ગાંધીનગર,તા.4
ગુજરાતમાં સરકારી જમીન લેવી ઉદ્યોગો માટે દુષ્કર બની રહી છે, કેમ કે સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન દરોમાં વધારો કર્યો છે. સરકારના દર વધારાના કારણે ઉદ્યોગોને ખાનગી જમીન ખરીદવી સસ્તી પડી રહી છે. મહેસૂલ વિભાગ પાસે આવેલી 10 કંપનીઓની દરખાસ્તમાં જણાવાયું છે કે તેમને હવે સરકારી જમીન ખરીદવી નથી. તેઓ ખાનગી જમીન ખરીદીને તેમનો પ્રોજેક્ટ પૂર્ણ કરશે.
સરકારની નવી પોલીસીમાં જંત્રીરેટ કરતા વધુ દર
સરકારી જમીન મૂલ્યાંકન માટે વર્ષો પહેલાં એક પોલિસી બનાવવામાં આવી હતી પરંતુ તેમાં જંત્રી રેટ કરતાં અનેક ગણા ભાવ હોવાથી તે પોલિસીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુધારી નવી પોલિસી 2018ના મે મહિનામાં બહાર પાડી હતી. નવી પોલિસી જ્યારે બજારમાં આવી અને જિલ્લાકક્ષાએ જમીન મૂલ્યાંકન કરવામાં આવ્યા ત્યારે સરકારને ખબર પડી કે આ પોલિસીમાં જે દરો મૂકવામાં આવ્યા છે તે બજાર દર અને જંત્રી દર કરતાં અનેક ગણા ઓછા થઇ ચૂક્યાં છે. સરકારી જમીનની કિંમત તળીયે આવી ગઇ હતી. સરકારે આ આદેશને બે મહિનાના ટૂંકાગાળામાં અટકાવી મે મહિનાની પોલિસી રદ કરી તેના સ્થાને નવી પોલિસી બનાવી નવા દરો લાગુ કર્યા છે. જો કે આ દરમાં જંત્રીરેટ કરતાં વધુ દર હોવાથી ઉદ્યોગો જમીન ખરીદવાનો ઇન્કાર કરી રહ્યાં છે. રાજ્યના મહેસૂલ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારી જમીનની પોલિસી ઉદ્યોગો માટે સુસંગત એટલા માટે નથી કે સરકારે નક્કી કરેલા જંત્રીના દરોમાં વિસંગતતાઓ રહેલી છે. સરકાર જંત્રીનો સુધારો કરવા માગતી નથી પરિણામે ઉદ્યોગો જમીન ખરીદતાં ખચકાય છે
સરકારી જમીન કરતા ખાનગી જમીન સસ્તામાં
સરકારી જમીનના નવા દરો લાગુ કરવામાં આવતા મહેસૂલ વિભાગના 2000 કેસોમાં એટલી મોટી રકમ ભરવાની થાય છે કે જે પૈકી 10 એકમોએ તો સરકારી જમીન ખરીદવા કરતાં ખાનગી જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે, કારણ કે તે ઉદ્યોગોને સરકારી જમીન કરતાં ખાનગી જમીન સસ્તામાં મળી રહી છે. મહેસૂલના પૂર્વ અધિકારી કે જેઓ જમીન સંપાદનનું કામ કરતા હતા તેમણે કહ્યું કે સરકાર જ્યાં સુધી જંત્રીના દરો સુસંગત નહીં કરે ત્યાં સુધી સરકારી જમીનના ચોક્કસ ભાવ મળવા મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે નવી પોલિસી પ્રમાણે રાજ્યના ભૌગોલિક વિસ્તારો પ્રમાણે પ્રત્યેક તાલુકા અને ગામના દરો અલગ અલગ જોવા મળે છે, કેમ કે સરકારે જંત્રીદરોથી વધુ અને બજાર કિંમતથી ઓછા દરો લાગુ કર્યા છે.રાજ્યમાં જ્યાં જંત્રીના દરો બજાર કિંમત કરતાં 20 ટકા ઓછા છે ત્યાં ઉદ્યોગોને સસ્તી સરકારી જમીન મળે છે પરંતુ જ્યાં જંત્રીના દરો બજાર કરતાં 65 ટકા વધારે છે ત્યાં ઉદ્યોગોને જમીન ખરીદવી મોંઘી પડે છે.