કે ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદા પ્રમાણે ગુજરાતીઓએ તેમના પરસેવાની કમાણીના 100 કરોડ રૂપિયા માત્ર બે મહિનામાં ગુમાવ્યા છે. જો આ રીતે ચાલતું રહ્યું તો 12 મહિનામાં ગુજરાતીઓ 600 કરોડ રૂપિયા ગુમાવશે. હેલ્મેટ અને સીટબેલ્ટની વચ્ચે આ રમત શરૂ થઇ છે, વધારે પ્રદૂષણ ફેલાવતા હોવા છતાં બાકીના ટ્રાફિકને લગતા ગુનાઓ સરકારી ડીઝલ વાહનો તેમજ એસટી બસોને લાગુ પડતા નથી. એકપણ બસ કે સરકારી વાહનને મેમો મળ્યો નથી.
ગુજરાતમાં 2.22 લાખ જેટલા ચલણ ઈસ્યુ કરાયા
સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમનના ભંગના ગુનાઓ છેલ્લા બે મહિનામાં દાખલ થયા છે. નિયમોના ભંગ બદલ ગુજરાતમાં 2.22 લાખ જેટલા ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. દેશના 18 રાજ્યોમાંથી કુલ 600 કરોડની વસૂલાત કરવામાં આવી છે. દેશમાં જે વસૂલાત થઇ છે તેમાં ગુજરાતનો હિસ્સો 17.50 ટકાનો છે. ટ્રાફિક ભંગના જૂના દંડની રકમ કરતાં નવા દંડની રકમમાં 130 ટકા જેટલો વધારો થયો છે.
સૌથી વધુ દંડની રકમ અમદાવાદમાંથી વસુલાઈ
સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશ પછી ગુજરાતનો ક્રમ આવે છે. ઉત્તરપ્રદેશમાં 271 કરોડ રૂપિયાનો દંડ થયો છે જ્યારે ગુજરાતમાં દંડની રકમ 100 કરોડ કરતાં વધી ચૂકી છે. રાજ્યમાં સૌથી વધુ દંડની રકમ અમદાવાદની જનતાએ ભરી છે. નવા કાયદાનો શરૂઆતમાં વિરોધ થયો હતો પરંતુ સરકારે દંડની રકમ ઓછી કરતાં આ કાયદો લાગુ પડ્યો છે તેમ છતાં સરકારી બસો જે સૌથી વધુ પ્રદૂષણ કરે છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી.
ખાનગી વાહનોની દંડની રકમ વધારે
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે દંડની રકમ સરકારી તેમજ પ્રાઇવેટ વાહનો માટે સરખી છે પરંતુ આરટીઓ કચેરીમાં સરકારી વાહનો ઓછા અને પ્રાઇવેટ વાહનો વધુ નોંધાયેલા છે. રાજ્યમાં બે લાખથી વધુ લોકો પાસેથી દંડની રકમ ઉઘરાવવામાં આવી છે જેમાં સરકારી વાહનોની સંખ્યા માત્ર 10 ટકા જોવા મળી છે. એસટી નિગમની ડીઝલ બસોનું પ્રદૂષણ એટલું વધી ચૂક્યું છે છતાં માત્ર પાંચ બસ માટે દંડ કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ વાહનોને દંડની રકમ વધારે ભરવી પડી છે.
ટ્રાફિક ભંગની રકમમાં જો આ રીતે વસૂલાત થતી રહેશે તો ગુજરાતની જનતાને વર્ષે 600 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગુજરાતમાં કાયદો બનાવનારા મંત્રીઓ અને અધિકારીઓના વાહનો દંડાતા નથી પરંતુ સામાન્ય જનતા કે જેમની પરસેવાની કમાણી હોય છે તે પડાવી લેવામાં આવે છે. ટ્રાફિકના ગુનાઓમાં સૌથી વધુ હેલ્મેટ અને સીટબેલ્ટ જોવા મળે છે પરંતુ ટ્રાફિક ભંગના કુલ 150થી વધારે ગુનાઓ છે. ટ્રાફિક પોલીસ અન્ય ગુનાઓ સામે જોતી નથી.
ટ્રાફિક પોલીસ સરકારી વાહન સામે લાચાર
રાજ્યની સડકો પર નંબર પ્લેટ વિનાના અસંખ્ય વાહનો ફરી રહ્યાં છે તેમ છતાં તેવા વાહનોને રોકીને દંડ વસૂલ કરવામાં આવતો નથી. ગ્રામ પંચાયત થી લઇને એમપી એએમએલએ તેમના વાહનોમાં હોદ્દાઓ ચિતરાવે છે છતાં પોલીસ તેમનો વાળ વાંકો કરી શકતી નથી. વાહન પર હોદ્દાઓ લખવાની મનાઇ હોવા છતાં ટ્રાફિક પોલીસ તેવા વાહનો ચેક કરતી નથી. સરકારી વાહન વ્યવહાર સેવાના એક અંદાજ પ્રમાણે ગાંધીનગરમાં નોંધાયેલા સરકારી વાહનો પૈકી 15 ટકા પાસે પીએસયુ પ્રમાણ પત્રો નહીં હોવા છતાં ટ્રાફિક પોલીસ સરકારી વાહનોનું ચેકીંગ કરતી નથી.