મુખ્યપ્રધાન રૂપાણીના જ કાર્યક્રમમાં ત્રિરંગાનું અપમાન, રાષ્ટ્રધ્વજને ઊંધો ફરકાવ્યો

ગુજરાતના મુખ્યપ્રધાન હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ઉઝબેકિસ્તાનના વિવિધ સંગઠનો સાથે બેઠકો યોજી ગુજરાતમાં રોકાણની વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા (ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ટેબર પર ઊંધો લગાવેલો જોવા મળ્યો હતો. આ અંગેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે અને રાષ્ટ્રધ્વજના અપમાન બદલ જવાબદારો સામે ગુનો નોંધવાની માગણી પણ કરાઈ રહી છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ક્યાં લગાવાયો ઊંધો રાષ્ટ્રધ્વજ?

આ અંગે મળતી માહિતી પ્રમાણે પાંચ દિવસના ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે પ્રથમ દિવસે ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર પટેલની અર્ધપ્રતિમાનું અનાવરણ તેમ જ આંદિજાનમાં ઉઝબેક-ઇન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં ૫૦ મિલિયન યુએસ ડોલર્સના અમદાવાદની એક ફાર્માસ્યુટિકલ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ બન્ને કાર્યક્રમો બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનના આંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ એન્ડ કોમર્સ ઓફ ઈન્ડિયા(ફિક્કી)ની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિ બહેનોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ટેબલ પર ભારત અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રધ્વજ મૂકવામાં આવ્યા હતા. જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજ મુખ્યપ્રધાન રૂપાણીની સામે જ હતો અને તે પણ ઊંધો રાખવામાં આવ્યો હોવા છતાં મહિલા પ્રતિનિધિઓ સાથે અને આંદિજાનના સત્તાધીશો સાથેની વાટાઘાટોમાં વ્યસ્ત એવા મુખ્યપ્રધાન રૂપાણીનું ધ્યાન પણ ન ગયું એ આશ્ચર્યની વાત છે.

રાષ્ટ્રવાદની વાત કરનારા મુખ્યપ્રધાન દેશપ્રેમ ભૂલ્યા

ભાજપ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી હંમેશા રાષ્ટ્રવાદની મોટી મોટી વાતો કરીને લોકોને પોતે દેશભક્ત હોવાના ગાણા ગાતા હોય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ અન્ય પક્ષ કે રાજકીય નેતા દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવે ત્યારે આ જ ભાજપ અને મુખ્યપ્રધાન કાગારોળ મચાવી મૂકીને તેઓને દેશદ્રોહીનો ખિતાબ આપતા હોય છે. પરંતુ જ્યારે તેમના જ બે દેશો વચ્ચેના સરકારી સત્તાવાર કાર્યક્રમમાં જ ટેબલ પર મૂકેલો રાષ્ટ્રધ્વજ ઊંધો લગાવાયો હતો તે અંગે સત્તાવાળાનું કે ઉઝબેકિસ્તાનના ભારતીય દૂતાવાસના કોઈ અધિકારીનું ધ્યાન પણ ન દોર્યું એ નવાઈની વાત છે. આટલું ઓછું હોય એમ ફિક્કીની મહિલા પ્રતિનિધિમંડળનો કાર્યક્રમ હતો તો પછી મહિલા પ્રતિનિધિઓનું પણ કેમ ધ્યાન ન પડ્યું તે એક મોટો સવાલ છે.

રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવે તો શું ગુનો લાગી શકે?

પોલીસની એડવાઇઝરી મુજબ રાષ્ટ્ર પ્રતિષ્ઠા અપમાન પ્રતિબંધ અધિનિયમ, 1971ની કલમ-2 મુજબ અને રાષ્ટ્રમાનક ચિહ્નોનો દુરૂપયોગ રોકવાના કાયદા મુજબ રાષ્ટ્રધ્વજના દુરૂપયોગ અને અપમાન બદલ 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવવામાં ફરીયાદ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ

૨૦૦૯માં ૨૬ જાન્યુઆરીએ પતંગ હોટેલમાં રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવાયો હતો. આ અંગે રાજેશ બ્રહ્મભટ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે હજી સુધી હોટેલના માલિક ઉમંગ ઠક્કર અને હોટેલના જનરલ મેનેજર રાજુ દેસાઈ સામે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું કહેતા ફરિયાદી રાજેશ બ્રહ્યભટ્ટ જણાવે છે કે, કો‌ર્ટમાં આ કેસ પડતર છે. પોલીસે સી સમરી ભરી દીધી હતી, જે કો‌ર્ટે ફગાવી દીધી હતી.

રાષ્ટ્રધ્વજના આંતરિક પ્રદર્શન માટેની ગાઈડલાઈન

જ્યારે રાષ્ટ્રધ્વજને કોઈ સભાખંડમાં કે જાહેર મેળાવડાઓ જેવા પ્રસંગે આંતરિક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે, તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારિક સ્થિતિમાં રાખવો, આથી જ જ્યારે કોઈ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે, વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઈ જગ્યાએ લગાવવાનો હોય તો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.

ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતિમાં અને કેસરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઊભી સ્થિતિમાં લટકાવવાનો હોય તો કેસરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવાની સૂચના છે. તેમ છતાં મુખ્યપ્રધાન રૂપાણીના આંદિજાનના કાર્યક્રમમાં કેસરી પટ્ટો નીચેના ભાગમાં હતો અને આમ રાષ્ટ્રધ્વજને ઊંધો લગાવીને તિરંગાનું અપમાન કરાયું હતું.