રાજ્યમાં હ્રદય, ફેફસાના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને 7.50 લાખ થી 10 લાખ મળશે

ગાંધીનગર,તા.
ગુજરાત સરકારે આપત્તિ સમયે ગરીબ દર્દીઓને હ્લદય અને ફેફસાંની બિમારીમાં ટ્રાન્સપ્લાન્ટ અને સારવારના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. રાજ્યના દર્દીને સારવારના કેસોમાં 7.50 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની સહાયનું ધોરણ ખાસ કિસ્સામાં આપવામાં આવશે.

રાજ્યના મહેસૂલ વિભાગના એક આદેશ પ્રમાણે મુખ્યમંત્રી રાહતફંડમાંથી હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના રોગોના કેસમાં ખાસ કિસ્સા તરીકે તબીબી સહાય આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ રાહત કોશમાંથી કુદરતી આપત્તિ અંગે અસરગ્રસ્તોને જરૂરી સહાય આપવામાં આવે છે. આ ફંડમાંથી શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યક્તિઓને કેન્સર, હાર્ટસર્જરી, કીડની તેમજ લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવા ગંભીર પ્રકારના રોગના દર્દીઓને સારવાર માટે સહાય આપવાનું ઘોરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.

હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ તેમજ હાર્ટ અને લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટના રોગની સારવાર માટે ખાસ કિસ્સામાં સહાયની મહત્તમ મર્યાદા નક્કી કરવાની બાબત સરકારની વિચારણામાં હતી. સરકારે નિયત દરો પછી તેનો આદેશ કર્યો છે. આ આદેશ પ્રમાણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં મહત્તમ 7.50 લાખ રૂપિયા અપાશે. લંગ્ઝ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ 7.50 લાખ રૂપિયા અપાશે જ્યારે બન્નેનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તેવા કિસ્સામાં દર્દીને 10 લાખની સહાય મુખ્યમંત્રી રાહત કોશમાંથી કરવામાં આવશે.