ગાંધીનગર, તા.૨૫
ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે.
મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજીટલ રાજ્યના સપનાને તોડી રહ્યું છે. જ્યાં વાઇફાઇ ચાલું છે ત્યાં લોકોને ફોર-જીના સ્થાને ટુ-જી મળે છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ખેડબ્રહ્મામાં શરૂ કરેલા વાઇફાઇ પ્રોજેક્ટનો અત્યારે અંત આવી ગયો છે. આ શહેરમાં કોઇને સરકારી વાઇફાઇ મળતું નથી. આ વિસ્તારની એજન્સીઓ માલામાલ બની ગઇ છે.
સરકારે તેના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ પાસેથી ડેટા મેળવવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે, માત્ર કાગળ પર નહીં, રિયલમાં કેટલી જગ્યાએ નેટની સુવિધા આપવામાં આવી છે તેની માહિતી આપો. હાલ ગુજરાતની જનતા તેમના મોબાઇલમાંથી નેટ યુઝ કરે છે. જ્યારે સરકારે નક્કી કરેલો પ્રોજેક્ટ હજી અધુરો છે. લોકોને સરકારી નેટ મળતું નથી.
સચિવાલયમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં જ્યારે સર્વેક્ષણ રિપોર્ટ મૂકવામાં આવ્યો ત્યારે કેટલીક ચોંકાવનારી બાબત સામે આવી છે. રાજ્ય સરકારે પાટનગર ઉપરાંત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નેટ કનેક્ટિવિટ માટે હોટસ્પોટ ખરીદવાનું નક્કી કર્યું હતું, પરંતુ હજી મોટાભાગના જિલ્લામાં સરકારી નેટ કનેક્ટિવિટી બાકી છે.
કેન્દ્રની સરકારે સોશ્યલ માધ્યમનો વધુ ઉપયોગ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ, વિકાસ કામો અને પ્રજાના હિતમાં લેવાયેલા નિર્ણયોનો બહોળો પ્રચાર કરવાની સૂચના આપી છે, ત્યારે ગુજરાતમાં હવે ધીમે ધીમે બ્યુરોક્રેસી અને પ્રજાના પ્રતિનિધિઓ સોશ્યલ સાઇટ્સની શરૂઆત કરી રહ્યાં છે.
સરકારે ગાંધીનગરને વાઇફાઇ ઝોન બનાવ્યો છે તેવો દાવો કરવામાં આવે છે, પરંતુ તપાસ કરતાં માલુમ પડ્યું છે કે, પાટનગરના કેટલાક વિસ્તારો હજી પણ વાઇફાઇ સુવિધાથી બાકાત છે. આ કામની એજન્સીઓ સરકારના રૂપિયા લઇને પણ પુરતી સેવાઓ આપી શકી નથી. સચિવાલયના વાઇફાઇ ઝોનનો ઉપયોગ માત્ર કર્મચારીઓ અને અધિકારીઓ જ કરી શકે છે, સામાન્ય મુલાકાતીઓ પાસે પાસવર્ડ હોતા નથી.
સાયન્સ એન્ડ ટેકનોલોજીના એક અધિકારીએ કહ્યું હતું કે સચિવાલયમાં વાઇફાઇ ચાલે એટલે આખા ગુજરાતમાં વાઇફાઇ ચાલે છે તેમ કહેવું ભૂલભરેલું છે. ભાજપના મેનિફેસ્ટો પ્રમાણે 2017ના અંત સુધીમાં સમગ્ર ગુજરાત વાઇફાઇ બનવું જોઇએ પરંતુ હજી અડધા ભાગનું ગુજરાત વાઇફાઇ થવાનું બાકી છે. ભાજપના 2017ના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકારે પાછલા પાંચ વર્ષમાં ગુજરાતને વાઇફાઇ ઝોન બનાવી દીધું છે.
તેમણે કહ્યું હતું કે ડિજીટલ ગુજરાતનો પાયો નાંખવા સરકારે બજેટમાં સૌથી મોટી નાણાંકીય જોગવાઇ કરી છે. સરકારે જીસ્વાન નેટવર્કને 20 ગણું ઝડપી બનાવવાની કામગીરી પૂર્ણ કરી છે. જિલ્લા કક્ષાએ હાલ 34 એમબીપીએસની બેન્ડવિથ છે તે વધારીને 500 એમબીપીએસ કરવાનો તેમજ તાલુકા કક્ષાની હાલની 10 એમબીપીએસને વધારીને 200 એમબીપીએસ કરવાનો પ્લાન શરૂ કર્યો છે. તેમ છતાં રાજ્યની 80 ટકા જનતા સરકારી વાઇફાઇ સુવિધાથી વંચિત છે.