ગાંધીનગર,તા.25
ગુજરાતમાં રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ શિક્ષણ ને લઈને મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાતની સૌથી દુઃખદ બાબત એ છે કે શિક્ષકો ની ભરતી ન કરી ને સમૃદ્ધ ગુજરાત દેશનું ભવિષ્ય ગણાતા બાળકો ના શિક્ષણ સાથે ચેડા કરી રહ્યું છે.
કોંગ્રેસને મોડે મોડે ભરતીનો મુદ્દો યાદ આવ્યો
જો કે કૉંગ્રેસ વિરોધ પક્ષ ની ભૂમિકામાં સદંતર નિષ્ફળ નીવડી છે,પણ હવે વિરોધ કરવામાં પણ રાજકીય લાભ ખાટનારી કૉંગ્રેસ ને મોડે મોડે શિક્ષકો ની ભરતી કરવા અંગે નો મુદ્દો યાદ આવ્યો એ આશ્ચર્ય જનક છે. 20 હજાર શિક્ષકોની ભરતી કરવા માટે કૉંગ્રેસ ભાજ્પ સામે આક્ષેપ કરતાં જણાવે છે કે, વારંવાર આ મામલે રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતાં સરકાર કોઇ પગલાં ભરતી નથી. ત્યારે કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, ટાટના યુવાનોની માર્કશિટની અવધિ પૂરી થઈ જશે તેવા ડર વચ્ચે ઉમેદવારો માનસિક ત્રાસ અનુભવી રહ્યાં છે. આ સાથે પરીક્ષા વખતે પેપર ફૂટવા, માર્ક્સ મૂકવામાં ગેરરીતિ, ભરતીના નિયમોમાં છેડછાડ, ભરતી પ્રકિયામાં વિલંબ કરવો વગેરે જેવા આક્ષેપો કર્યા છે. તો આ મામલે કોંગ્રેસે સરકાર પર નિશાન સાધી તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માગ કરી છે.
નાણાભંડોળ નથી!!
બીજી બાજુ રૂપાણી સરકાર દ્રારા પ્રવેશોત્સવ ના નામે ધતિંગ કરવામાં આવતાં હોય છે, અને એવો મોટો દેખાડો કરવામાં આવે છે જાણે સરકાર શિક્ષણપ્રેમી છે. પણ હકીકત એ છે કિ રૂપાણી સરકારમાં શિક્ષણ મંત્રી નું પદ સાંભળનાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખૂદ વિવાદોમાં ફસાયેલા છે તો બીજી બાજુ શિક્ષકો ની ભરતી કરવા અંગે ભૂતકાળમાં જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો એ રજૂઆત કરેલી ત્યારે એ ઉમેદવારો ને એવો કડવો જવાબ મળ્યો હતો કે સરકાર પાસે નાણા ભંડોળ નથી. જો કે આ બધી બાબતો સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે.
ખાનગી શાળાઓ સામે સરકારી શાળાઓ વામણી
જ્યારે ગુજરાતમાં ખાનગી શાળાઓ સામે સરકારી શાળાઓ વામણી,બાપડી-બિચારી બની જાય છે.ગુજરાતની સરકારી શાળાઓની શૈક્ષણિક સ્થિતી એટલી કથળી ગયેલી છે, જાણે ‘મરવાના વાંકે જીવવું પડી રહ્યુ હોય’ એમ સરકાર સંચાલન કરી રહી છે. બીજી તરફ ખાનગી શાળાઓ ના સંચાલકો મનફાવે ઍમ ફી વસૂલી રહયા છે,ત્યારે સરકારે પોતાની જવાબદારી માંથી છટકી જવા એફઆરસી નામનું રમકડું વાલીઓ ને પકડાવી દીધું છે, જે અર્થ હિન પુરવાર થઈ રહ્યુ છે.
નેતા-અધિકારીઓએ શિક્ષણને ધંધો બનાવ્યો
જો કે ગુજરાતનું સરકારી શિક્ષણ કથળાવી દેવા પાછળ ગુજરાતના કેટલાંક રાજકીય નેતાઓ સીધા જવાબદાર છે, કારણકે કે કેટલાંક નેતાઓએ શિક્ષણ ને ધંધો બનાવી દેવામાં કોઈ કચાશ છોડી નથી. પરોક્ષ રૂપે ખાનગી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવાની ચર્ચાઓ માં કંઇક તો સત્ય જરૂર છે. પછી એ નેતા ભાજપના હોય કે કૉંગ્રેસના,અરે એટલું જ નહીં કેટલાંક શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ એ પણ પરોક્ષ રૂપે શિક્ષણ ને વેપલો બનાવ્યો છે, ત્યારે માત્ર પોતાનો જ ફાયદો જોનારી રાજકીય પાર્ટીઓ એ દેશ નું ભવિષ્ય ગણાતા બાળકો ના ભવિષ્ય ની ચિંતા કરવી જોઈએ નહીં તો આવનારી પેઢીઓ આવા લાલચુ અને લોભી નેતાઓને ક્યારેય માફ નહીં કરે.