શાહ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે મહત્વની બેઠક યોજશે

ગાંધીનગર, તા. 20

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે તેઓ પોતાના પૈતૃક ગામ માણસાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ એકમના પદાધિકારીઓ તેમ જ મુખ્યપ્રધાન સાથે પણ એક અતિ મહત્વની બેઠક યોજે એવી શક્યતાઓ છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરના સાંસદ હોવાથી તેમનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ સતત બનતો રહે છે અને લગભગ દર મહિને તેઓ ગુજરાત આવે છે.  તેઓ માણસા ખાતે તેઓ બહુચર માતાના મંદિરે આરતી કરશે, તો સાથે જ કેટલાક સરકારી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન હોવાના કારણે તમામ સુરક્ષા એજન્સી તેમના વિભાગ અંતર્ગત આવે છે જેથી આરએએફના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

આરએએફના સ્થાપના દિવસમાં હાજર રહેશે

આરએએફના દેશમાં 15 કેન્દ્રો છે જેમાં અમદાવાદ પણ મહત્વનું કેન્દ્ર છે. ત્યારે અમદાવાદ ખાતે 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં વાર્ષિક પરેડની સલામી ઝીલશે. આરએએફ દેશના સંવેદનશીલ અને રમખાણ ગ્રસ્ત વિસ્તારોમાં મહત્વની ફરજ બજાવે છે, ત્યારે તેના જવાનોને મળી રહેલી સુવિધાઓ અને કામગીરીની સમીક્ષા પણ આ તબક્કે કરશે. આમ તો આરએએફનો સ્થાપના દિવસ 7 ઓક્ટોબર છે પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાનનો અમદાવાદ પ્રવાસ પહેલેથી નિશ્ચિત હોવાથી 30 સપ્ટેમ્બરે આ ઉજવણી થશે અને તેમાં તેઓ હાજર રહેશે.

રાજ્ય પ્રધાનમંડળ અને પ્રદેશ ભાજપના નેતાઓને પણ મળશે

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી મહિને યોજાનારી રાજ્યની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી મામલે અમિત શાહ રાજ્યના મહત્વના પ્રધાનો ઉપરાંત પ્રદેશ ભાજપની નેતાગીરી સાથે એક મહત્વની બેઠક યોજશે. જેમાં આ પેટાચૂંટણીને લઈને રણનીતિને આખરી ઓપ આપશે. ઉપરાંત રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટના નિયમોના અમલમાં આવી રહેલી સમસ્યાઓ મામલે પણ તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમ જ અન્ય પ્રધાનો સાથે ચર્ચા કરશે.