રુઆબદાર રૂપાણીએ નીતિ આયોગમાં રજૂ કર્યું રૂપાળું ગુજરાત

ગાંધીનગર, તા.18

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચનો નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ એપીએમસી એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમની વાત કેટલી વાસ્તવિક છે તે અંગે ખેડૂતો પોતાના અનુભવો અહીં આપી રહ્યા છે. દેશને સલાહ આપી આવ્યા પણ ગુજરાતમાં તેઓ અમલ કરવા તૈયાર નથી એવી ઘણી બધી બાબતો છે.

રૂપાણીની રૂપાળી વાતો અને વાસ્તવિકતા

રૂપાણી : કેન્દ્રના મોડેલ એપીએમસી કાયદામાં જોગવાઇઓ સુચવાયેલી છે તે મહદઅંશે ગુજરાતના પ્રવર્તમાન મોડેલ એપીએમસી એકટમાં છે. આ કાયદામાં જોગવાઈ એવી હોય જે ખેડૂત વર્ગને વધુ લાભદાયી હોય અને તેને માર્કેટયાર્ડમાં પોતાની ઉપજ વેચાણ સાથે વેલ્યુએડીશનનો પણ લાભ મળે. (બેઠકમાં કહ્યું)

ખેડૂત : ગુજરાતની ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતોના માલનું વેલ્યુએડીશન બહુ થતું નથી. ગુજરાતનો મોડેલ કાયદો નિષ્ફળ છે. બજારમાં જ ગુજરાતનું સૌથી મોટું મગફળી, રાયડા, બારદાન ખરીદી કૌભાંડ થયું હતું. જેની પુરી તપાસ સરકારે કરી નથી.

રૂપાણી – કોન્ટ્રાકટ ફાર્મિંગ અને સમાન પ્રકારે સહકારી કૃષિ વિષયે રાજ્યના ગાંધીનગર જિલ્લાના શીવપુરા કમ્પામાં ૧પ૦ હેકટર વિસ્તારમાં સામૂહિક ખેતી થઇ રહી છે. સામૂહિક ખેતીને પરિણામે કિસાનો વધુ નફો મેળવે, ખેતીમાં નવીન ટેકનીકસનો અમલ કરી શકે તેમજ ખરીદ-વેચાણ માટે બાર્ગેનીંગ પાવર વધારી શકે તે હેતુથી કોન્ટ્રાકટ ફાર્મિંગ હેઠળ સામૂહિક ખેતીને બેસ્ટ પ્રેકટીસીસ તરીકે ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિશેષ યોજના શરૂ કરવી જોઇએ.

ખેડૂત – શીવપુરામાં સામૂહિક ખેતી વર્ષોથી થાય છે. તો ગુજરાત સરકારે કેમ તે રાજ્યભરમાં શરૂ ન કરી. વિનોબા ભાવેએ દાનમાં મેળવેલી અને સરકાર પાસે રહેલી હજારો હેક્ટર જમીન પર સહકારી ખેતી કેમ 23 વર્ષથી ભાજપે કરી નહીં ? બજારમાં ખેડૂત પોતે ઈચ્છે એ ભાવ વેપારીઓ આપતા નથી.

રૂપાણી – ગુજરાતના કિસાનો સમૃધ્ધ છે તેનું એક કારણ ખેતીવાડી સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિકાસ પણ છે.

ખેડૂત – ભાજપના શાસનમાં 1998 પછી 15,000 ખેડૂતોએ આપઘાત કર્યો છતાં વળતર આપ્યું નથી. ખેડૂતના ખેતર સુધી નર્મદા નહેરોનું માત્ર 30% કામ થયું છે. ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂ.7,926 જે દેશમાં 12મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોને પુરતી આવક મળતી ન હોવાથી ગરીબ બની રહ્યો છે. અમેરિકાની પેપ્સી-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતા 4 ખેડૂતો પર કેસ કર્યો છે. ભાજપના 23 વર્ષના રાજમાં અડધો હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય એવા ખેડૂતોમાં 100 ટકાનો વધારો થયો છે. 6 લાખ નાના ખેતરો ધરાવતા ખેડૂતો હતા તે વધીને સીધા 12 લાખ થઈ ગયા છે. કઈ રીતે ખેડૂત સમૃદ્ધ થયો?  નાના ખેડૂતો વધી રહ્યા છે. જે ગ્રામ્ય અર્થતંત્ર માટે બોજારૂપ બની રહ્યા છે. નાની જમીન હોય છે ત્યારે તેની ઉત્પાદકતા નીચી રહી શકે છે.

રૂપાણી – ગુજરાતમાં પશુઓને કૃત્રિમ ગર્ભધાન, IVF, એમ્બ્રીઓ ટ્રાન્સફર જેવી પધ્ધતિઓનો અમલ, સામૂહિક પશુ રસીકરણ, પોષણયુકત પશુ આહાર ઉપલબ્ધિ અને ડેરી-પશુપાલન સંલગ્ન તાલીમ તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ છે. ખેડૂતોને દૂધના ભાવ સારા મળે છે. અન્ય રાજ્યો પણ અપનાવે.

ખેડૂત – નવી ટેકનોલોજીથી દેશી ઓલાદના પશુ ખતમ થયા છે. 26 સહકારી ડેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. વર્ષોથી રહેતા અધ્યક્ષ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ ખેડૂતોના દૂધથી કાળી રીતે આવી છે. ખેડૂતોને દૂધના જે ભાવ આપવામાં આવે છે તેનાથી બે ગણા ભાવ ડેરીઓ તેના ગ્રાહકો પાસેથી લઈ રહી છે. મોટી ડેરીઓ જ્યાં આવેલી છે તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે એટલે કે 2,36,492 ગરીબ પરિવાર છે, દાહોદમાં 2,25,291 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્રીજા નંબરે અમૂલ આવેલી છે તે ખેડા જિલ્લામાં 1,56,436 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. જો ડેરીથી વિકાસ થયો હોય તો આવું ન હોઈ શકે.

રૂપાણી – તેલિબીયા પાકોની ટેકાના ભાવે ખરીદી કર્યા પછી એનડીડીબી અને નાફેડ જેવી સંસ્થાઓ દ્વારા તેલીબીયાનું પ્રોસેસિંગ કરી તેલના પેકીંગ, બ્રાન્ડીંગ અને માર્કેટીંગ સહિતની કામગીરી થવી જોઇએ. જેથી ખેડૂતોની ઉપજના સારા ભાવ મળશે.

ખેડૂત – ગુજરાતના 25 ટકા એટલે કે 31 લાખ પરિવારો (1.57 કરોડ લોકો) ગરીબી રેખા હેઠળ જીવે છે. 1,57,32,065 લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તેવું કહી શકાય. 2004-05ના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસતીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે તે 25 ટકા થઈ ગયા છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દેશના મુખ્ય પ્રધાનો સમક્ષ જે વાત કહી તે કેવા ગપગોળા છે તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સાના કૃષિ પ્રધાનો, પંજાબના નાણાં પ્રધાન તથા ભારત સરકારના કૃષિ સચિવ, નીતિ આયોગના કૃષિ સભ્ય સહિતના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વાત કહી હતી. જે ગુજરાતમાં જુદી સ્થિતિ બતાવે છે. નીતિ આયોગે રચેલી આ હાઇપાવર કમિટિની પ્રથમ બેઠક અગાઉ ગત ૧૮ જુલાઇએ નવી દિલ્હીમાં મળી હતી.