અમદાવાદ,24
શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્વિક હકારાત્મક સંકેતો અને મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની જીત મળવાની આશાએ શેરબજાર તેજીમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ આશરે 250 પોઇન્ટ ઉપર ખૂલ્યું હતું. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 70 પોઇન્ટની તેજી આવી હતી અને નિફ્ટી 11,650ની સપાટીને પાર થઈને 11,672ના સ્તરે પહોંચ્યો હતો. જોકે જેમ-જેમ ચૂંટણી પરિણામો આવતાં ગયાં તેમ-તેમ શેરોમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી આવી હતી. બપોર બાદ સેન્સેક્સ અને નિફ્ટી ટૂંકી વધઘટ અથડાઈ ગયા હતા.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાને સ્પષ્ટ બહુમતી મળી હતી. જેથી સત્તા પક્ષે સત્તા જાળવી રાખી હતી, પરંતુ હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભા રચાશે એવાં એંધાણ છે. આમ ચૂંટણી પરિણામો વિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતી રૂપે શેરોમાં વેચવાલી કરી હતી.
જોકે અર્થતંત્ર મોરચે સરકાર માટે સારા સમાચાર હતા. વર્લ્ડ બેન્કે ઇઝ ઓફ ડુઇંગ રેન્કિંગમાં ભારતનો ક્રમાંક સુધાર્યો હતો. ભારતનો ગઈ વર્ષની તુલનાએ 14 ક્રમાંક સુધર્યો હતો. આ સાથે રિલાયન્સ ત્રણ ટકા સુધરતાં બજારમાં મોટો ઘટાડો અટક્યો હતો. છેલ્લા કલાકમાં શેરોમાં વેચવાલી ઝડપી બની હતી.
વીકલી એક્સપાયરીને દિવસે શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. નિફ્ટી ઇન્ડેક્સના 10 ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. સરકારી બેન્ક શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. આ ઉપરાંત ફાઇનાન્સિયલ, ઓટો, એફએમસીજી અને આઇટી શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 3.59 ટકા તૂટ્યો હતો. એનએસઈ ખાતે કુલ 24,015.39 લાખ શેરોના વોલ્યુમ રહ્યા હતા અને કેશ સેગમેન્ટમાં કુલ 41,587.34 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઓટો ક્ષેત્રે ચાલતી સતત મંદીને કારણે અગ્રણી કંપની મારુતિનો બીજા ત્રિમાસિક ગાળામાં નફો 39.4 ટકા ઘટ્યો હતો અને આવકમાં 24.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મારુતિનો શેર 0.55 ટકા ઘટીને રૂ. 7,399.40ના મથાળે બંધ રહ્યો હતો.
મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 18 શેરો ઘટ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 31 શેરો વધ્યા હતા અને 19 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1114 શેરો વધ્યા હતા અને 1381 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 934 શેરો વધ્યા હતા અને 1213 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 12 શેરો વધીને બંધ રહ્યા હતા.
ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ આંચકો
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને જોરદાર ઝટકો આપ્યો હતો. કોર્ટે એજીઆર (એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ) મામલે ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાં એરટેલ, વોડાફોન-આઇડિયા, રિલાયન્સ, બીએસએનએલ અને એમટીએનએલ જેવી કંપનીઓને ટેલિકોમ વિભાગને રૂ. 92,000 કરોડ ચૂકવવા પડશે. જેના લીધે ટેલિકોમ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.
ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ભારતના ક્રમાંકમાં સુધારો
વર્લ્ડ બેન્કે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસના રેંકિંગમાં ભારતનો ક્રમાંક સુધારો કર્યો હતો. 2014માં નરેન્દ્ર મોદીની સરકારે પહેલી વાર સત્તાનાં સૂત્રો ગ્રહણ કર્યાં ત્યારે 190 દેશોમાં ભારતનું રેંકિંગ 142 હતું જે ગયા વરસે 77 પર આવ્યું હતું અને આ વરસે 63 પર આવ્યું છે.
સંવંત 2075માં નિફ્ટીનું નવ ટકાથી વધુ વળતર
શેરબજારમાં પૂરા થઈ રહેલા સંવત 2075માં મિશ્ર ચિત્ર ઊપજી રહ્યું છે. સંવત પૂરું થવાને ત્રણ ટ્રેડિંગ સત્રો બાકી છે ત્યારે નિફ્ટીએ નવ ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે નિફ્ટીના અડધાથી વધુ શેરો પણ પોઝિટિવ રિટર્ન દર્શાવ્યું છે. જોકે સાથે કેટલાક નિફ્ટી કાઉન્ટર્સે રોકાણકારોને ખૂબ નિરાશ કર્યા છે અને તેમના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણનું કારણ બન્યા છે. ખાનગી બેંકિંગ, કન્ઝ્યુમર ડિસ્કિશનરી, એફએમસીજી અને ટેલિકોમ શેર્સે રોકાણકારોને સારું વળતર આપ્યું હતું. જ્યારે બીજી બાજુ મેટલ, ઓટોમોબાઇલ, ફાર્મા અને કેટલાક પીએસયુ શેર્સે નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો હતો. જો નિફ્ટીના શેર્સની વાત કરીએ તો 28 કાઉન્ટર્સ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહ્યા છે જ્યારે 22 સ્ક્રિપ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સુધારો દર્શાવનારા શેર્સમાં 13 કાઉન્ટર્સ 25 ટકાથી લઈને ઉપરમાં 85 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યા છે. જ્યારે ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં 9 કંપનીના શેર્સ 25 ટકાથી લઈને 76 ટકા સુધીનું મૂલ્ય ધોવાણ નોંધાવી રહ્યા છે. નિફ્ટીમાં સમાવિષ્ટ મોટા ભાગનાં પીએસયુ શેર્સ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે 84.5 ટકા સાથે નિફ્ટીમાં સૌથી ઊંચું રિટર્ન નોંધાવી પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપની બીપીસીએલનો શેર વળતર આપવામાં ટોચ પર રહ્યો છે. ઊંચો દેખાવ કરનારા અન્ય નિફ્ટી કાઉન્ટર્સમાં બજાજ ફાઇ (72.5 ટકા), ટાઇટન (56.5 ટકા), નેસ્લે ઇન્ડ (47.8 ટકા), કોટક બેંક (43.4 ટકા), એશિયન પેઇન્ટ (42.3 ટકા), બજાજ ફિનસર્વ (42.2 ટકા) અને ભારતી એરટેલ (32.3 ટકા)નો સમાવેશ થાય છે. આ સિવાય હિંદુસ્તાન યુનિલીવર, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઇન્ડ, આઇસીઆઇસીઆઇ બેંક અને એચડીએફસી બેંક જેવાં કાઉન્ટર્સે પણ 25 ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું છે. એકમાત્ર ઓટો કંપની બજાજ ઓટો પણ 16 ટકાના રિટર્ન સાથે પોઝિટિવ કાઉન્ટર્સમાં સમાવેશ પામે છે. નિફ્ટીમાં સૌથી ખરાબ દેખાવ કરનાર શેર્સમાં યસ બેંક ટોચ પર છે. એક સમયે ખાનગી ક્ષેત્રની બેંકમાં ચોથા ક્રમે માર્કેટ-કેપ ધરાવતા યસ બેંકનો શેર 76 ટકા જેટલો તૂટી ચૂક્યો છે.