ગાંધીનગર, તા. 31
ગુજરાતમાં પહેલી નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવશે. અગાઉ બે વખત આ નિયમોની અમલવારી મુલતવી કરવામાં આવી હતી. રાજ્યના વાહનચાલકોને દંડ ન ભરવો પડે અને તેમના વાહનોના તેમ જ તેમના પોતાના તમામ દસ્તાવેજો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેના પગલે હવે આવતીકાલથી નવા નિયમોનો અમલ શરૂ થશે.
નવા નિયમોના અમલ અંગે ફળદુનું નિવદન
ટ્રાફિકના નવા નિયમો અંગે વાહનવ્યવહાર પ્રધાન આર. સી. ફળદૂએ કહ્યું કે, 1 નવેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે. આ કાયદા મુજબ તેની કડક અમલવારી કરવામાં આવશે. હેલમેટ વગર વાહન ચલાવનારા સામે કડક પગલાં ભરવામાં આવશે અને દંડ પણ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય નિયમોનું પણ કડકપણે પાલન કરવું દરેક વાહનચાલકની ફરજ છે.
હેલમેટ વગર રૂ. 500નો દંડ
રાજ્યમાં હેલમેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500 કરી દેવામાં આવી છે. અગાઉ રૂ. 100 દંડ વસૂલાતો હતો. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1000 દંડની જોગવાઈ કરાઈ છે. પરંતુ રાજ્ય સરકારે થોડી રાહત જાહેર કરતાં દંડની રકમ ઓછી કરી છે. આ ઉપરાંત ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિ પાસે હેલમેટ નહિ હોય તો તેને કોઈ દંડ નહિ થાય. ટ્રિપલ સવારી માટે દર વખતે રૂ. 100નો દંડ થશે. સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા બદલ રૂ. 500નો દંડ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કાયદામાં આ માટે રૂ. 1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
રૂ. 3000ના દંડથી બચવા લાઈસન્સ સાથે વાહન ચલાવો
રાજ્યમાં કોઈપણ વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી બૂક) વગર પકડાશે તો પ્રથમ વખતમાં રૂ. 500 અને બીજી વખત પકડાશે તો રૂ. 1000નો દંડ ફટકારવામાં આવશે. રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા બદલ રૂ. 2000, રૂ. 3000 અને રૂ. 5000 એમ અલગ અલગ વાહનોની શ્રેણીમાં ત્રણ તબક્કામાં દંડને વિભાજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઈસન્સ વગર વાહન ચલાવવા બદલ રૂ. 3000નો દંડ થશે. જો અન્ય કોઈનું વાહન હશે તો વાહનમાલિકને પણ રૂ. 3000નો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા બદલ પહેલી વખતમાં રૂ. 500 અને બીજી વખતમાં રૂ. 1000નો દંડ વસૂલવાની જોગવાઈ નવા નિયમોમાં કરવામાં આવી છે.