ગાંધીનગર, તા. 18
મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે.
રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા
ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો મોદીએ વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2004-05માં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે તે 25 ટકા થઈ ગયા છે. રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા ત્યાર બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા છે
નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ના પહોચી
ગુજરાત સરકાર કહે છે કે બહારના લોકો ગુજરાતમાં આવે છે એટલે ગરીબી વધી છે. ખરેખર તો ખેડૂતો તૂટી રહ્યાં છે તેના કારણે ગરીબી વધી રહી છે. વિકાસ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ થયો છે, જ્યાં ખેતી કરતાં માંડ 4 ટકા રોજગારી મળે છે. તેથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોએ ભાજપને મત ન આપીને વિપક્ષને વધું ધારાસભ્યો આપ્યા છે. 12 જૂલાઈ 2018માં ગરીબીના આંકડા જાહેર કરાયા હતા. જે બતાવે છે કે, ઉદ્યોગોથી રોજગારી મળતી નથી પણ ખેતીથી મોટી રોજગારી મળે છે. નર્મદા યોજનાની નહેરો ખેતરો સુધી ન પહોંચી તે ગરીબીનું સૌથી મોટું કારણ છે.
જિલ્લા પ્રમાણે ગરીબ કુટુંબો
કુટુંબોની સંખ્યા. (આંકડા લાખમાં)
જિલ્લો – ગરીબ કુટુંબો – બે વર્ષમાં વધારો
ખેડા 156436 12
સુરત 114583 01
ગાંધીનગર 44535 07
જામનગર 34616 128
અમરેલી 89895 4248
બોટાદ 30094 34
નર્મદા 82871 00
અરવલ્લી 69440 53
પોરબંદર 20,664 406
દ્વારકા 27,888 406
બનાસકાંઠા 236492 512
ભરૂચ 124930 24
રાજકોટ 91,253 3203
પંચમહાલ 91253 3203
પાટણ 101954 00
આણંદ 153122 24
સાબરકાંઠા 96986 287
ડાંગ 35278 15
છોટાઉદેપુર 99940 00
નવસારી 69994 4120
જૂનાગઢ 51175 1017
સુરેન્દ્રનગર 125794 14
વલસાડ 126087 742
વડોદરા 126919 00
મોરબી 47136 2299
કચ્છ 105664 105
ભાવનગર 74516 14
મહેસાણા 106381 49
અમદાવાદ 144099 437
ગીર સોમનાથ 49965 71
તાપી 79293 00
મહિસાગર 82061 03
દાહોદ 22591 407
કૂલ 3146413 18942
ખેતી તૂટી રહી છે
ગુજરાત 1.20 કરોડ જમીનના ટૂકડા છે. 50 લાખ ખેડૂત કુટુંબો છે. 24,000 કરોડનું દેવું છે. 42 ટકા ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવું છે. 15 વર્ષમાં ખેતમજૂરોનો વધારો થયો છે, 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 2001 પછી 4લાખ ખેડૂતો ઘટી ગયા છે. જે ગરીબ બની જતાં મજૂર તરીકે કામ કરે છે. જમીન નાના ટુકડામાં પહેંચાઈ રહી છે. કુટુંબ વિભાજનના કારણે જમીન ટૂકડામાં ફેરવાઈ રહી છે. તેથી તે જમીન ખેડવી પોસાય તેમ ન હોવાથી ખેડૂતો જમીન વેચી રહ્યાં છે. જમીન વેચીને તેઓ મજૂરી કામ માટે જોતરાય છે. ગુજરાતમાં 2005-06માં 46.61 લાખ ખેડૂતો હતા તે 2010-11માં વધીને 48.85 લાખ થયા હતા. 2018માં વધીને 50 લાખ થયા હતાં.
જમીન ધારકોની સંખ્યા 2.25 લાખ જેટલી વધી છે. પરંતુ તેની સામે વર્ષ 2005-06માં કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી તે 2010-11માં ઘટીને 98.98 લાખ હેક્ટર થઇ ગઇ છે. આમ રાજ્યમાં કૃષિ જમીન 3.70 લાખ હેક્ટર ઘટી છે. પણ 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર જમીન થવાની ધારણા છે. જમીન નકામી બની છે અથવા તે ઉદ્યોગોમાં બિનખેતી તરીકે જતી રહી છે. પહેલાં જમીન 10 વિઘા એક ખેડૂત ધરાવતાં હતા તે હવે 5 વીઘા ધરાવતાં થયા છે. જેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી. તેથી ગરીબી વધી રહી છે. વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. વળી ગુજરાતમાં 2001 પછી ૩.૭૦ લાખ હેક્ટર જમીન ઘટી છે. તેનો સીધો મતલબ કે એટલા ખેડૂતો ઘટી ગયા છે. કુટુંબ વિભાજનના કારણે જમીન નાના ટુકડામાં ફેરવાઈ રહી છે. તેથી ગરીબી વધી છે.
બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે
2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ચાલુ રાખ્યા છે. ગુજરાતના ગામડામાં મહિને રૂ.324 અને શહેરોમાં મહિને રૂ.501.14 આવક મેળવે છે.
ગુજરાતમાં 2014માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડા માટે રૂ.11 તથા શહેર માં રૂ.17 કમાતા હોય તેને ગરીબ જાહેર કર્યા હતા. ‘ગરીબી દૂર કરવી હોય તો ગરીબીરેખા બદલી ગરોબોની સંખ્યા ઓછી કરી નાંખો’. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને વાયબ્રંટ ગુજરાતમાં બતાવવા ‘ગુજરાતમાં ગરીબો નથી’એ બતાવવું ખૂબ જરૂરી હતું.
28 વર્ષ પછી પણ ગરીબી કોંગ્રેસની દેન – રૂપાણી
18 નવેમ્બર 2018માં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, “દેશમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન છે.” પણ ગુજરાતમાં ભાજપની સરકાર 1996થી છે. જેને 23 વર્ષ થયા અને ભાજપની ભાગીદારી વાળી સરકાર તો 1991થી છે. તો પછી 27 વર્ષથી તો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી, તો ગરીબી કેમ વધી રહી છે. રૂપાણી સરકારનું અનાજ ખાઈ જવાનું એ મોટું કૌભાંડ છે, કે પછી ગુજરાતમાં ગરીબી વધી રહી છે. ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબીરેખા નીચે જીવી રહ્યાં છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત તો 27 વર્ષમાં ગુજરાતમાં તે ગરીબી દૂર કરી શક્યો હોત પણ તેમ થયું નથી. ગરીબોને રહેવા 50 લાખ મકાનો 2012થી બનાવવાના હતા. એક પણ ગરીબને મફત મકાન મળ્યું નથી. બેરોજગારીના કારણે પાંચ વર્ષમાં 1146 લોકોએ આત્મહત્યા કરી છે.
શાળાએ જવાના બદલે મજૂરી
રાજ્યમાં 4.20 લાખ જેટલા બાળમજૂરો હોવાનો નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું હતું. ગરીબી અને ભૂખમરામાં સપડાયા હોવાના કારણે કામ કરે છે. ઈ.સ.2004-05માં સરવે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા, તે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 4 ટકા બાળમજૂરો હતા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે ગુજરાત ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે છે. તેનો મતલબ કે ગરીબી ગામડાઓમાં વધારે છે.
ગરીબ કલ્યાણ મેળા, એક તૂત
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતની સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે. 2009થી 11 વર્ષ 2070 ગરીબ કલ્યાણ મેળા યોજીને રૂ.22 હજાર કરોડ આપ્યા છે. બે કરોડ લોકોને તેમાં આવરી લેવાયા હતા. તો પછી ગરીબી કેમ ઘટતી નથી. આટલા નાણાંમાં તો દરેક ગરીબને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત. ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટૂંબોને રહેવા સારું ઘર નથી. ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને એનિમાયા વધું છે. 1.50 કરોડ લોકોને પરંતુ ખાવાનું મળતું ન હોય તે સરકારે રાજ કરવાનો કોઈ અધિકાર નથી.
ગરીબી મૂળ સમસ્યા
જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. ગરીબી ભ્રષ્ટાચારનું મૂળ છે. જો ગરીબી દૂર થાય તો ભ્રષ્ટાચાર દૂર થઈ શકે છે. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે, પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. 20 લાખ ઘર બનાવવા માટે રૂ.40 હજાર કરોડની જરૂર છે. જે સરકાર આરામથી ઊભા કરી શકે તેમ છે. જો આટલું થાય તો ગુજરાત સરકારને આરોગ્યના જ રૂ.5,000 કરોડ બચી શકે તેમ છે. તેથી ખરેખર તો સરકારને 20 વર્ષમાં સાવ મફતમાં આ ઘર પડે તેમ છે. ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે. જો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં ગરીબી દૂર કરવી પડશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે તેથી માથાદીઠ આવક પણ વધી જશે.