શહેરોમાં વધી રહેલા મોબાઇલ ટાવરોથી ચકલીનું ડેસ્ટિનેશન ગૂમ

ટેલિકોમ કંપનીઓ તેમની નવી ટેકનોલોજીના આધારે નેટવર્ક કવરેજ અને ક્ષમતામાં સુધારો પણ કરી રહી છે જેના કારણે રેડિયેશન વધી રહ્યું છે 

ગાંધીનગર

ગુજરાતમાં મોબાઇલ નેટવર્ક માટે વિવિધ કંપનીઓએ 35 હજાર કરતાં વધુ મોબાઇળ ટાવરો લગાવ્યા છે ત્યારે હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તાર તરફ કંપનીઓએ નજર દોડાવી છે. એકલા અમદાવાદમાં 5721 જેટલા મોબાઇલ ટાવરો હોવાથી ચકલીઓ દૂર થઇ છે. અમદાવાદમાં ચકલીઓ ભાગ્યેજ જોવા મળે છે.

રાજયમાં 35 હજાર જેટલા ટાવરો


ગુજરાતમાં 34627 જેટલા મોબાઇલ ટાવરો છે જે પૈકી મોટાભાગના શહેરી વિસ્તારોમાં આવેલા છે. હવે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ પ્રોજેક્ટ હેઠળ સરકારે ગામડાઓમાં મોબાઇલ કનેક્ટિવિટી માટે મોબાઇલ ટાવરો લગાવવાનું શરૂ કર્યું છે ત્યારે શહેર છોડીને ગયેલી ચકલીઓને હવે ગામડાઓમાં પણ ચેન મળવાનું નથી. બેસ ટ્રાન્સિવર સ્ટેશન (બીટીએસ) ની સ્થાપના કરવા માટે ગુજરાતના 70 જેટલી નવી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે જ્યાં નવા મોબાઇલ ટાવર ઉભા કરવાની યોજના છે. રાજ્યમાં 20મી નવેમ્બર 2019 સુધી બીટીએસની સંખ્યા 134852 છે અને મોબાઇલ ટાવરની સંખ્યા 35 હજાર જેટલી થવા જાય છે.

ટાવરો વધ્યા, રેડીએશન વધ્યુ

ગુજરાતની વસતીને પહોંચી વળવા સરકારે બીટીએસની સંખ્યા વધારી છે પરંતુ હજી મોબાઇલ ટાવર ઓછા પડી રહ્યાં છે. દેશની ટેલિકોમ કંપનીઓ તેમની નવી ટેકનોલોજીના આધારે નેટવર્ક કવરેજ અને ક્ષમતામાં સુધારો પણ કરી રહી છે જેના કારણે રેડિયેશન વધી રહ્યું છે.

મોબાઇલ ફોનના રેડિયેશનથી માનવીના સ્વાસ્થ્ય પર ખતરો છે જ્યારે મોબાઇલ ટાવરના કારણે પક્ષીઓને જીવનો ખતરો છે. અમદાવાદ શહેરમાં સિમેન્ટ અને કોંક્રીટના જંગલો ઉભા થતાં ચકલીઓના રહેઠાણ નાશ પામ્યા છે તે બાબત તો સર્વસ્વિકૃત છે પરંતુ મોબાઇલ ટાવરના રેડિયેશનથી ચકલી જેવું ક્યુટ પક્ષી આસપાસ રહી શકતું નથી. હિન્દી ફિલ્મોની અભિનેત્રી જુહી ચાવલાએ રેડિયેશન નિયંત્રણ માટે અદાલતનો આશરો લીધો છે. મોબાઇલ ટાવરથી નિકળતા રેડિયેશન વિશ્વ માટે એક ગંભીર સમસ્યા બની છે. ટાવરથી નિકળતા રેડિયેશનથી થતા નુકસાનને જોતા મોબાઇલ ટાવર્સને હટાવાની માંગ તીવ્ર થઈ છે.

રેડિયેશનથી બ્રેન ટયુમર થવાની સંભાવના

તાજેતરમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે આ અંગે શોધ કરી અને રિપોર્ટ મુજબ મોબાઇલ ટાવરના રેડિયેશનથી બ્રેન ટ્યુમર થવાની સંભાવના વધુ હોવાનું જણાવ્યું છે. કે આ વિશ્લેષણ 22 અભ્યાસો પર કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ દુનિયાભરમાં 1996થી 2016 દરમિયાન કરવામાં આવ્યા હતા, જેમાં 46,452 લોકો પર આ અભ્યાસ કર્યા હતા.

ભારતમાં 13 લાખથી વધારે ટાવરો!

વર્ષ 2004 ઇઝરાઇલી શોધકર્તાએ એક શોધ કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે જે લોકો સ્થાપિત મોબાઇલ ટાવરના 350 મીટરના દાયરામાં રહે છે એવા લોકોને કેંસર થવાની સંભાવના ચાર ગણી વધી જાય છે. ઉપરાંત 2004માં જર્મન શોધકર્તાએ કહ્યું હતું કે, મોબાઇલ ટાવરથી 400 મીટરના દાયરામાં એક દાયકાથી રહેતા લોકોમાં અન્ય લોકોની સરખામણીએ કેન્સર થવાની સંભાવનાઓ વધારે હોય છે. બીજી તરફ મોબાઇલ ટાવરથી નિકળતા રેડિયેશન પર એચઆઇબીટીયુના પ્રોફેસર યદુવંશ સિંહે જણાવ્યું કે મોબાઇલથી વધારે નુકસાન તેના ટાવરથી છે. કારણ કે મોબાઇલનો ઉપયોગ આપણે સતત નથી કરતા પરંતુ ટાવર ચોવીંસ કલાક રેડિયેશન ફેલાવે છે. ભારતમાં અત્યારે 13 લાખથી વધારે મોબાઇલ ટાવરો અસ્તિત્વ ધરાવે છે.