રવિવારે પણ આરટીઓ કચેરીઓ ખુલ્લી રાખવા સરકારનો આદેશ

ગાંધીનગર,તા.19

દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી થયા બાદ મસમોટા દંડના ભયના માહોલ વચ્ચે લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે. જોકે, અત્યારે થોડા સમય માટે દંડમાં રાહત આંશિક રાહત થઈ છે. આ દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ રાખવાના આદેશો કરવામાં આવ્યા છે.

ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ મસમોટા દંડને લઈને લોકોમાં ભયનો પ્રસરેલો જોવા મળી રહ્યો છે. નાગરિકો પોતાના લાઈસન્સ કઢાવવા માટે, આરસી બુક, પીયુસી કઢાવવા માટે, એચએસઆરપી (હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ), વાહન વીમો સહિતના મામલે અમદાવાદ સહીતની આરટીઓ કચેરીઓમાં લોકોનો ભારે ધસારો થઇ રહ્યો છે અને લાંબી  કતારો જોવા મળી રહી છે.અનેક આરટીઓ કચેરી ખાતે નાના મોટા ઘર્ષણના બનાવો પણ બન્યા છે. આવી ઘટનાઓને લઈને આજે ગાંધીનગર ખાતે માર્ગ પરિવહન વિભાગની બેઠક મળી હતી.

ગાંધીનગર ખાતે આજે મળેલી બેઠકમાં રાજ્યની તમામ આરટીઓ કચેરીઓને વિવિધ પ્રક્રિયાઓને વધુમા વધુ ઝડપે પૂર્ણ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રવિવારના રજાના દિવસે પણ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓને ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રવિવારના દિવસે પણ આરટીઓ કચેરીઓ ખુલ્લી રહેતા લોકોને આરટીઓ કચેરીને લગતા કાર્યોમાં રાહત મળશે.