વિદેશ મુલાકાતમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસના મનમોહનસિંહનો રેકોર્ડ તોડશે!!

ગાંધીનગર,તા.17  ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ અને 5 મહિના પૂર્ણ કર્યા છે ત્યારે તેઓ ભારતના એવા ત્રીજા વડાપ્રધાન છે કે જેમણે સૌથી વધુ વિદેશોની યાત્રા કરી છે. આ પૂર્વે કોંગ્રેસ પક્ષના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 115 દેશોની યાત્રા કરી હતી. હવે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસના મનમોહન સિંહનો રેકોર્ડ તોડવા જઇ રહ્યાં છે. મનમોહન સિંહ થી તેઓ માત્ર એક વિદેશ યાત્રા પાછળ છે.

મોદીએ પહેલી ટર્મમાં  92 દેશોની મુલાકાત લીધી

કોંગ્રેસ યુક્ત યુપીએના શાસનમાં ડો મનમોહન સિંહે 93 દેશોની સફર પૂર્ણ કરી છે. બીજી તરફ નરેન્દ્ર મોદીએ તેમની પહેલી ટર્મના પાંચ વર્ષમાં 92 દેશોની યાત્રા કરી છે. મનમોહન સિંહે 10 વર્ષમાં 93 દેશોની સફર કરી હતી જ્યારે ઇન્દિરા ગાંધીએ આ રેકોર્ડ બનાવવામાં 15 વર્ષ લગાવ્યા છે. જો કે વડાપ્રધાનની આ યાત્રાઓમાં અનેક દેશો બેવડાય છે. વડાપ્રધાનોએ એક દેશમાં અનેક વખત યાત્રા કરી હોવાનો પણ કુલ આંકડાઓમાં સમાવેશ થાય છે. ભારતના વડાપ્રધાન જ્યારે વિદેશમાં યાત્રા કરે છે ત્યારે તેમને વિદેશી યાત્રા દરમ્યાન વિમાનની જાળવણી, ચાર્ટર્ડ ઉડાન અને હોટલાઇન સુવિધા સહિત સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓમાં 2021 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ થયો છે.

મનમોહનસિંહની વિદેશયાત્રા પાછળ 1350 કરોડનો ખર્ચ

ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે તેમના સમયગાળામાં વિદેશી યાત્રાઓ પાછળ 1350 કરોડનો ખર્ચ કર્યો હતો. વડાપ્રધાનની 92 વિદેશ યાત્રાના ખર્ચની ગણતરી કરીએ તો પ્રત્યેક યાત્રાનો સરેરાશ ખર્ચ 22 કરોડ રૂપિયા થાય છે જ્યારે મનમોહન સિંહની પ્રત્યેક યાત્રાનો સરેરાશ ખર્ચ 27 કરોડ થવા જાય છે. પીએમઓના સૂત્રો કહે છે કે પ્રત્યેક યાત્રા દરમ્યાન વડાપ્રધાનનો ખર્ચ ઓછો કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે.

રાજ્યસભામાં મંત્રી દ્વારા જે આંકડા આપવામાં આવ્યા હતા તે અનુસાર નરેન્દ્ર મોદીની સૌથી મોંઘી ચાર્ટર્ડ ઉડાન 9 દિવસ માટેની હતી. મોદી 9 એપ્રિલ થી 17મી એપ્રિલ 2015 દરમ્યાન ફ્રાન્સ, જર્મની અને કેનેડા ગયા હતા જેનો કુલ ખર્ચ 31.25 કરોડ રૂપિયા થયો હતો. મોદીની અત્યાર સુધીની તમામ વિદેશ યાત્રાનો આ સૌથી વધુ ખર્ચ હતો. મોદી 11 નવેમ્બર થી 20 નવેમ્બર 2014 દરમ્યાન જ્યારે મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજી ગયા હતા ત્યારે તેનો ઉડાન ખર્ચ 22.5 કરોડ રૂપિયા હતો. આ બીજી સૌથી મોંઘી યાત્રા હતી.

2015-16માં 24 દેશોની મુલાકાત

મોદીની તુલનામાં મનમોહન સિંહે 16 જૂન થી 23 જૂન સુધી મેક્સિકો અને બ્રાઝીલની યાત્રા કરી જેનો કુલ ખર્ચ 26.94 કરોડ થયો હતો. મોદીએ તેમની વિદેશ યાત્રાઓ દરમ્યાન 480 એમઓયુ પર સાઇન કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાનો એક કાર્યક્રમ 2015-16માં ઘડવામાં આવ્યો હતો જેમાં તેઓ એક વર્ષમાં 24 દેશોની યાત્રા કરી હતી. આ તેમનો સૌથી વધુ ભરચક કાર્યક્રમ હતો.

ત્રણ વર્ષમાં 18 દેશોની મુલાકાત

2016-17માં અને 2018-19માં મોદીએ એક સરખી 18 દેશોની યાત્રા કરી હતી. 2017-18માં તેમણે 19 દેશોની યાત્રા કરી હતી. સત્તામાં આવ્યાના પહેલા વર્ષે મોદીએ 13 દેશોની સફર કરી હતી. મોદી ચાર દેશોમાં માત્ર એક વખત ગયા છે. 10 એવા દેશો છે કે જ્યાં બે વખત યાત્રા કરી છે. મોદીએ ફ્રાન્સ અને જાપાન માટે ત્રણ યાત્રાઓ કરી છે. તેઓ ચાર વખત જર્મની, નેપાળ, રશિયા અને સિંગાપુર ગયા છે. તેઓ પાંચ વખત ચીન અને અમેરિકા ગયા છે.

ઈન્દીરા ગાંધીએ 115, નહેરુએ 68 દેશોની યાત્રા કરી

ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમના શાસન દરમ્યાન 68 દેશોની સફર કરી ચૂક્યાં હતા. તેમની પહેલી યાત્રા 11 થી 15મી ઓક્ટોબર 1947માં હતી અને તે અમેરિકાની હતી. તેમના પુત્રી ઇન્દિરા ગાંધીએ 15 વર્ષ શાસન કર્યું છે અને તેઓ 115 દેશોની યાત્રા કરી ચૂક્યાં હતા. આજે પણ તેમનો આ રેકોર્ડ છે, જે કોઇપણ વડાપ્રધાન તોડી શક્યા નથી.

વાજપેયીએ કુલ 48 દેશોની મુલાકાત લીધી હતી

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી એકમાત્ર એવા છે કે જેઓ તેમની કેરિયરમાં વિદેશ મંત્રી રહ્યાં છે. તેમણે કુલ 48 દેશોની યાત્રા કરી છે. વાજપેયીએ 1977માં એક ઇતિહાસ બનાવ્યો હતો  જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં સંબોધન કરનારા પહેલા ભારતીય વિદેશ મંત્રી હતા. ચૌધરી ચરણસિંહ ભારતના પાંચમા વડાપ્રધાન હતા જેમણે એકપણ વિદેશ યાત્રા કરી નથી. ચરણસિંહ 28 જુલાઇ 1979 થી 14મી જાન્યુઆરી 1980 સુધી સત્તામાં રહ્યાં હતા