શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે.
પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભાસદોને ડરાવી ધમકાવી ફલેટ ખાલી કરાવી વિસ્તારમાં મુસ્લીમ જનસંખ્યા વધારવા વર્ષા ફલેટ નામની સ્કીમ ઉભી કરાઈ હોવાની અરજી ફેબ્રુઆરી-2018માં થઈ હતી. કલેકટર કચેરીમાં થયેલી અરજીની તપાસ બાદ 13 વેચાણ દસ્તાવેજમાં ગુજરાત અશાંત વિસ્તાર ધારા – 1991ની કલમ 5(1)ની જોગવાઈનો ભંગ થયો હોવાથી તે તમામ તબદીલીઓ (દસ્તાવેજ રદ) કલમ 5(2) હેઠળ રદ કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે મિલ્કત વેચનાર અને ખરીદનારની સુનાવણી કરવા હુકમ થતા તમામ તબદીલીઓની માહિતી મેળવી તપાસ કરતા 17માંથી 13 તબદીલીઓમાં કાયદાનો ભંગ થયો હોવાની વિગત સામે આવી હતી.
કલેકટરની મજૂંરી વિના 13 મિલકતનું ખરીદી-વેચાણ થયું હોવાની માહિતી સામે આવતા આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
જાગૃત નાગરિકોનો વિજય છે – જનકસિંહ પરમાર
બે વર્ષની લાંબી લડાઈ બાદ મળેલો વિજય જાગૃત નાગરિકોને આભારી હોવાનું હિન્દુ જાગરણ મંચના કાર્યકર જનકસિંહ પરમારે જણાવ્યું છે. હિન્દુ વિસ્તારમાં મુસ્લીમ જન સંખ્યા વધારવાના ષડયંત્રનો આરએસએસ અને વીએચપીની ટીમે ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત પૂર્વ મેયર અમિત શાહ અને મેયર બિજલબહેન પટેલે પણ આ મામલે રસ દાખવ્યો હોવાની કબૂલાત જનકસિંહે કરી છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષા ફલેટના મામલે ન્યાય મેળવવા સ્થાનિક રહિશોને રેલી કાઢીને વિરોધ કરવો પડ્યો હતો. એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સામે અગાઉ આ મામલે અનેક વખત શંકાની સોય ચિંધાઈ હતી.
ગુજરાતી
English




