મુખ્યપ્રધાનની સરકારી ગાડી જીજે18જી9085 નંબરની ગાડીનો વીમો 2015માં પૂર્ણ થઈ ગયો છે!!

ગાંધીનગર, તા. 17

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ એક્ટનો કડક અમલ શરૂ કરાયો છે. આ નિયમોના પાલનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ વાહનનાં દરેક ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથોસાથ વાહનનો વીમો પણ હોવો જરૂરી છે. રાજ્યના મુખ્યપ્રધાને આ નિયમોના કડક અમલનો આદેશ કર્યો છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે જે કાર વાપરે છે તેનો વીમો જ 2015માં પૂર્ણ થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાનની ગાડીનો વીમો પૂર્ણ થઈ ગયો છે તો પોલીસ અધિકારી દ્વારા રૂ. 500નો ત્યારે શું રાજ્યની ટ્રાફિક પોલીસ કે ટ્રાન્સપોર્ટ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરીને નવા દંડની જોગવાઈ પ્રમાણે દંડ વસૂલશે કે કેમ એક એવો સવાલ ઊભો થયો છે.

ચાર વર્ષ છતા પોલીસ ખાતા દ્વારા વીમો રીન્યુ કરવાની કોઈ કાર્યવાહી નહી

અત્યંત આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મુખ્યપ્રધાન વિજય રૂપાણી જીજે18જી9085 નંબરની સ્કોર્પિયોમાં પ્રવાસ કરે છે. અને સામાન્ય રીતે તેઓ આ જ કારનો વધુ ઉપયોગ કરે છે. તેમની કારનાં વીમા મામલે જ્યારે કેન્દ્રીય પરિવહન વિભાગ દ્વારા 7738299899 નંબર ઉપર શરૂ કરાયેલી ઉપર સેવા પર આ ગાડીનો નંબર નાંખતા જે વિગતો સાંપડી છે તે ખરેખર ચોંકાવી દે એવી છે. એકબાજુ મુખ્યપ્રધાન રૂપાણીએ છેલ્લે મળેલી કેબિનેટ બેઠકમાં પણ દરેક પ્રધાનોને કડક સૂચના આપી હતી કે મોટર વ્હિકલ એક્ટના નિયમોનું કડકપણે પાલન કરવું. પરંતુ તેઓ પોતે જે કાર વાપરે છે તેનો વીમો જ એપ્રિલ 2015માં પૂર્ણ થઈ ગયો છે. આ ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામ હેઠળ નોંધાયેલી છે. અને તેની તમામ પ્રકારના કાગળિયાની કામગીરી માલિક તરીકે ડીજીપી ઓફિસ દ્વારા કરવાની હોય છે તેમ છતાં પોલીસ ખાતા દ્વારા આ વીમો રિન્યૂ કરાવવા માટે કોઈ કાર્યવાહી ચાર વર્ષ વીતી ગયા છતાં પણ હાથ ધરાઈ નથી.

વીમો ન હોય તો કેટલો દંડ?

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા મોટર વ્હિકલ એક્ટની જોગવાઈનો રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી કડકપણે અમલ શરૂ થઈ ગયો છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીની કારનો જ વીમો પૂર્ણ થઈ ગયો છે અને તેને રિન્યૂ નથી કરાયો. જો વાહનનો વીમો ન હોય તો નવી જોગવાઈ પ્રમાણે 500 રૂપિયાનો દંડ વસૂલવાનો હોય છે. પરંતુ મુખ્યપ્રધાનની કાર હોવાના કારણે કોઈ પણ ટ્રાફિક પોલીસ અધિકારીએ આ કારના કાગળિયા તપાસ્યા નહિ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

ગાંધીનગર આરટીઓ શું કહે છે?

આ મામલે અમારા પ્રતિનિધિએ ગાંધીનગર આરટીઓનો 07923240954 અને 07923240951 ઉપર સંપર્ક કર્યો ત્યારે આ નંબર સતત વ્યસ્ત બતાવ્યો હતો. આ જ મામલે જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંજુનો 07923251361 ઉપર સંપર્ક સાધ્યો ત્યારે તેમના કાર્યાલય પરથી સાહેબ મીટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. હવે જ્યારે રાજ્યના મુખ્યપ્રધાનની જ ગાડીનો વીમો પૂરો થઈ ગયો હોય ત્યારે આ નિયમના ભંગનુ ચલાણ કોણ ભરશે તે એક મોટો સવાલ છે.