ગાંધીનગર,તા:૦૧ અમદાવાદના શહેરીજનોને મેટ્રો ટ્રેનસેવાનો લાભ મળતાં હજુ 2022 સુધી રાહ જોવી પડશે, કારણ કે આ પ્રોજેક્ટનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ધીમી ગતિએ કામ કરવા માટે ટેવાયેલા તંત્ર દ્વારા મેટ્રોના કામમાં જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે, તેટલો જ તેનો ખર્ચ પણ વધી રહ્યો છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના કામમાં વિલંબના કારણે હજારો કરોડોનો ખર્ચ વધી ગયો છે, જે આજે 13 હજાર કરોડે પહોંચ્યો છે.
સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે કોન્ટ્રાક્ટર્સને મેટ્રોનું કામ સોંપવામાં આવ્યું હતું, તેઓ સમયસર કામ કરી શકતા ન હોવાના કારણે લોકોના પરસેવાનાં નાણાં પાણીમાં જઈ રહ્યાં છે. રાજ્યમાં આમ પણ જે પ્રોજેક્ટની વાતો પહેલાથી અને કામ વિલંબથી શરૂ થાય છે તેમાં નાગરિકોનાં નાણાંની બરબાદી જ થતી જોવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા યોજનામાં પણ સરકારને પ્રોજેક્ટનો અનેક ગણો વધુ ખર્ચ ભોગવવો પડ્યો છે.