રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે.

AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે રૂપાણીએ આદેશ કર્યા છે.

હોસ્પિટલની સમીક્ષા બેઠકમાં મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો રૂપામી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMSમાં 750 બેડની કુલ કેપેસીટી તથા વિવિધ 22 જેટલી સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ તેમજ 225 સુપર સ્પેશ્યાલિટી બેડ, 75 ICU બેડ અને કેઝયુલીટી વોર્ડમાં 30 બેડ ઉપલબ્ધ થશે.

આ બેઠકમાં જણાવાયું કે 200 એકર જમીનમાં વિકસિત થઇ રહેલ AIIMS રાજકોટમાં મુખ્ય હોસ્પિટલ, ટીચીંગ માટે એકેડેમિક બ્લોક, હોસ્ટેલ્સ, ફેકલ્ટી માટે રહેવાની વ્યવસ્થા, સ્ટાફ ક્વાર્ટર્સ, આયુષ માટે બ્લોક, દર્દીના સગાવહાલા માટે ધર્મશાળા વ્યવસ્થા, શોપીંગ સેન્ટર, કેન્ટીન કોમ્પલેક્ષ, દિનદયાળ ઔષધિ સ્ટોર્સ જેવી તમામ વિશ્વ કક્ષાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સંકુલમાં કુલ 16 લાખ સ્ક્વેરફીટ બાંધકામમાં આ તમામ ફેસીલીટીનો સમાવેશ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાએથી રૂડા મારફતે ડી.પી. રોડ, પાવર કનેક્શન, વોટર કનેક્શન સહિત તમામ મંજુરીઓ-સગવડો તાત્કાલીક મળી જાય તેવી સુચના સંબંધિત અધિકારીઓને આપી હતી અને કેન્દ્ર સરકારની ટીમને તમામ મદદની ખાત્રી આપી હતી.