ગાંધીનગર,તા.14
ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા માર્ગો પર ટ્રાફિક જામની છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના મેટ્રોસિટી મુંબઇમાં અમદાવાદ કરતાં બમણાંથી વધુ વસતી છે છતાં ત્યાં ટ્રાફિક નિયમન કડક હાથે થાય છે તેથી વાહનચાલકો લેન તોડતાં પણ ગભરાય છે, કારણ કે સીધું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે અમદાવાદમાં કોઇપણ સાઇડથી વાહન ક્યારે માર્ગની વચ્ચે આવી જશે તે કહી શકાય નહીં. રાજ્યના શહેરોમાં મુંબઇ જેવી ટ્રાફિક વ્યવસ્થાની આવશ્યકતા છે.
ગુજરાતના શહેરો માટે ઉદાહરણરુપ મુંબઈનું ટ્રાફિક નિયમન
મુંબઇના ટ્રાફિકમાં બે બાબતો સામે આવી છે. એક તો ટ્રાફિકમાં પોલીસ દ્વારા લેવામં આવતું કરપ્શન બંધ થયું છે અને વાહનો તેમની મર્યાદામાં ચાલે છે. મુંબઇની લેનસિસ્ટમ બીજા શહેરો માટે ઉદાહરણરૂપ છે. આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ લેન સિસ્ટમ દેખાય તે જરૂરી છે. ગુજરાતના મુખ્યમંત્રી કે કેબિનેટના મંત્રીઓ મુંબઇમાં દ્વિચક્રી કે ફોરવ્હિલર ચલાવે તો એક એક કિલોમીટરે દંડ થાય, કારણ કે તેઓએ મુંબઇની ટ્રાફિક વ્યવસ્થાનો અનુભવ કર્યો નથી. રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, વાહનો લેનમાં જ ચાલે તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા નથી, કેમ કે આ મેટ્રો સિટી મુંબઇમાં વાહન ચલાવવાની સેન્સ કેળવાઇ ચૂકી છે. ચમત્કાર મળતાં નમસ્કાર થાય છે. દંડની રકમ ભરીને થાકેલા મુંબઇના વાહનચાલકો તેમની જવાબદારી સમજે છે. નરીમાન પોઇન્ટ અને દરિયા કિનારાના પ્રવાસન સ્થળોએ વાહન પાર્કિંગની સાઇડમાં કતાર હોવા છતાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક સરળતાથી ચાલે છે. કોઇ અડચણ ઉભી થતી નથી. માર્ગો પર ચાલતા વાહનો અનટચ્ડ હોય છે.
અમદાવાદ-સુરતમાં ટ્રાફિક નિયમન જટીલ
બીજી તરફ આપણા અમદાવાદ અને સુરતમાં ટ્રાફિક નિયમન જટીલ બનતું જાય છે. અમદાવાદના એસજી હાઇવે અને સુરતના અઠવાલાઇન્સની હાલત તો સવારે અને સાંજે કફોડી બનતી જાય છે. લેન સિસ્ટમ હોવા છતાં અમદાવાદ અને સુરતમાં વાહનો નિયંત્રિત કરી શકાતા નથી. લેનમાં વાહન ચલાવનાર હાંસીને પાત્ર બને છે. ટ્રાફિક પોલીસને માત્ર હપ્તા ઊઘરાવવામાં જ રસ છે. અગણિત વાહનોએ અમદાવાદ અને સુરતને સંકુચિત બનાવી દીધું છે.
લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે તો અમદાવાદનો ટ્રાફિક સરળ બની શકે
મુંબઇની એક ખૂબી છે કે દ્વિચક્રી વાહનો એટલે કે બાઇક મુખ્યમાર્ગની ડાબી બાજુએ જ હંકારવામાં આવે છે જ્યારે અમદાવાદ કે સુરતમાં રોડ વચ્ચે ક્યારે બાઇક આવી જાય તેની ખબર પડતી નથી.. ગુજરાતમાં ટ્રાફિકના નિયમો છે પણ તેનું પાલન થતું નથી. મુંબઇની જેમ લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે તો અમદાવાદનો ટ્રાફિક સરળ બની શકે છે.
મુંબઈ કરતા વાહનોની સંખ્યા ઓછી છતા ટ્રાફિક સેન્સ જળવાઈ છે
અમદાવાદમાં વાહનોની સંખ્યા 3 લાખ છે. ત્યારે માર્ગો પર વાહનોની ભીડ જામી છે. પદયાત્રીને પણ ફુટપાથ પર ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનો રોજ મધ્યે પાર્ક કરવાની ફેશન થઇ પડી છે. જ્યારે મુંબઇમાં માત્ર ફોરવ્હિલરની સંખ્યા 10.27 લાખ જોવા મળે છે. એ સિવાયના વાહનો મળીને કુલ વાહનોની સંખ્યા 33 લાખ થવા જાય છે. આટલી મોટી સંખ્યા હોવાથી વાહનોની ગતિ મંદ પડી છે પરંતુ ટ્રાફિક સેન્સ ગજબની કેળવાઇ છે.
ગુજરાતના મહાનગરોમાં વાહનનિયમન જરુરી
ગુજરાત સરકાર અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એવો નિયમ બનાવવો જરૂરી છે કે ગુજરાતના શહેરોમાં વાહનો લેનમાં ચાલે. લેનનો ભંગ કરનારા વાહનચાલકોને ઓનલાઇન દંડવા જોઇએ. અમદાવાદમાં માર્ગો પર ક્યાંય પણ ટ્રાફિક પોલીસ ઉભા રહેવા જોઇએ નહીં, ઇ-મેમો આપવાની સુવિધા વધારવી જોઇએ. જો આમ નહીં થાય તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં માર્ગો પર વાહન નિયમન અઘરૂં તો ઠીક વધારે અસહ્ય બની જશે.