મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ

ગાંધીનગર, તા.02

ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની જાહેરાત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત કરતાં તેના પાડોશી રાજ્યો આગળ નિકળી રહ્યાં છે. ધોલેરામાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે તેવાં બગણાં ફૂંકવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ચૂકી છે છતાં આ સ્માર્ટ સિટીમાં વિકાસના નામે મીંડુ છે જ્યારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મૂડીરોકાણના વિવિધ પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટમાં ધોલેરા કરતાં ઔરંગાબાદ આગળ નિકળી ગયું છે.

હવાઈ તુકકા સાબિત થતા મોટા પ્રોજેકટ્સ

ગુજરાત માટે શર્મનાક બાબત એવી છે કે રાજ્યમાં મોટા મોટા પ્રોજેક્ટની જાહેરાતો થાય છે પરંતુ હકીકતમાં હવાઇ તુક્કા સાબિત થાય છે જ્યારે પાડોશી રાજ્યો ગુજરાત કરતાં આગળ નિકળી રહ્યાં છે. રાજસ્થાન સોલાર પ્રોજેક્ટમાં ગુજરાત કરતાં આગળ નિકળી રહ્યું છે. એવી જ રીતે કોઇપણ જાતના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કર્યા વિના મહારાષ્ટ્રે મૂડીરોકાણમાં તેનું પ્રથમક્રમનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રે ગુજરાતમાં આવીને રોડ શો કરીને મૂડીરોકાણ મેળવી ગુજરાતનું નાક કાપ્યું છે.

ધોલેરામાં એક પણ એન્કર કંપનીનું ઉત્પાદન નહી, ઓરિક સિટીમાં 4000 કરોડનું રોકાણ

ધોલેરામાં એક પણ એન્કર કંપનીએ ઉત્પાદન કે કામગીરી શરૂ કરી નથી. તેની સામે ઓરિક સિટીમાં બાવન કંપનીઓએ કુલ 4000 કરોડનું રોકાણ કર્યું છે. સીઆઇઆઇ દ્વારા આયોજિત રોડ શોમાં ઓરિક સિટીના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટ ઔદ્યોગિક સિટીમાં 90 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. આગામી દસ વર્ષમાં 60,000 કરોડનું રોકાણ ઓરિક સિટીમાં આવશે.

ભાગરૂપે મહારાષ્ટ્રમાં 10,000 એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્યું છે. માર્ગો, સીઇટીપી-એસટીપી, ફાયર, વોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઊભી થઈ ગઈ છે. છ કંપનીઓમાં પર્કિન્સ, હીઓસંગ, કોટોલ, એરો ટૂલ્સ, કિર્તીથર્મોપેક અને વારદ એલોય કાસ્ટિંગ છે અને હીઓસંગ 8 મહિનાના રેકોર્ડ સમયમાં ઉત્પાદનમાંથી પસાર થઈ છે. મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ ગુજરાતના અમદાવાદમાં આયોજિત રોડ-શો દરમિયાન જણાવ્યું હતું, કે ઓરિકના રોકાણકારોમાં સાઉથ કોરિયાનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ, દુનિયાનું સૌથી મોટું સ્પેન્ડેક્સ ઉત્પાદક જૂથ હીઓસંગ કોર્પોરેશન અને કેટરપિલર ગ્રૂપ કંપની પર્કિન્સ સામેલ છે. અમેરિકા, યુરોપ, રશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઓરિકમાં રોકાણ કરવા વિચારણા કરી રહી છે.

ભારતનું પ્રથમ “વોક ટૂ વર્ક” સ્માર્ટ ઈન્ડસ્ટ્રિયલ સિટી

ભારતનું સૌથી મોટું ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એન્ડ્યુરન્સ અને જાપાનની અગ્રણી પ્રિકાસ્ટ કોન્ક્રિટ ઉત્પાદક કંપની ફુજી સિલ્વરટેક તેમાં સામેલ છે. ઓરિકની આસપાસ કેટલીક કંપનીઓ કાર્યરત છે, જેમાં સ્કોડા, સિમેન્સ, બજાજ, જોહ્નસન એન્ડ જોહ્નસન, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, પર્કિન્સ, લાઇભેર, લુપિન, એન્ડ્રેસ + હાઉસર અને વોકાર્ડ સામેલ છે. ઓરિક ભારતનું પ્રથમ ‘વોક-ટૂ-વર્ક’ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે. ‘વોક ટૂ વર્ક’ની વિભાવના હાઉસિંગ વિકલ્પો, વર્કપ્લેસ અને શોપિંગ સેન્ટર્સને પ્રેરિત કરે છે, જેને એકબીજાની આસપાસ વિકસાવવામાં આવશે અને એનો અમલ થશે.

દેશના સૌથી મોટા સી પોર્ટ સાથે ઉધોગોનું જોડાણ

ઓરિક સિટીની કનેક્ટિવિટી અંગે જણાવાયું હતું કે, ભારતમાં મુખ્ય શહેરોને નવાં શહેરો સાથે જોડતાં રેલ અને હાઈવે નેટવર્ક ઉપરાંત ઓરિક ઔરંગાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફક્ત 15 મિનિટ દૂર છે તથા મુંબઈ, દિલ્હી અને ભારતમાં અન્ય મેટ્રો શહેરો સાથે જોડતી ફ્લાઇટનું સીધું જોડાણ પ્રદાન કરશે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ્સનું ડ્રાય પોર્ટ અને જલ્નામાં કન્ટેઇનર ટર્મિનલ ફક્ત 40 કિલોમીટરના અંતરે છે. આ ઓરિકમાં ઉદ્યોગોને ભારતનાં સૌથી મોટા સી પોર્ટ જેએનપીટીની સરળતાથી જોડાઈ શકે તેમ છે.