાં ઘઉં અને કપાસ ખૂબ થાય છે તેવા દરિયાઈ દોઆબ પ્રદેશમાં છે. જ્યાં સાબરમતી અને ભોગાવો એ બંને નદીઓ દરિયાને મળે છે તેવા આ બંદરીય સ્થળે દરિયાઈ ખેડ કરનારા હડપ્પીય લોકોને આકર્ષ્યા હતા અને એઓએ આ સ્થાને આવી, ગ્રામ વસાવી બંદર બાંધેલું, જે સ્થળ-સ્થાન હાલમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામની સીમમાં, ખંભાતના અખાતની પાસે એટલે કે ઉત્તરે સોળેક કિ.મી. અંદર અમદાવાદ-બોટાદ-રેલવે લાઈન ઉપર લોથલ–ભૂરખી સ્ટેશનેથી અને સ્ટેશન પાસેના ગામ ગૂંદીથી દક્ષિણ તરફ પાંચ કિ.મી. અને લક્ષ્મીપુરા ગામથી એક કિ.મી. દૂર આવેલું છે.
લોથલનું ખોદકામ ક્યારે આરંભાયું?
એનાં વિસ્તાર તથા માપ:
૧૯૫૪ના નવેમ્બર માસમાં લોથલની ટીંબો શોધી કાઢવામાં આવ્યો ત્યારે એ લગભગ ૧૯૦૦ ફૂટ એટલે કે અડધો માઈલ લાંબો, ૧૦૦૦ ફૂટ એટલે કે ૧/૪ માઈલ પહોળો અને બાવીસ ફૂટ ઊંચો મળી આવેલો અને એના ઉપર ૧૯૫૪ની શરૂઆતમાં ખોદકામ શરૂ કરેલું, જે સતત સાત વર્ષ સુધી, બાદમાં જરૂરતે બીજાં ત્રણ વર્ષ, એમ કુલ દસ વર્ષ સુધી ચાલેલું. ત્યારે એવું નિર્ણીત થયેલું કે લોથલ બે કિ.મી. ના પરિઘમાં વસેલું હતું જ, જે સૌ પ્રથમ નાના ગામડા જેવું હતું, પરંતુ એનો વિકાસ સધાતાં એ નગર બની ગયેલું.
ખોદકામના પ્રારંભમાં સૌ-પ્રથમ સપાટીની પદ્ધતિથી ખોદેલા એક ખાડામાંથી સૌ પ્રથમ સેલખડીની એક ‘ચકલી’ની મુદ્રા પ્રાપ્ત થયેલી. લોથલ વસાહતની પાંચ અવસ્થાઓને, જેમાંથી ચાર અવસ્થાઓને લોથલ ‘અ તરીકે અને પાંચમી અવસ્થાને એટલે કે પાછળથી મોડી આવીને એની ઉપર જ વસેલી વસાહતને લોથલ ‘બ’ તરીકે એમ બે વિભાગમાં વહેંચી નાખવામાં આવી છે. પ્રથમ કાલ લોથલ ‘અ’નો સમય ઈ.સ. પૂર્વે ૨૪૦૦થી ૧૯૦૦નો છે અને ‘બ’નો સમય ઈ.સ. પૂર્વે ૧૯૦૦થી ૧૬૦૦નો છે. આ પાછલો અંત સમયનો છે.
મોટા પૂરથી લોથલનો નાશ થયેલો :
અવારનવાર ત્યાં પૂર આવતાં રહેતાં હતાં અને એ કારણે સ્થાનથી ધીરે ધીરે પડતી થવા લાગેલી. એમાંય વળી ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં ત્યાં આવેલા સૌથી મોટા અને છેલ્લા પૂરે એનો સદંતર નાશ કરેલો. વળી પાછા લોકોએ ત્યાં આવી પુન: આ સ્થળે વસવાટ શરૂ કરી લાંબા સમય સુધી નિવાસ કરેલો, પરંતુ એઓ નબળી પરિસ્થિતિમાં જ રહેલા હતા.
નગર-આયોજન અને સંરક્ષણ-દીવાલ
રસ્તા અને એની પહોળાઈ, મકાનો-શેરીઓ:
દૂર-અંદેશી ધરાવતા એ સમયના લોકોએ પૂરના ભયને લક્ષમાં રાખીને જ નગર-આયોજન કરેલું હતું. મકાનોના સંરક્ષણાર્થે તડકે સૂકવેલી કાચી ઈંટોના ઓટલા બનાવી એની ઉપર ઘરો બાંધેલાં હતાં અને નગરનાં સંરક્ષણાર્થે તેર મીટર જાડી એવી કાચી ઈંટોની દીવાલ બનાવેલી. એના પાછળના ભાગે પાકી ઈંટોનો ટેકો આપેલો છતાંય પૂર એ દીવાલને તોડતું રહેતું હતું. તૂટેલા ભાગો કાચી ઈંટોને બદલે પાકી ઈંટો ને માટીથી ભરી પૂરી દેવામાં આવતા હતા.
નગર વિવિધ પ્રકારના જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું હતું. નગરના માર્ગો પાંચ મીટરથી માંડી તેર મીટર સુધીના પહોળા, સરળ સીધા અને સગવડ ભરેલા હતા. રસ્તાઓની બંને બાજુએ અડોઅડ હારબંધ મકાનો, કાટખૂણે કાપટી શેરીઓ, ગલીઓ, પાણીના નિકાલ અર્થે મોરીઓ, ઘરની નાની નીકો, મોટી નીકો, કોઠીઓ, ગટરો, ખાળકૂવા, બજારો કૂવા, કારખાનાં, બંદર, વખાર, ગોદી, સ્મશાન વગેરે મુખ્યત્વે હતાં.
કૂવો ધક્કો ગોદી વખાર :
મ્યૂઝિયમ તરફથી જતાં ટીંબા ઉપર સૌ-પ્રથમ પ્રવેશતાં જ ડાબા હાથે પશ્ચિમ દિશામાં પાકી ઈંટોનો એક ગોળ કૂવો આવે છે અને જમણા હાથે પૂર્વ દિશામાં પચાસ ટન સુધી માલ ભરેલાં ત્રીસેક જેટલાં શઢવાળાં વહાણ અને મોટી હોડીઓ લાંગરવાની ક્ષમતા ધરાવતો તથા હલેસાં માટે પૂરતી ઊંડાઈની સગવડ એટલે પાકી ઈંટોનો બાંધેલો પાકો ધક્કો (ડૉક્યાર્ડ) આવે છે, જે ૨૧૪ મીટર એટલે કે ૭૧૦ ફૂટ લાંબો અને ચૌદ ફૂટ ઊંડો છે. એની દક્ષિણી દીવાલમાં લાકડાનાં પાટિયાંથી ઉઘાડ-વાસ થઈ શકે એવી જોગવાઈવાળું ગરનાળું છે, જેનો ઉપયોગ દરિયામાં આવતી નાની-મોટી ભરતીના સમયે ધક્કામાં પાણી લાવવામાં તથા વધારાનું પાણી બહાર કાઢવામાં થતો હતો. એ જ દક્ષિણી દીવાલની પહોળાઈમાં વહાણો બાંધવા માટે લંગરો નાખવા–ઘાલવા અર્થે બાકોરાં તેમજ કાણાંવાળા ખૂબ વજનદાર ભારે પથ્થરો, લંગરો (ઍન્કર), માટીની નાની એવી પાંચેક હોડીઓ, હોડીઓમાંથી માલસામાન ઉતારવા તથા ચડાવવા અર્થે ધક્કાની પશ્ચિમી દીવાલથી માંડી વખાર સુધી ગોદી તરીકે ઉપયોગ થતો હતો. આ બધા અવશેષો હાલમાં પણ જોવા મળે છે.
ભારત વર્ષના પશ્ચિમ કિનારા ઉપરનું આ એક મહત્વનું બંદર હતું. એ દરિયાઈ વેપારને કારણે પોતાનાં હડપ્પીય નગરો, ઈરાનનો અખાત, મેસોપોટેમિયા ઈજિપ્ત વગેરે સાથે સંબંધ ધરાવતું હતું. વેપાર-વિનિમયમાં આ બંદરેથી વિવિધ પ્રકારના કિંમતી તેમજ અર્ધકિંમતી પથ્થરોના મણકા, તાંબું, હાથીદાંત, શંખ, છીપલાં અને સુતરાઉ કાપડની આયાત-નિકાસ થતી રહેતી હતી. આવું બંદર ભારતવર્ષના કોઈપણ હડપ્પીય સ્થળેથી તેમજ મોહેં-જો-દડો અને હડપ્પા વગેરેની નજીકમાંથી મોટી નદીઓના કિનારાઓ પર અને સમૃદ્ધ કિનારે પણ મળેલું નથી.
આ સ્થાનેથી આગળ વધતાં ગોદી (ગોડાઉન) અને જેટ્ટી યાને માલસામાન ભરવાની વખાર આવે છે, જે ધક્કાને અડીને ૧૯X૩૦ ચોરસ મીટરના એટલે કે ૧૪X૬૦ ફૂટ કાચી ઈંટોના પ્લૅટફોર્મ ઉપર બાર જેટલાં ગચિયાં યાને ચોતરાથી બાંધેલી છે. એ દરેક ગચિયા વચ્ચે વચ્ચે ચારેય બાજુ ત્રણ ફૂટ પહોળી એવી નાની નેળો છે. ગચિયાં ચારની પંક્તિમાં, ત્રણ હરોળમાં વહેંચાયેલાં છે. એના ઉત્તર છેડે એક એક એવી ત્રણ હરોળનું પાણી જવા માટેની પાકી ઈંટોની નીક બનાવેલી છે. વખાર ઉપરની લાકડાની ઈમારત આગથી નાશ પામેલી, પરિણામે કાચી ઈંટોને અગ્નિજ્વાળાઓ લાગતાં એ ઈંટો લાલ દેખાય છે. એ સમયે એ વખારમાં સંગ્રહાયેલી રૂની ગાંસડીઓમાંથી બળીને છૂટી થઈ ગયેલી મુદ્રાઓ (સીલ્સ)ની લગભગ પંચોતેર જેટલી ડાઈ મળી આવી છે. ઉપરાંત પાકેલા માટીના ગોફણ-ગોળા, ત્રિકોણાકાર ટીકડીઓ, રાખ કોલસા વગેરે પણ એમાંથી પ્રાપ્ત થયેલાં હતાં. આ સ્થાનેથી મળેલી મુદ્રાઓની ડાઈ મોહેં-જો-દડો હડપ્પા તેમજ હડપ્પીય સ્થાનોમાંથી ક્યાંય પણ પ્રાપ્ત થયેલ નથી.
સ્નાનગૃહો, જાજરૂ, કોઠીઓ અને મોટી-નાની ગટરો:
આ વખાર-કોઠારની સાથે જ દક્ષિણ દિશા તરફે એટલે કે એની થોડેક બાજુમાં દક્ષિણ-પશ્ચિમે એક ખૂબ ઊંચા ઓટલા ઉપર નાની નહાણી અને એની નાની નીક તથા એ નીકની નીચે દાટેલ મધ્ય કદનું માટલું હાલમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે ઈ.સ. પૂર્વે ૧૯૦૦ના મહા પૂરથી થયેલા નગરના નાશ પછી લોકો પુન: આવીને વસેલા છે. આની સામે જ વખાર-કોઠારની સામે, ઉત્તર દિશા તરફ જોતાં જ, પાકી ઈંટોના આઠેક સ્નાનગૃહો મળી આવેલાં છે, જેમાં પૉલિશ કરેલી ઈંટોની ફરસબંધી છે. એની આજુબાજુના ભોયતળિયામાં કાચી ઈંટો વાપરેલી છે. આ સ્નાનગૃહોની નીકોનું પાકી ઈંટરી ગટરનું પાણી બીજી ગટરમાં વાળવામાં આવેલું છે અને એ દક્ષિણ દિશા તરફ ખૂબ દૂર સુધી જતું હતું તથા પાકી ઈંટોની જાડી દીવાલથી ઊંચા ઓટલા જેવું બાંધેલું હતું તેના ઉપર થઈને પડતું હતું.
પાકી ઈંટોની વચ્ચે ચૂનાના કોલનો ઉપયોગ થયો હતો. આ આઠ સ્નાનગૃહોની પાછળના ભાગમાં આવેલી ગલીનાં સાંકડાં મકાનોને જોઈશું તો એ ઊંચી ઊભણીવાળાં, નાના મકાનોમાં નાની નાની ચોકડી અને એનું પાણી નાના નાના ખાળકૂવાઓમાં પડી એમાં કચરો રોકાઈ જતાં જતાં એ મેલું પાણી ચોકડીની નીક વાટે સો ફૂટ જેટલી લાંબી બંધ ગટરમાં જાય છે. આ ગટર ઉપર જાજરૂની એક કોઠી પણ ગોઠવેલી છે અને ગટરના વળાંક પાસે પાકી ઈંટોનો એક કૂવો પણ બનાવેલો છે. આ બંધ ગટરના પાણીનો મોટા એક કૂવા સમા ખાડામાં પડી નદી તરફે નિકાલ થતો રહેતો હતો. એ ખાડામાંના કચરાને સાફ કરવા, એમાં ઊતરવા તેમજ પડતા પાણીનું જોશ તોડવા લાકડાંઓના ડંડા ઘાલવા પૂર્વ-પશ્ચિમ દીવાલોમાં બાકોરાં પણ રાખેલાં છે. ગટરની સાથે બીજી સમાંતરે પણ મોટી ગટર છે. ગટરોને ઢાળ પણ આપેલો છે. એ બંધ ગટર અને એના વળાંક પાસેનો કૂવો મોહેં-જો-દડો અને હડપ્પાની પ્રતિકૃતિ છે. ખોદકામ દરમ્યાન પાંચથી તેર મીટાર પહોળી એવી ચારેક જેટલી શેરીઓ પણ મળી આવી છે.
મણકા બનાવવાનું કારખાનું, ભઠ્ઠો અને મોટાં મકાન :
આ સ્થાનેથી આગળ ચાલતાં પશ્ચિમ દિશામાં હુન્નર-ઉદ્યોગવાળાઓએ કાચી ઈંટોના બાંધેલાં બે મોટાં મકાનો જોવા મળે છે, જેમાં જમણા હાથ તરફના મકાનના એક ભાગમાં કાચી ઈંટોનો લાંબો ઓટલો છે. એ ઓટલાની અંદર દાટેલું એક મોટું માટલું છે. બંને બાજુએ બબ્બે ઓરડીઓ આવેલી છે. આવા એ સ્થાન-મકાનમાંથી અકીક, ચકમક, જેસ્પર, કાર્નેલિયન વગેરે વિવિધ પથ્થરોમાંથી તેમજ શંખ અને છીપલાંમાંથી તૈયાર કરેલા, અધૂરા રહેલા, એક બાજુ કાણાં પાડેલા, છૂટી ગયેલા સંખ્યાબંધ મણકા તેમજ એનો કાચો માલ વગેરે પ્રાપ્ત થયેલ, જેથી એ મકાન મણકા બનાવવાનું કારખાનું હતું એમ સિદ્ધ થયેલું છે. એની પાસે જ સામે પૂર્વ દિશામાં આયોજનપૂર્વક તૈયાર કરેલો એનો એક ભઠ્ઠો પણ મળી આવેલો છે. એ ભઠ્ઠાના ઉપરના ભાગમાં ચાર બાકોરાં અને વચમાં નીચે ચૂલા જેવું સળગાવવાનું છે. એઓને જે પથ્થરમાંથી મણકા બનાવવાના હોય તે પથ્થરોના ટુકડા કરી, સફેદ રંગની બીજી વસ્તુઓ સાથે, ચાર નાનકડા ઘડાયેલા લોટાઓમાં એ ભરી, ઢાંકી, ચાર બાકોરાં ઉપર મૂકી, ચૂલા સમી જગ્યાએથી લાકડાનો વેર એમાં ઘાલી, સળગાવી પથ્થરોને ગરમી આપવામાં આવતી, જેથી નરમ બનતાં પોતાને જોઈએ તેવી રીતે સાબરના શિંગમાંથી બનાવેલા હથોળાથી તોડીને, ધીરે ધીરે છોલીને જેવા જોઈએ તેવા માપના પૉલિશ કરેલા હોય તેવા મણકા તૈયાર કરાતા હતા. લોથલની પ્રજા મણકા-ઉદ્યોગમાં ખૂબ પારંગત હતી. એ ઉદ્યોગની પરંપરા અને પ્રક્રિયા હજુય હાલમાં ખંભાત ખાતે જોવા મળે જ છે. આ ભઠ્ઠાની પૂર્વ દિશાએ આગળ વધતાં નીચાણવાળો શહેરનો બજારનો ભાગ જોવા મળે છે.
નીચાણવાળું બજાર, ઘરો, રસોડું,
નહાણી, રસ્તો, દુકાનો :
આ ભાગમાં સામસામે આવેલાં મકાનોની વચ્ચે રસ્તા આવેલા છે. આ ભાગના માર્ગો બારેક ફૂટ પહોળા છે. બંને બાજુએ હારબંધ અડોઅડ બાંધેલાં મકાનો જોવા મળે છે. રસ્તા ઉપરની દુકાન ત્રણ તેમજ ચાર ઓરડીઓવાળી હતી, જેમાં એક સોનાની દુકાન હતી, જેમાંથી ચતુષ્કોણ માપની ઈંટોની નાની ભઠ્ઠી તથા એનાં વપરાશનાં સાધનો, ઓજારો વગેરે મળી આવેલાં છે. એ દુકાનની આગળની ઓરડીમાંથી શંખ તથા છીપલાં અને એમાંથી બનાવેલા મણકા વગેરે મળી આવેલાં હતાં.
આ બજારોની હેઠળના ભાગમાં રસ્તાવાળું બજાર છે, માર્ગની બંને બાજુએ હારબંધ મકાનો છે. મકાનોમાંથી પાણીના નિકાલ અર્થે જાહેર રસ્તામાં મકાનોની દીવાલને અડીને કોઠીઓ નાખેલી છે. એક મકાનમાં પાકી ઈંટોનું ફરસબંધીવાળું સ્નાનગૃહ, રસોડું, સ્ટોર અને એના પાણીના નિકાલ અર્થે જાહેર માર્ગમાં એક ઉપર એક એવી બેવડી કોઠીઓ નાખેલી છે. આ ઉપરાંત નાની ચાર-પાંચ જેટલી નાહવાની ચોકડીઓનો સમૂહ અને એને જોડેલી પાકી ઈંટોની નીક પણ હતી, પરંતુ એ અવશેષો તૂટીને વેરવિખેર થઈ ગયેલા છે. એ સમૂહમાંની એક ચોકડીમાંથી કૂલડી મળેલી અને એમાંથી કીડિયા જેવા ખૂબ નાના, સોનાના, બારીક મણકા અને ત્રણ ચાર સેરની વચ્ચે રાખવામાં આવતી કાણાંવાળી સોનાની ઊભી પટ્ટીઓ વગેરે મળેલ છે. વધુમાં ચાર પાંચ સેરનો સોનાનો એક હાર પણ મળી આવેલો છે, જે હાલમાં મ્યૂઝિયમમાં મૂકેલો છે. આ સ્થાનથી આગળ મકાનોના તૂટેલા અવાશેષો મળે છે.
હવનકુંડો અને અગ્નિકુંડો :
આ સ્થાનથી સહજ વળીને ઉત્તર-પશ્ચિમે જોતાં ત્યાં પણ રસ્તા ઉપર ઘરો મળી આવેલાં છે, જેમાંથી હવનકુંડો, નહાણી જેવા મોટા અગ્નિકુંડો, પ્રાણીઓના બળેલાં હાડકાં, રાખ વગેરે એ સ્થાનોમાંથી મળેલું હતું. પાકી ઈંટોનો એક મોટો હવનકુંડ, જે સ્નાનાગાર જેવો લાગે છે, તેના એક છેડે ગોળાકાર સ્થાનમાંથી માટીની સુંદર મોટી ચિત્રમય અને મધ્યમ માપની કોઠી મળેલી છે તેમજ માટીની ત્રિકોણાકાર થેપલીઓ પણ સાંપડી છે. આમ, આ રીતે ચારેક શેરીઓ તથા રસ્તાઓ જોઈ ત્યાંથી પશ્ચિમ દિશામાં આગળ વધતાં સ્મશાનગૃહ આવે છે.
સ્મશાનગૃહ :
ઉત્તર-પશ્ચિમી નગર સંરક્ષણની દીવાલની અંદરના ભાગમાં ૪૦X૩૬ મીટરવાળા સ્મશાન વિસ્તારમાંથી દક્ષિણ દિશામાં કાટખૂણે ચતુષ્કોણી દફન – ક્રિયાવાળા સોળ જેટલાં ખાડાઓમાંથી ૨૧ જેટલાં હાડપિંજરો મળી આવેલાં છે. આ દફનક્રિયાના ખાડા ૩.૨ મીટર લાંબા, ૦.૭૫ મીટર પહોળા અને ૩ થી ૫ મીટરની ઊંડાઈવાળા ખોદવામાં આવતા હતા. એકી સાથે બે મૃતદેહો દાટવાના હોય ત્યારે એ ખાડાની પહોળાઈ એક મીટરથી વધુ રાખતા હતા. મૃતદેહોનું માથું ઉત્તર તરફે રાખીને સુવાડતા હતા અને એના માથા તેમ ખભા પાસે માટીના સુંદર ઘડા, ઘોડાવાળી થાળીઓ, બહાર વળેલા કાનાવાળા વાડકા, લોટા ઈત્યાદિ વાસણો સાથે અલંકારો વગેરે મૂકી કાંકરથી દાટી દેવામાં આવતા હતા.
સ્મશાનગૃહોનો એક ખાડો શબપેટી જેવો કાચી ઈંટોથી ચણીને તૈયાર કરેલો મળી આવેલો છે અને એક ખાડામાંથી તો સ્ત્રી-પુરૂષ સાથેનું મૃત દેહવાળું જોડકું અને એના માથા પાસે મૂકેલાં તમામ પ્રકારનાં માટીનાં વાસણો, ત્રાંબાની બંગડીઓ, વીંટી તેમજ શંખના મણકા વગેરે મળેલ હતાં. આ જોડકું એ સમયમાં સતી થવાના રિવાજનો સંકેત દર્શાવતું હોય એમ લાગે છે.
માટીપાત્રો અને અન્ય પુરાતત્વીય પદાર્થો :
લોથલના ટીંબાના સમગ્ર ખોદકામમાંથી પ્રાપ્ત થયેલ હડપ્પીય લખાણો સાથે પ્રતીકોવાળી એકશૃંગી એટલે કે વરાહ અને ગેંડો, હાથી, ચકલી, વાઘ આખલો તેમજ અન્ય કેટલાંકમાં ફક્ત લખાણોવાળી સેલખડીની માટીની અને ત્રાંબાની મુદ્રાઓ (સીલ્સ) અને માટીના ૧૨૫ જેટલાં મુદ્રાંકો (સીલિંગ્ઝ) મળી આવેલ છે.
માટીનાં રમકડાઓમાં ગાડાં, પૈડાં, હોડીઓ, પ્રાણીઓ, પશુ-પંખી અને માનવ-આકૃતિઓ, વળી વાનર, ગેંડો, આખલો, બકરાનું માથું, કૂતરાં, બળદો, એસીરિયન પ્રજાના જેવું દાઢી સાથેનું માથું, મિસરનું જૂનું મમી, આફ્રિકાનો ગોરીલો, નાના-મોટા શંકુ આકારના મણકા, કાનનાં એરિંગો, બોરદામણી, શતરંજનાં પ્યાદાં, રોજિંદા વપરાશનાં મોટા નાનાં, મધ્યમ નાનાં, સાવ નાનાં સાદાં અને ચિત્રમય વાસણોવાળી મોટી કોઠીઓ, માટલાં તેમજ સાદા ઘડા, લોટા, થાળીઓ, વાડકા, પવાલાં, મોટાં નાનાં ઢોચકાં, સાદા ચૈડવા, ઘણાં કાણાંવાળા નળા, ચિત્રિત નાની મોટી બરણીઓ કે જેમાં ભૌમિતિક તથા વનસ્પતિ, પશુ, પંખીની આકૃતિઓના સુશોભનો જોવા મળે છે. આ ઉપરાંત માટીની ગોફણના ગોળા, દડા તેમજ નાની મોટી ચોરસ અને લંબગોળ પેટી, આંગળીમાંથી પકડી દૂર સુધી ફેંકીને જાનવરોને મારી શકાય તેવા ખાંચાવાળા દડા, સ્લિંગ બૉલ્સ વગેરે મળેલાં છે. એ ઉપરાંત લાલ તથા કાળાં વાસણો પણ મળેલાં છે.
પથ્થરની વસ્તુઓમાં અકીક તથા ચકમકમાંથી બનાવેલાં મોટાં નાનાં મધ્યમ એવા ત્રણ પ્રકારનાં ષટકોણી તોલમાપનાં વજનિયાં, વિવિધ પ્રકારના મણકા કે જેમાં અમુક પ્રકારના મણકાની બંને બાજુ સોનાથી મઢેલ છે તે મળ્યા છે. શંખ-છીપની બનાવટોમાં બંગડીઓ પદકો મણકા વગેરે મળેલ છે જ્યારે હાથીદાંતમાંથી બનાવેલી લાંબી પિનો, સાંધવાની સોયો. શેતરંજ રમવાના પાસા વગેરે મળેલ છે. ત્રાંબા અને કાંસામાં એટલે કે ધાતુના પદાર્થોમાં તાંબાના કૂતરાં, બતક, હંસ, સોયો, બંગડીઓ, પિનો અને ચાકૂ, છરી, માછલી પકડવાના અંકોડા—ગલ, છીણી, બાણનાં ભાલોડાં, ભાલાનાં ફળાં, કુહાડીઓ અને એના પાનાં, દેગડો વગેરે પ્રાપ્ત થયેલ છે. સોનામાં બારીક નાના મણકા, સોનાની કાણાંવાળી ઊભી પટ્ટીઓ, પદકો, ગોળાકાર રૂપિયા જેવા આકારનાં ચકતાંનો હાર વગેરે મળેલ છે.
લોથલમાંથી પ્રાપ્ત થયેલ તમામ પુરાવશેષ વસ્તુઓને ટીંબા પાસેના મ્યુઝિયમમાં વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરેલ છે, જે પૃથ્વી ઉપરનું હડપ્પીય સંસ્કૃતિનું આ સૌ-પ્રથમ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ તૈયાર કરવા માટે દિલ્હીના ડાયરેક્ટર ઑફ મ્યુઝિયમના આદેશ અનુસાર, ઈન્ડિયન મ્યુઝિયમ, કલકત્તાના સુપરિન્ટેન્ડન્ટની સૂચના મુજબ દિલ્હીના સહાયક સુપરિન્ટેન્ડન્ટ આર્કિયોલૉજિસ્ટ શ્રી ડી.પી. સિંહાને તેમજ આ લેખકને અન્ય સહાયકો આપવામાં આવતાં તૈયાર કરવામાં આવેલું હતું.
ગુજરાત રાજ્યના પ્રવાસન ખાતાએ પણ લોથલમાં રહેવા જમવા ચા-પાણી અંગેની સુવિધાવાળું આરામગૃહ-પ્રવાસીગૃહ ઊભું કરેલ છે અને એની બાજુમાં વહાણવટી માતાની દહેરી પણ આવેલી છે. ટૂંકમાં લોથલને જોતાં સર્વ રીતે કહી શકીશું કે લોથલ એટલે ગુજરાતની અસ્મિતાનો ભારતવર્ષનો અમૂલ્ય વારસો. અસ્તુ.
[નોંધ : ભારતવર્ષમાં પ્રાચીનતમ કાલમાં કોઈ વિશિષ્ટ પ્રજા બહારથી આવી નથી. ચંદ્રવંશીય જૂની પ્રજાનું ઉત્થાન હિમાલયના મધ્ય પ્રદેશમાં થયેલું અને ભારતવર્ષમાં દક્ષિણ સુધીમાં તથા પશ્ચિમમાં પશ્ચિમ એશિયા અને યુરોપમાં આ પ્રજાનો એક અંશ આગળ વધી ફેલાઈ ગયો. પૂર્વ હિમાલયમાં સૂર્યવંશીય પ્રજાનો વિકાસ થયો ને એ પણ ભારતવર્ષમાં ફેલાઈ. એ પ્રમાણે હિંદી મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દક્ષિણના બેટોમાં અને ભારતવર્ષના વચ્ચેના સમુદ્રથી છૂટા રહેલા દક્ષિણમાં શ્યામાંગ પ્રજા વિકસેલી તેમનો ભારતવર્ષના દક્ષિણ પ્રદેશોમાંનો સમૂહ, પેલો સમુદ્ર સૂકાઈ જતાં, ઉત્તરમાં પણ પ્રસરતો ચાલ્યો. વૈદિક કાલમાં આ ત્રણ સમૂહ – ચંદ્રવંશીય શ્વેતાંગો, સૂર્યવંશીય પીતાંગો અને દનુવંશીય શ્યામાંગોમાંના કેટલાકનું ભારતવર્ષમાં સંમિશ્રણ થયું. આ સમય વેદકાલ કે એનાથી પણ જૂનો હોઈ શકે.
મોહેં-જો-દડો અને હડપ્પીય સંસ્કૃતિ કોઈ બીજી જ કહેવાતા આદિવાસી દ્રવિડોની છે એવું જે ઠસાવવામાં આવ્યું છે તે લોથલમાંથી હવનકુંડ વગેરે મળી આવતાં નિરર્થક થયું છે અને કહેવાતી સિંધુ સંસ્કૃતિ એ કોઈ જુદી નહિ, પણ વૈદિક સંસ્કારવાળી અને સંસ્કારી હોવાથી આર્ય (સંસ્કૃત) છે, આર્ય નામની કોઈ પ્રજા નહિ. ઋગ્વેદથી લઈ સંસ્કૃત સાહિત્યમાં ‘આર્ય’ શબ્દ કોઈ વંશનો કે જાતિનો વાચક ક્યાંય મળ્યો નથી. યુરોપીયોએ આ શબ્દને વંશવાચક કે જાતિવાચક તરીકે ઠોકી બેસાડેલો છે. – કે.કા. શાસ્ત્રી