શહેરમાં શાકભાજીની ખેતી

16 DECEMBER 2013
દેશમાં સૌપ્રથમ ટેરેસ ગ્રીનહાઉસનો અમદાવાદમાં પ્રયોગ

એસજી હાઇવે પર સંસ્કાર ફ્લેટના ૧૦૦૦ સ્કવેર ફૂટના ટેરેસ પર હાઇટેક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળા ગ્રીનહાઉસમાં ખેતીનો પ્રયોગ : શહેરમાં ખેતી ન જાણનાર ફ્લેટ કે મકાનમાલિકને ગ્રીનહાઉસ કંપની ત્રણ વર્ષ સુધી ખેતી કરી દર મહિને રૃપિયા ૮૫ હજાર કમાઈ આપશેઃ ઓર્ગેનિક ધાણા, લીલી ડુંગળી અને લીલા લસણનો પ્રયોગ કરાશેઃ રાજ્યભરમાં આ પ્રોજેક્ટનો અમલ થાય તો શહેરોમાં પણ ખેતી શરૃ થશે

ગ્રીનહાઉસ એટલે આરક્ષિત ખેતી, ખુલ્લા ખેતર કરતાં પાકનું બેથી ત્રણ ગણું ઉત્પાદન લેવા વાતાવરણને નિયંત્રિત કરી ખેડૂતોને કમાણી કરાવતી ટેક્નોલોજી એટલે ગ્રીનહાઉસ ટેક્નોલોજી. પરંતુ અહીંયાં ગ્રીનહાઉસથી પણ અત્યાધુનિક ટેક્નોલોજીની વાત થઇ રહી છે. શહેરમાં આલીશાન મકાન કે ફ્લેટના ટેરેસ પર ગ્રીનહાઉસ ઊભું કરવાની લોકો ક્લ્પનાઓ તો કરે છે પરંતુ આ વાસ્તવિક કરી બતાવ્યું છે અમદાવાદના સાહસિક ઉદ્યોગપતિની ખેડૂત બનવાની ઇચ્છાએ. ભારતભરમાં સૌ પ્રથમ વાર અમદાવાદમાં ૧૦૦૦ સ્કવેર ફૂટના ફ્લેટના ટેરેસ પર આધુનિક ટેકનોલોજીથી સજ્જ સોઇલલેસ અને ચાર લેયરવાળું ગ્રીનહાઉસ ઊભું કરાયું છે. કેમિકલના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની આગવી સૂઝબૂઝ અને વેપારમાં સાહસ કરવાની વૃત્તિને પરિણામે ચાર લેયરના કોકોપીટમાં વાવેતર કરાયેલા ધાણા, લીલી ડુંગળી અને કોથમીર, મરચી તેમજ ટામેટાં જેવા પાકોમાંથી વેપારી દર મહિને રૃપિયા ૮૫ હજારની કમાણી કરશે. ભારતભરમાં તદ્દન જ નવો આ કોન્સેપ્ટ આમ શહેરીજનોમાં સ્વીકારાય તો શાકભાજીના વધતા ભાવો કાબૂમાં લાવી શકવાની સાથે શહેરોમાં ફાજલ પડેલા ટેરેસમાં પણ સોઇલલેસ ખેતી કરી વર્ષે લાખોની કમાણી મેળવી શકય તેમ છે. જેની શરૃઆત અમદાવાદમાંથી થઇ છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલા સંસ્કાર ફ્લેટમાં રહેતાં મહેશભાઈ મહેશ્વરીએ ફ્લેટના ટેરેસ પર ૧૦૦૦ સ્કવેર ફૂટમાં શાકભાજીનું ખેતર બનાવ્યું છે એ પણ રેત વિનાનું. ફ્લેટના ટેરેસ પર એક પણ ખીલો માર્યા વિના ઊભા કરાયેલા ૧૦૦૦ સ્કવેર ફૂટનાં સ્ટ્રક્ચર અને ચાર લેયરના ગ્રીનહાઉસમાં ઊભી કરાયેલી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જોઇને દંગ રહી જવાય. ફ્લેટના ગેટ પર ઊભા રહીને ક્લ્પના પણ ન કરી શકાય કે શહેરની વચ્ચે આવેલા આ આલીશાન ફ્લેટના ટેરેસ પર શાકભાજીની ખેતી થાય છે. મહેશભાઇ મહેશ્વરી આમ તો કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ ખેડૂત બની ખેતી કરવાની ઇચ્છાએ ખેતીમાં એક નવો અધ્યાય શરૃ કર્યો છે. શહેરમાં મકાન કે ફ્લેટના ધાબા પર ગ્રીનહાઉસ ઊભાં કરી ખેતી કરવાની આ દેશભરમાં પ્રથમ પહેલ છે અને આ ટેક્નોલોજીનો અમલ થાય તો શહેરોમાં ખેતી કરવાનો એક નવો ટ્રેન્ડ શરૃ થશે. ફ્લેટના ટેરેસ પર કોકોપીટથી ખેતી કરવાની આ નવીન ટેક્નોલોજીનો કૃષિ વિભાગે પણ અમલ કરાવવાની જરૃરિયાત છે. દેશમાં વધતી જતી વસતી સામે અનાજનું ઉત્પાદન કરવાનો કૃષિ વિભાગ સામે પડકાર છે ત્યારે શહેરો એક નવો વિકલ્પ બનીને ઉભરી શકે છે.
સંસ્કાર ફ્લેટમાં રહેતા મહેશભાઈ મહેશ્વરીએ ગ્રીનહાઉસમાં ચાર લાઇનો ધરાવતા ચાર લેયરના ઊભા કરેલા સ્ટ્રક્ચરમાં એક સાથે પાક લઇ શકાતો હોવાથી ૧૦૦૦ સ્કવેર ફૂટના આ ગ્રીનહાઉસમાંથી ૪૦૦૦ સ્કવેર ફૂટના ગ્રીનહાઉસનું ઉત્પાદન લઈ શકાય છે. ગ્રીનહાઉસમાં કોકોપીટના ઉપયોગથી પાકમાં નીંદામણ કે રોગ-જીવાત આવવાનો પ્રશ્ન ઊભો જ થતો ન હોવાથી આ ગ્રીનહાઉસમાંથી સારામાં સારું ઓર્ગેનિક ઉત્પાદન મહેશભાઇ મેળવી રહ્યા છે. ગ્રીનહાઉસમાં પિયત માટે ડ્રિપ, વાતાવરણ નિયંત્રિત કરવા માટે ફોગર સિસ્ટમ અને ટેરેસ પર ગ્રીનહાઉસ હોવાથી ગરમીને કન્ટ્રોલમાં રાખવા ફેન એન્ડ પેડ સિસ્ટમનો પણ ઉપયોગ કરાયો છે.

ટેરેસ ગ્રીનહાઉસમાં આવક-જાવકનું સરવૈયું : ટેરેસ ગ્રીનહાઉસમાં આવક અંગે ગ્રીનહાઉસ બનાવતી ખાનગી કંપનીના સંચાલકના જણાવ્યા મુજબ, મહેશભાઇના ૧૦૦૦ સ્કવેર ફૂટના ગ્રીનહાઉસમાં ધાણાની, લીલી ડુંગળી અને લીલા લસણની ઓર્ગેનિક ખેતી કરવાનો પ્રોજેક્ટ છે. ધાણાનો પાક ૩૫ દિવસનો હોવાથી વર્ષભરમાં ૧૦ સીઝન ધાણાની લઇ શકાય છે. જેમાં ૬ મહિના ધાણાનો કિલોએ સરેરાશ ભાવ રૃપિયા ૩૫થી ૪૦ મળે છે. જ્યારે ઓફ સીઝનના ચાર મહિનામાં ધાણાનો ભાવ કિલોએ રૃપિયા ૧૦૦થી ૧૩૦નો મળતો હોય છે. ધાણાની ૧૦૦૦ સ્કવેર ફૂટમાં ખેતીથી ધાણાનું દર સીઝનમાં ૨.૫ ટન એટલે ર્વાિષક ૨૫ ટન ઉત્પાદન થાય છે. જેમાંથી ૧૫ ટન ધાણા ૩૦ રૃપિયે કિલો અને ૧૦ ટન ધાણાનો ભાવ રૃપિયા ૧૦૦થી ૧૩૦ મળી શકે છે. આમ સરેરાશ ધાણાની ખેતીમાંથી રૃપિયા ૧૫ લાખની કમાણી કરી શકાય છે. જ્યારે ધાણાની ખેતીમાં ખર્ચનું સરવૈયું ગણીએ તો ધાણાની ખેતીમાં ૧૦ સીઝનમાં બિયારણનો ખર્ચ રૃપિયા ૫૪ હજાર, ગ્રીનહાઉસમાં એક મજૂરનો ખર્ચ પ્રતિ મહિના રૃપિયા ૬ હજાર પ્રમાણે ર્વાિષક ૭૨ હજાર રૃપિયા, ખાતરનો રૃપિયા ૩૦ હજાર ખર્ચ, પાણીનો રૃપિયા ૩૦ હજાર ખર્ચ અને એગ્રોનોમિસ્ટનો ખર્ચ પ્રતિ મહિને રૃપિયા ૫૦૦૦ પ્રમાણે ૬૦ હજાર એટલે કુલ ખર્ચ ૨.૪૬ લાખ થાય છે.
આમ, ધાણાની ખેતીમાં ૧૨ લાખનો ચોખ્ખો નફો થાય છે. પરિણામે ટેરેસ ગ્રીનહાઉસ બનાવનાર ત્રણ વર્ષમાં જ બેન્ક લોન અને વ્યાજ સાથે રકમમાંથી મુક્તિ મેળવી શકે છે. આ ઉપરાંત ટેરેસ ગ્રીનહાઉસ ધારક કંપની સાથે આ પ્રકારનો કોન્ટ્રાક્ટ ન કરવા ઇચ્છે અને ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા પોતે સંભાળવા માગે તો ખાનગી ગ્રીનહાઉસ કંપનીને દર મહિને રૃપિયા ૪૦ હજારની ચૂકવણી કરે તો કંપની દાવા કર્યા પ્રમાણે પાકનું ઉત્પાદન અપાવવામાં મદદરૃપ થાય છે. આ બંને પ્રોજેક્ટમાં પાણી અને લાઇટનો ખર્ચ ગ્રીનહાઉસ બનાવનારે ભોગવવો પડે છે.
ગ્રીનહાઉસ એટલે શું?: વનસ્પતિ હોય, ફળ હોય કે ફૂલ દરેકને ચોક્કસ પ્રકારનું વાતાવરણ જોઇએ છે. જો અનુકૂળ વાતાવરણ ન હોય તો ફળ અને ફૂલનો યોગ્ય પ્રકારે વિકાસ થઈ શકતો નથી અને મૂરઝાઇ જતાં હોય છે. પ્રતિકૂળ વાતાવરણને પાકને અનુકૂળ વાતાવરણ કરી પાકનું વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ એટલે ગ્રીનહાઉસ. ગ્રીનહાઉસના બાંધકામમાં પારદર્શક પ્લાસ્ટિકના આવરણવાળી રચના કરવામાં આવે છે જેથી વનસ્પતિના વિકાસ માટે તેને કુદરતી સૂર્યપ્રકાશ મળી રહે છે. ગ્રીનહાઉસમાં ઉષ્ણતામાન, પ્રકાશ, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને નિયંત્રિત કરીને પાકનું બેથી ત્રણ ગણું ઉત્પાદન લઇ આવકમાં વધારો કરી શકાય છે.

ગ્રીનહાઉસ બનાવીને કમાણી કઈ રીતે થઈ શકે? : મકાન કે ફ્લેટના ટેરેસ પર ૧૦૦૦ સ્કવેર ફૂટના ગ્રીનહાઉસ સ્ટ્રક્ચર પાછળ ૨૦થી ૨૨ લાખ રૃપિયાનું આંધણ કર્યા બાદ આવક કેવી રીતે મેળવવી એ દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવવો એ સ્વાભાવિક છે. સાથે એ પણ પ્રશ્ન થાય કે નોકરી અને ધંધામાંથી નવરાશ જ મળતી ના હોય ત્યાં ખેતી કઈ રીતે કરવી. આ અંગે જવાબ આપતાં મહેશભાઈ મહેશ્વરી જણાવે છે કે, સૌ પ્રથમ મારા મનમાં પણ આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો, પરંતુ કોંક્રિટના જંગલમાં બનાવેલું મારું શાકભાજીનું ખેતર ટેરેસ ગ્રીનહાઉસના વ્યવસાય સાથે સંકળાયેલી ખાનગી કંપનીના ભરોસે છોડી દીધું છે. શહેરમાં ટેરેસ ગ્રીનહાઉસ બનાવવાનો પ્રોજેક્ટ નવો હોવાની સાથે સરકારી સબસિડીનો લાભ મળતો ન હોવાથી શરૃઆતમાં ૨૦થી ૨૨ લાખનો ખર્ચ થાય છે. જેમાં ટેરેસ ગ્રીનહાઉસ બનાવનારી ખાનગી કંપનીનો રોલ આવકમાં સૌથી મોટો હોય છે. ટેરેસ ગ્રીનહાઉસ સાથે સંકળાયેલી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરતાં ૭૦ દિવસ બાદ દર મહિને કંપની મહેશભાઇને ત્રણ વર્ષ સુધી ૮૫ હજારની આવક આપતી રહેશે.