રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી

કે ન્યુઝ,ગાંધીનગર,તા:25

અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂતોને ચુકવી આપે તેવી માંગણી છે. સરકારે 3795 કરોડ ખેડૂતોને આપવાની વાત કરી એમાં ખેડૂતોને વધારેમાં વધારે 2 હેકટરની મર્યાદામાં 6800 + 6800 એમ બન્ને હેકટરના 13600 રૂપિયાથી વધારે કંઈ મળવાનું નથી.

SDRF ની જોગવાઈઓ મુજબ રૂ.13500 પ્રતી હેકટર વધારેમાં વધારે 2 હેકટર એટલે કે 13500 + 13500 = 27000 રૂપિયા સરકારે આપવા પડે, તેની જગ્યાએ સરકારના નવા પેકેજમાં અર્ધા જ રૂ.13600 આપવામાં આવશે. હેક્ટરે રૂ.6800 રૂપિયા એટલે વિઘા દીઠ રૂ.1000 આપશે. ખેડૂતોનો હક્ક રૂ.13,500 મેળવવાનો છે. સરકાર ખેડૂતો સાથે દ્રોહ કર્યો છે. તેમ ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું. રાજ્યના જિલ્લાના ૨૪૮ તાલુકાઓના ૧૮૩૬૯ ગામોના 56.36 લાખ ખેડૂત ખાતેદારોને રૂ.3795 કરોડનું માતબર પેકેજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ મંજૂર કરેલું છે. ગુજરાતના ઈતિહાસમાં બધા જ ખાતેદાર ખેડૂતોને રાજ્ય સરકારે આર્થિક સહાય કરી હોય તેવું આ પ્રથમ સહાય પેકેજ છે. દરેક ખેડૂતને સરેરાશ રૂ.6776.78 મળી શકે છે. જે રોજના રૂ.18ની સહાય ગણી શકાય છે. સરકાર ખરેખર મદદ કરતી હોય તો ખેડૂતોની કેવી હાલત છે તેના સરકારના આંકડા કંઈક જુદું કહી રહ્યાં છે.

રૂપાણીના શાસનકાળમાં 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા

ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે તે 25 ટકા થઈ ગયા છે. રૂપાણી મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા છે

નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ન પહોંચતા પાયમાલી 

ગુજરાત સરકાર કહે છે કે બહારના લોકો ગુજરાતમાં આવે છે એટલે ગરીબી વધી છે. ખરેખર તો ખેડૂતો તૂટી રહ્યાં છે તેના કારણે ગરીબી વધી રહી છે. વિકાસ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ થયો છે, જ્યાં ખેતી કરતાં માંડ 4 ટકા રોજગારી મળે છે. તેથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત ન આપીને વિપક્ષને વધું ધારાસભ્યો આપ્યા છે. 12 જુલાઈ 2018માં ગરીબીના આંકડા જાહેર કરાયા હતા. જે બતાવે છે કે, ઉદ્યોગોથી રોજગારી મળતી નથી પણ ખેતીથી મોટી રોજગારી મળે છે. નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ન પહોંચી તે ગરીબીનું સૌથી મોટું કારણ છે. 18 લાખ હેક્ટરમાંથી માંડ 4 લાખ હેક્ટરમાં નર્મદાની સિંચાઈ થાય છે. જો પાણી અપાયું હોત તો ગરીબી ઘટી હોત. ખેડૂતોને મદદ થઈ શકી હોત. આ પેકેજ જાહેર કરવાની ઓછી જરૂર ઊભી થાત.

ખેતી તૂટી રહી છે

ગુજરાત 1.20 કરોડ જમીનના ટૂકડા છે. 50 લાખ ખેડૂત કુટુંબો છે. 24,000 કરોડનું દેવું છે. 42 ટકા ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવું છે. 15 વર્ષમાં ખેતમજૂરોનો વધારો થયો છે, 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 2001 પછી 4લાખ ખેડૂતો ઘટી ગયા છે. જે ગરીબ બની જતાં મજૂર તરીકે કામ કરે છે. જમીન નાના ટુકડામાં પહેંચાઈ રહી છે. કુટુંબ વિભાજનના કારણે જમીન ટૂકડામાં ફેરવાઈ રહી છે. તેથી તે જમીન ખેડવી પોસાય તેમ ન હોવાથી ખેડૂતો જમીન વેચી રહ્યાં છે. જમીન વેચીને તેઓ મજૂરી કામ માટે જોતરાય છે. ગુજરાતમાં 2005-06માં 46.61 લાખ ખેડૂતો હતા તે 2010-11માં વધીને 48.85 લાખ થયા હતા. 2018માં વધીને 50 લાખ થયા હતાં.

જમીન ધારકોની સંખ્યા 2.25 લાખ જેટલી વધી છે. પરંતુ તેની સામે વર્ષ 2005-06માં કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી તે 2010-11માં ઘટીને 98.98 લાખ હેક્ટર થઇ ગઇ છે. આમ રાજ્યમાં કૃષિ જમીન 3.70 લાખ હેક્ટર ઘટી છે. પણ 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર જમીન થવાની ધારણા છે. જમીન નકામી બની છે અથવા તે ઉદ્યોગોમાં બિનખેતી તરીકે જતી રહી છે. પહેલાં જમીન 10 વિઘા એક ખેડૂત ધરાવતાં હતા તે હવે 5 વીઘા ધરાવતાં થયા છે. જેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી. તેથી ગરીબી વધી રહી છે. વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. વળી ગુજરાતમાં 2001 પછી ૩.૭૦ લાખ હેક્ટર જમીન ઘટી છે. તેનો સીધો મતલબ કે એટલા ખેડૂતો ઘટી ગયા છે. કુટુંબ વિભાજનના કારણે જમીન નાના ટુકડામાં ફેરવાઈ રહી છે. તેથી ગરીબી વધી છે.