રાજયના ૧૬ ટેકનિકનલ કોર્સની ૯૩૭૮૮ બેઠકો ખાલી રહી

ગાંધીનગર, તા.૧૪

ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતી પ્રોફેશનલ એડમીશન કમિટી(એસીપીસી) દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ અને જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી પડી તેની વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ સમિતિએ અંદાજે ૧ લાખ ૫૮ હજાર જેટલી બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્રણ રાઉન્ડ અને ઓફલાઇન રાઉન્ડ ઉપરાંત ખાલી પડેલી બેઠકો કોલેજોને ભરવા આપી દેવામાં આવ્યા બાદ ખાલી બેઠકો ભરવા માટે ચોક્કસ સમય આપવામાં આવ્યો હતો. પ્રવેશ સમિતિના સત્તાવાર આંકડા પ્રમાણે ૯૩૭૮૮ બેઠકો ખાલી પડી છે. જેનો સીધો અર્થ એ થયો કે, તમામ ૧૬ કોર્સની માત્ર ૬૪૪૪૮ બેઠકો ભરાઇ શકી હતી.

એડમીશન કમિટી દ્વારા ચાલુ વર્ષે દરેક કોર્સમાં મોટાભાગની બેઠકો સ્ટેટ કવોટા અને ૨૫ ટકા બેઠકો મેનેજમેન્ટ કવોટા તરીકે રાખવામા આવે છે. પ્રવેશ સમિતિએ આજે જાહેર કરેલા પ્રવેશના સમરીમાં સૌથી વધુ ડિગ્રી ઇજનેરીમાં ૪૦૩૧૭ બેઠકો ખાલી પડી છે.  બીજા ક્રમે ડિપ્લોમાથી ડિગ્રી પ્રવેશની ૩૦૫૨૬ બેઠકો ખાલી રહી છે.  પ્રવેશ સમિતિએ જાહેર કરેલા આંકડાઓમાં સૌથી નવાઇની વાત એ કે, ડિપ્લોમા ઇજનેરી સહિત હજુ ત્રણ કોર્સની વિગતો જ જાહેર કરવામાં આવી નથી. માત્ર સ્નાતક નહી પણ અનુસ્નાતક, પી.જી.એમ.ઇ, એમ.ટેકમાં પણ ૪૮૩૪ બેઠકો ખાલી પડી છે. હાલમાં જે કોર્સની વિગતો જાહેર કરવામાં આવી તેમાં ૯૩૭૮૮ બેઠકો ખાલી પડી છે.

૧૬ કોર્સના મેનેજમેન્ટ કવોટાની ૯ હજાર બેઠકો ખાલી!!
પ્રવેશ સમિતિએ જે ૧૬ કોર્સ માટેની વિગતો જાહેર કરી છે, તે તમામ કોર્સમાં મળીને કુલ ૧૩૬૫૩ બેઠકો ઉપલબ્ધ હતી. જેમાંથી પ્રવેશ પ્રક્રિયના અંતે ૪૦૨૪ બેઠકો ભરાઇ શકી છે. જેનો અર્થ એ થયો કે, ૯૬૨૯ બેઠકો ખાલી પડી રહી છે. એક સમયે મેનેજમેન્ટ કવોટામાં સંચાલકો એક લાખ રૂપિયાથી લઇને ત્રણ અને કેટલાક કિસ્સામાં ચાર લાખ રૂપિયા જેટલુ ડોનેશન ઉઘરાવતાં હતા તેના બદલે હાલમાં ૯ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે.