ગાંધીનગર, તા.13
ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે જ પણ પાણીના વેપલાથી મોટા થયેલા ભાજપના અનેક નેતાઓ અને સિનિયર કાર્યકરોની પ્લાસ્ટિકની ફેક્ટરી પર પાણી ફરી જવાની શક્યતા છે.
સચિવાલયના કેટલાક મંત્રીઓની ચેમ્બરમાં કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવે છે પરંતુ સચિવોની ચેમ્બરમાં મુલાકાતીઓ માટે પાંચ રૂપિયાના દરની પાણીની બોટલો મૂકવામાં આવે છે. આ બોટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકની બનેલી હોય છે, કેમ કે એક વખત પાણી ભર્યા પછી આ બોટલનો નાશ કરવામાં આવતો હોય છે.
સચિવાલયમાં મળતી તમામ બેઠકો, સ્વર્ણિમ સંકુલના સેમિનાર કે મિટિંગ હોલમાં પાણીની પાંચ રૂપિયાની અને દસ રૂપિયાની પ્લાસ્ટિકની બોટલો જોવા મળે છે. કોઇ અધિકારીએ ટીકા કરતાં સરકારે એવો નિર્ણય કર્યો છે કે સચિવાલયની કોઇપણ મિટિંગ, કોન્ફરન્સ કે અન્ય ચેમ્બરોમાં પ્લાસ્ટિકની બોટલોનું સ્થાન કાચના ગ્લાસ લેશે. મુલાકાતીઓને કાચના ગ્લાસમાં પાણી અપાશે.
ગુજરાતમાં કેશુભાઇ પટેલની સરકાર હતી ત્યારે પ્લાસ્ટિકની બોટલોની ડિમાન્ડ ન હતી. પ્રત્યેક મુલાકાતીને કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવતું હતું. એ સમયે પ્લાસ્ટિક પર પ્રતિબંધ પણ ન હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2જી ઓક્ટોબરથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે મહત્વની અને ચોંકાવનારી બાબત એવી છે કે ગુજરાતમાં પ્લાસ્ટિક બનાવતી કંપનીઓમાં સૌથી વધુ કંપનીઓ ભાજપના નેતાઓ અને સિનિયર કાર્યકરોની છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નક્કી કર્યું છે કે બીજી ઓક્ટોબરથી સચિવાલય અને સ્વર્ણિમ સંકુલમાં પ્લાસ્ટિકની બોટલોમાં પાણી નહીં અપાય, પરંતુ તેની સ્થાને કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવશે. રાજ્યના મહાનગરોમાં આ બદલાવ કર્યા પછી હવે સચિવાલયમાં પણ બદલાવ થઇ રહ્યો છે. સચિવાલયમાં રાજ્યકક્ષાના મંત્રીઓની ચેમ્બરમાં આજે પણ કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવે છે પરંતુ કેબિનેટ મંત્રીઓ અને સેક્રેટરીઓના મુલાકાત ખંડોમાં પાંચ રૂપિયાની બોટલોમાં પાણી આપવામાં આવે છે, જો કે હવે તે બંધ કરવું પડશે.