વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં

ગાંધીનગર,તા.29

ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં અમિત શાહે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ  વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં. શિક્ષણ અને કેરિયરમાં જોશ હોવો જરૂરી છે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓ ડીગ્રી લઇને બહાર નિકળ્યા છે તેમણે પણ તેમનો જુસ્સો ટકાવી રાખીને ભારત દેશ માટે કામ કરવાનું છે.

પીડીપીયુનું સર્જન પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પીડીપીયુનું સર્જન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આજે આ યુનિવર્સિટી 12 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. આ યુનિવર્સિટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો મોટો ફાળો રહ્યો છે. આ સંસ્થા માટે તેમણે 150 કરોડનો ખર્ચ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે.

યુનિવર્સીટીના વિકાસ માટે રુ.150 કરોડ ફાળવાશે

અમિત શાહે યુનિવર્સિટીને સંબોધીને કહ્યું છે કે હવે પછીનો જમાનો પર્યાવરણ અને ક્લાયમેટ ચેંજનો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી છે ત્યારે આ યુનિવર્સિટી સિંગલ યુઝ પ્લાસ્કીટના વિકલ્પો તેમજ ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અંગે નવીનતમ કોર્સ શરૂ કરે તેવી મારી લાગણી છે કે જેથી આવનારી નવી પેઢીને પર્યાવરણના નવા વિષયો અને સંશોધન સાથે જાગૃત કરી શકાય. કેન્દ્ર સરકાર આ યુનિવર્સિટીના વિકાસ માટે 150 કરોડ રૂપિયા આપવાની છે.

જે 70 વર્ષમાં ના થયુ તે પાંચ વર્ષમાં થયું

આ તબક્કે અમિત શાહે કહ્યું હતું કે ભારત દેશ માટે ભૂતકાળની સરકારોએ અનેક કામો કર્યા છે. હું તમામ સરકારોની પ્રસંશા કરૂં છું પરંતુ જે 70 વર્ષમાં થયું નથી તે નરેન્દ્ર મોદીની સરકારે પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે. દેશની જનતાએ મોદી પર ભરોસો મૂકીને તેમને વધુ પાંચ વર્ષ માટે તક આપી છે ત્યારે 2022 સુધીમાં દેશની ઇકનોમી પાંચ ટ્રિલિયન ડોલર સાથે વિશ્વમાં ત્રીજું સ્થાન ગ્રહણ કરશે.

લોકોને સારા લાગે તેવા નિર્ણયો નહી, હિમંતની કિંમત

મુકેશ અંબાણીને ઉદ્દેશીને અમિત શાહે કહ્યું કે મુકેશભાઇ મને કહેતા હતા કે જીએસટી તેમના જેવા ઉદ્યોગો માટે સારૂં છે પરંતુ અમારા માટે રાજનૈતિક રીતે નુકશાનકારક હોઇ શકે છે. મેં તેમને તે સમયે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એવા નિર્ણયો લેતા નથી કે જે લોકોને સારા લાગે પરંતુ તેઓ એવા નિર્ણયો લેતા હોય છે કે જે લોકો માટે સારા હોય છે. સરવાળે હિંમતની કિંમત હોય છે.

ગુજરાત એ દેશમાં પેટ્રોનું હબ: રુપાણી

પીડીપીયુમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. વિદેશના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ માટે આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના સાતમા દિક્ષાંત સમારોહમાં મને ગૌરવ થઇ રહ્યું છે. દેશ અને રાજ્યની નવી પેઢીને ઉચ્ચ અભ્યાસ માટેની તકો અહીં મળે છે. ગુજરાત એ દેશમાં પેટ્રોનું હબ છે અને વિદ્યાર્થીઓ તેને વધુ મજબૂત બનાવી રહ્યાં છે.

આ દિશાંત સમારોહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને ન્યૂ ઇન્ડિયામાં સહભાગી બનવા અપીલ કરી હતી. આ સમારોહમાં 1042 વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

પાડોશી દેશ ભારતની સરહદનું ઉલ્લંઘન કરી શકશે નહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઉરીની ઘટના પછી ભારતે હવાઇ હુમલા કર્યા હતા અને દુનિયાને બતાવ્યું હતું કે અમે શાંતિનું સમર્થન કરીએ છીએ, જ્યારે પુલવામા પછી ભારતે સ્પષ્ટ કર્યું કે કોઇપણ પાડોશી દેશ ભારતની સરહદોનું ઉલ્લંઘન કરી શકશે નહીં.