અમદાવાદ,તા.27મી ઓક્ટોબર
રાજયની સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરિયાની ભાવનગર ઇજનેરી કોલેજમાં બદલી કરવામાં આવ્યા પછી હાલમાં એલ.ડી.ઇજનેરી કોલેજનો ચાર્જ ચાંદખેડા ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને સોંપવામાં આવ્યો છે. જયારે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક સપ્તાહની અંદર નવા કાયમી પ્રિન્સીપાલની નિમણૂક કરી દેવામાં આવશે. એક માસ થવા છતાં હજુસુધી કાયમી નિયુક્તિ થઇ નથી. જેનુ મુખ્ય કારણ એ છે એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા માટે હાલમાં ચાર સિનિયર પ્રોફેસરો મેદાનમાં છે. જેમાં એક ટેકનિકલ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના પત્નીનો પણ સમાવેશ થાય છે. એમ, કહી શકાય કે, એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા માટે હાલમાં ટેકનિકલ શિક્ષણજગતમાં ગળાકાપ સ્પર્ધા શરૃ થતાં સરકાર માટે હવે નિર્ણય લેવો મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાઇ છે.
રાજયમાં સૌથી પહેલી અને સૌથી મોટી એવી એલ.ડી.ઇજનેરી કોલેજ પોતે જ યુનિવર્સિટીની ગરજ સારે તેમ છે. છેલ્લા 10 વર્ષથી એલ.ડી.ઇજનેરી કોલેજને ઓટોનોમસ સ્ટેટસ આપવા માટે દરખાસ્ત કરવામાં આવી રહી છે. પણ સરકાર અને કેટલાક સભ્યો પોતાનુ વર્ચસ્વ કાયમ રહે તે માટે આજસુધી એલ.ડી.ઇજનેરી કોલેજને ઓટોનોમસ દરજ્જો ન મળે તે માટે કવાયતો કરતાં રહ્યા છે. આ સિવાય એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ પોતે હોદ્દાની રૂએ એડમીશન કમિટીના મેમ્બર સેક્રેટરીનો હોદ્દો ભોગવતાં હોય છે. એટલુ નહી રાજયની જૂની અને મોટી કોલેજ હોવાના કારણે હાલમાં સમગ્ર દેશમાં જે સૌથી જૂના ઇજનેરો કાર્યરત છે તે એકમાત્ર એલ.ડી.ઇજનેરી કોલેજના પાસ આઉટ હોવાના કારણે આ કોલેજને તેના એલ્યુમની નો પણ સતત લાભ મળતો રહે છે. સૌથી મહત્વનુ ગણીએ તો ભૂતકાળમાં એલ.ડી.ઇજનેરી કોલેજમાં થયેલા વિદ્યાર્થીઆંદોલનના કારણે ગુજરાત સરકારે સામૂહિક રાજીનામુ આપવુ પડયુ હતુ. આ ઘટના બાદ સરકાર હમેંશા એલ.ડી.ઇજનેરી કોલેજને કોઇપણ પ્રશ્નમાં ગંભીરતાથી લેતી હોય છે. આ સિવાય પણ અનેક બાબતો એવી છે કે જે એલ.ડી.ઇજનેરી કોલેજને અન્ય કોલેજ કરતાં શ્રેષ્ઠ સાબિત કરે છે. આ કોલેજ પાસે જેટલી વિશાળ જમીન છે તેટલી જમીન રાજયની અનેક યુનિવર્સિટીઓ પાસે પણ નથી.
એલ.ડી.ઇજનેરી કોલેજના પૂર્ણ પ્રિન્સીપાલ એમ.એમ.પટેલ જયારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા બાદ આ કોલેજના પ્રિન્સીપાલ કોણ બનશે તે અંગે અનેક અટકળો વહેતી થઇ હતી. જે તે સમયે પણ એકસાથે ચાર સરકારી કોલેજના પ્રિન્સીપાલ અને એક ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારી પોતે એલ.ડી.ના પ્રિન્સીપાલ બનવા માટે સ્પર્ધામાં હતા. તમામને ઓવરટેક કરીને જીટીયુના તત્કાલિન રજિસ્ટ્રાર જી.પી.વડોદરિયાની પસંદગી કરવામાં આવી હતી. હવે આ જી.પી.વડોદરિયા એલ.ડી.ઇજનેરી કોલેજ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને પોતાની પુત્રીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિવિલ ઇજનેરીની પરીક્ષામાં પ્રથમ નંબર અપાવવાના કારણે વિવાદમાં આવતાં તેમની હાલ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. કાયમી પ્રિન્સીપાલની બદલી કરી દેવામાં આવતાં ફરીએકવાર એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ કોણ બનશે તેની અટકળો તેજ થઇ ગઇ છે.
ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા તજિજ્ઞો કહે છે હાલમાં ચાંદખેડાના વર્તમાન પ્રિન્સીપાલ પોતે જ એલ.ડી.ઇજનેરી કોલેજમાં કુલપતિ બનવા માટે થનગની રહ્યા છે. હાલમાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલના સ્થાને તેમને જ કાયમી પ્રિન્સીપાલ તરીકે નિયુક્તિ મળે તેવા ચક્રો ગતિમાન કરી રહ્યા છે. આ સિવાય વડોદરાની સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ કે જેઓ અગાઉ ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતાં હતા તેઓ પણ એલ.ડી.માં આવવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. ઉપરાંત હાલમાં ટેકનિકલ શિક્ષણ વિભાગમાં એકહથ્થુ શાસન ચલાવતાં એક અધિકારીના પત્ની પણ મોડાસાની સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ હોવાથી તેમના સશક્ત પતિદેવના આધારે તેઓ એલ.ડી.ના પ્રિન્સીપાલ બનવા મહેનત કરી રહ્યા છે. આ સિવાય આઇઆઇટીરામના એક અધિકારી પણ એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ બનવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. સરવાળે ચારે બળિયા બાથે વળગિયા જેવો ઘાટ હાલમાં પ્રિન્સીપાલની નિયુક્તિ માટે જોવા મળી રહ્યો છે.
પ્રિન્સીપાલ બનનાર પાસે એલ.ડી. ઉપરાંત એડમીશન કમિટીનો કરોડો રૂપિયાનો વહીવટ.
એલ.ડી.ના પ્રિન્સીપાલ તરીકે નિયુક્ત થનારા કોઇપણ પ્રોફેસરને એલ.ડી.ઇજનેરીનો કરોડો રૂપિયાનો વહીવટ કરવાની સત્તા આપોઆપ મળી જાય છે. વધારામાં પ્રિન્સીપાલ પોતે એડમીશન કમિટીના મેમ્બર સેક્રેટરી હોવાથી એડમીશન કમિટીનો પણ કરોડો રૂપિયાનો વહીવટ કરવાની સત્તા પણ મળે તેમ છે. આટલુ ઓછુ હોય તેમ સરકારની જુદી જુદી મ્યુનિસિપલ સહિતની સરકારી પરીક્ષાઓ લેવાની જવાબદારી પણ એલ.ડી.ઇજનેરીને સોંપવામાં આવે છે જેના બદલામાં સરકાર કરોડો રૂપિયાનુ ચૂકવણુ એલ.ડી.ઇજનેરી કોલેજને કરી રહી છે. હાલમાં ટ્રાન્સફર થઇ તે પ્રિન્સીપાલ પર આજ પરીક્ષામાં ગેરરીતિ કરવાના આક્ષેપ લાગેલા છે.