રાજ્ય સરકારનાં રોજગારી આપ્યાનાં દાવા તદ્દન પોકળ સાબિત થઈ રહ્યાં છે

ગાંધીનગર, તા. 27
ગુજરાતમાં બેરોજગારીના ભોરિંગે એટલો બધો ભરડો લીધો છે કે, હવે કોઈ પણ સરકારી નોકરી માટે જાહેરાત આવે કે તેમાં જેટલી જગ્યા હોય તેનાં કરતાં અનેકગણી અરજીઓ કરવામાં આવે છે. ત્યારે ઓછી જગ્યા ભરવા માટે લાખ્ખોની સંખ્યામાં અરજી આવતાં રોજગારી આપ્યા હોવાનાં સરકારી દાવાઓ પોકળ સાબિત થાય છે. આટલું ઓછું હોય એમ સરકારી નેશનલ સ્ટેટિક્સ કમિશને પણ ફેબ્રુઆરી 2019માં એક અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, દેશભરમાં બેરોજગારીનો આંક છેલ્લાં 45 વર્ષ કરતાં ઉચો છે. તો બીજી બાજુ થોડા સમય પહેલા સરકારી સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ) દ્વારા રોજગારી મુદ્દે દેશભરમાં સર્વે કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ  મોદી સરકાર માટે તે માથાનો દુઃખાવો બની ગયો હતો. આ સર્વે મુજબ દેશમાં ૪૫ વર્ષ બાદ ભારે બેરોજગારીની પરિસ્થિતિ આવી બની છે.

શું કહે છે ગુજરાતની બેરોજગારી મામલે વિવિધ સર્વે

આ સર્વે પ્રમાણે, ગુજરાતમાં બેરોજગારી દર ૨૦૧૧-૧૨માં ૦.૫% ની સામે ૨૦૧૭-૧૮માં ૪.૮% થયો છે. લો બેઝ યુવાઓમાં વધારે બેરોજગારી દરના લીધે ગુજરાતમાં બેરોજગારી દરની ઝડપ સૌથી વધારે રહી છે. ૨૦૧૧-૧૨માં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોમાં બેરોજગારી દર ૦.૮% હતી પરંતુ ૨૦૧૭-૧૮માં ૧૪.૯% થયું હતું. શહેરી વિસ્તારમાં ૨૦૧૧-૧૨માં ગુજરાતમાં બેરોજગારી દર ૨.૧% હતો પરંતુ ૨૦૧૭-૧૮માં આ દર વધીને ૧૦.૭% થયો છે. આ સર્વે મુજબ કેરળમાં સૌથી વધારે ૧૧.૪% બેરોજગારી છે, હરિયાણામાં ૮.૬%, અસમમાં ૮.૧%, પંજાબમાં ૭.૮% અને છત્તીસગઢમાં 3.3% બેરોજગારી છે. રિપોર્ટ મુજબ, સુધારના મામલે પ.બંગાળ સૌથી આગળ છે.

 

બીએસઇ દ્વારા પેદા કરાયેલા 30-દિવસ સરેરાશ મૂવિંગ ડેટાના આધારે, ગુજરાતમાં વર્તમાન બેરોજગારીનો દર 6.8% છે જે રાષ્ટ્રીય બેરોજગારી દર 5.4 %થી ઉપર છે. ગુજરાતમાં આ આંકડાઓ ચિંતાજનક છે, કારણ કે ગુજરાતના બેરોજગાર લોકોમાં 5.6% એવા બેરોજગાર વ્યક્તિઓ છે, જેમણે સ્નાતક અથવા ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે, જે કર્ણાટકમાં 4.2% છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઇ) મુજબ, ગુજરાતના 80% થી વધુ ગ્રેજ્યુએટ એન્જિનિયરોને નોકરી મળી નથી. જ્યારે કોંગ્રેસ સંચાલિત કર્ણાટકમાં બેરોજગારીનો 1% દર છે, રોજગારીમાં ગુજરાત બિહાર કરતાં પણ પાછળ પડી ગયું છે. ગુજરાત સરકારે માત્ર 10,000 સરકારી નોકરીઓ ઊભી કરી છે જ્યારે હિમાચલ પ્રદેશ સરકારે 60,000 નોકરીઓ ઊભી કરી છે

ગુજરાત મોડેલમાં રોજગારીના દાવા પોકળ

ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી વિકાસની વાતો કરાઈ રહી છે. તેની સરખામણીએ તે દાવાઓ કેટલાક અંશે સાચા પણ છે, પણ છેલ્લા ૫-૧૦ વર્ષમાં ગુજરાતનો વિકાસ પાટા પરથી સાવ જ નીચે ઉતરી ગયો હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. તેમ છતાં સરકાર તે સ્વીકારવા તૈયાર નથી. સવાલ ઉઠાવવામાં આવે તો મોદીના મુખ્યમંત્રી કાળ સમયના કામો ગણાવવામાં આવે પરંતુ લોકોને આજે શું હાલત છે તેને લઈને ફરિયાદ છે. ગુજરાતમાં ભાજપ પણ કોંગ્રેસની જેમ નહેરુ, ઇંદિરા અને રાજીવના સમયની જેમ મોદીના સમયની જ વાતો કરીને પોતાની લાજ રાખી રહી છે પરંતુ લોકોને વર્તમાન પરિસ્થિતિ સાથે સંબંધ છે ના કે ભૂતકાળ સાથે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની આશરે 4ooo જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેમાં ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. જેમાં સરકારની રોજગારી આપવાની પોલ બહાર આવતી જોવા મળી છે. આ જાહેરાત 12 પાસ ઉપર હતી, પણ આ સ્નાતક તેમજ ડિપ્લોમા તેમજ ડિગ્રી કરેલા ઉમેદવારો દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યા છે. આશરે 4ooo હજારની જાહેરાતમા 13 લાખ જેટલી ગુજરાતમાંથી અરજીઓ આવી હતી અને લેવાના હતા માત્ર 4ooo હજાર જ. આથી સ્પષ્ટ થાય છે કે, સ્નાતક તેમજ એન્જિનિયરીંગનું ભણતર કરેલું હોવા છતાં પણ લોકોને રોજગારી માટે આ સરકારમાં ફાંફા મારવા પડે છે. જ્યારે જ્યારે સરકારી જાહેરાતો બહાર આવે છે ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. આવું જ કંઈ બિનસચિવાલય ક્લાર્કની ભરતીની જાહેરાતમાં પણ જોવા મળ્યું છે. સરકારી નોકરીની ભરતીમાં કાયમ મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે ત્યારે બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઑફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે સરકારને અધધ અરજીઓ મળી છે. બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે સરકારને 12 લાખથી વધુ અરજીઓ મળી હતી. આ અરજીઓમાંથી યોગ્ય અરજીઓની છટણી બાદ 10.50 લાખ ઉમેદવારો માન્ય ગણવામાં આવ્યાં છે. જે બતાવે છે કે, સરકાર દ્વારા જે રીતે રોજગારીનાં મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે તે કેટલાં પોકળ છે.

છેલ્લાં 16 વર્ષમાં 3 હજારથી વધુ બેરોજગારોએ કરી આત્મહત્યા

દેશ અને રાજ્યની સરકારની શોષણ નીતિના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલા બેરોજગારોની સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરોજગાર યુવાન-યુવતી ભાજપની નીતિનો ભોગ બની રહ્યાં છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ૨૦૦૧થી ૨૦૧૭ના વિવિધ રિપોર્ટમાં આ બિહામણું સત્ય બહાર આવ્યું છે કે, ૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં બેરોજગારી પાછળનું એક સૌથી મોટું કારણ ઔદ્યોગિક વિકાસના પોકળ દાવા હોવાનું કહેવાય છે.

સરકારે વિધાનસભામાં પણ ખુલાસો કર્યો હતો

હાલમાં જ પૂર્ણ થયેલાં વિધાનસભાનાં સત્રમાં રાજ્ય સરકારે પોતે કબૂલ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં બેરોજગારીનો આંક 5.37 લાખ ઉપર પહોંચ્યો છે અને આટલાં બેરોજગારોની નોંધણી સરકારી દફ્તરે થઈ હોવાનું પણ કબૂલ્યું હતું. સાથે સરકારે એવી કબૂલાત કરી હતી કે, આટલાં બેરોજગારો સામે રાજ્ય સરકારે માત્રને માત્ર 12,896ને જ સરકારી નોકરી આપવામાં આવી છે.