લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વેચેલી મિલ્કતનો ગઠીયાએ બારોબાર સોદો કરી નાંખ્યો

અમદાવાદ, તા. 21
લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વર્ષ 2013માં વેચી મારેલી મિલ્કતનો એક ગઠીયાએ બે વર્ષ અગાઉ સોદો કરી નાંખતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અગાઉ શાહપુર અને હાલ મુંબઈ ખાતે રહેતા ઠગ અનિલ પૂનમચંદ શાહની ધરપકડ કરવા  પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સલાપસ રોડ જીપીઓ સામે ડિજીટલ  એડવર્ટાઈઝમેન્ટના નામથી ધંધો કરતા ઈમ્તિયાઝ અહેમદહુસેન કુરેશીને રિલીફ સિનેમાના મેનેજર થકી અનિલ શાહનો પરિચય થયો હતો. રિલીફ સિનેમા સામે આવેલા રિલીફ પાલિકા બજારના ભોંયરામાં આવેલી 380 ચોરસ ફૂટ ક્ષેત્રફળની દુકાન વેચવાની અનિલ શાહે ઓફર મુકી હતી. ઈમ્તિયાઝ કુરેશીએ અનિલ શાહને ડિસેમ્બર-2017માં અઢી
લાખ રોકડા તેમજ 35 હજાર રૂપિયા ચેકથી ચૂકવી વેચાણ કરાર કર્યો હતો. અનિલ શાહે દુકાનનો બાકી મ્યુનિસિપલ ટેક્સ ભરવાની જવાબદારી પણ ઈમ્તિયાઝ કુરેશી પર નાંખી હતી. સપ્ટેમ્બર-2019માં વીજ કનેકશન લેવા માટે ટોરેન્ટ પાવરમાં ઈમ્તિયાઝ કુરેશીએ અરજી કરતા ફારૂક દિલ્હીવાળાના ભત્રીજા અર્સલાન દિલ્હીવાળાએ વાંધા અરજી કરી હતી. આ મામલે તપાસ કરતા ઈમ્તિયાઝ કુરેશીને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2013માં  દુકાનના મૂળ માલિક રાધેશ્યામ પરમાનંદ દિલ્હીવાળાએ 999 વર્ષના ભાડા પટ્ટે અર્સલાનને દુકાન આપી દીધી હતી અને સબ  રજિસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર દસ્તાવેજ પણ કરી આપ્યો છે. જેથી ઈમ્તિયાઝ કુરેશીએ ગત જાન્યુઆરી મહિનામાં અર્સલાન  દિલ્હીવાળાને દુકાનનો કબ્જો સોંપી દીધો હતો.