અમિત કાઉપર
ગાંધીનગર, તા.28
ગાંધીનગરમાં ટેક્સી પાસિંગવાળાં વાહનો પ્રભાવ પાડવા માટે GOVT. OF GUJARAT લખીને ફરી રહ્યા છે. આવી અસંખ્ય ટેક્સી રાજ્યના માર્ગો પર ફરી રહી છે, પરંતુ રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસને આમાં કોઈ જાતનો ભંગ નથી દેખાતો. જોવાનું એ છે કે આવાં ગેરકાયદે વાહનોને સજા કરવામાં આવતી નથી કે આવાં લખાણો દૂર કરવામાં પણ આવતા નથી.
પાટનગરમાં સચિવાલય સંકુલ તેમજ અન્ય સરકારી કચેરીઓ જૂના સચિવાલય, ડો.જીવરાજ મહેતા ભવન વગેરે સ્થળોએ આવી ટેક્સી બેરોકટોક ફરી રહી છે. વાહનવ્યવહાર કમિશનરની કચેરીની બરાબર સામે આવેલા પાર્કિંગમાં ઘણા સ્લોટમાં આખો દિવસ આવી અનેક ટેક્સી પાર્ક થયેલી જોવા મળે છે.
ટેક્સી કાર સામે પગલાં લેવાના બદલે ટુ-વ્હીલર ચાલકો પાસેથી પીયુસી સર્ટિફિકેટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ, હેલમેટ જેવા અનેક ગુનાનો દંડ વસૂલ કરવામાં આવે છે.
પગલાં ભરીશું
આવી ગુનાઈત પ્રવૃત્તિને રોકવા માટે સરકાર તરફથી શું પગલાં ભરવામાં આવ્યાં તેવો સવાલ જ્યારે જનસત્તા દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે વાહનવ્યવહાર કમિશનર કચેરીના એક ઉચ્ચ અધિકારીએ એવો જવાબ આપ્યો કે અત્યાર સુધી તો આવાં કોઈ પગલાં અમે નથી લીધાં. આ વાહનોને દંડ તો જરૂર થયો હશે. વસૂલાયો પણ હશે. આવી પ્રવૃત્તિ બંધ થાય તેને માટે પણ ચોક્કસ પગલાં લઈશું.
વિધાનસભામાં નનૈયો
જામનગરના જોડિયાના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલે સરકારને આવી ટેક્સીઓ બેરોકટોક સચિવાલયમાં ઘૂમી રહી હોવા અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં વાહનવ્યવહાર મંત્રીએ જવાબ આપ્યો હતો કે સરકારના ધ્યાને આવાં કોઈ વાહનો આવ્યાં નથી અને તેથી કાર્યવાહી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી
સામાન્ય નાગરિક પર ટ્રાફિકના નવા નિયમો અને દંડની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ કરાવનારા ગુજરાત સરકાર અને તેના ટ્રાફિક વહીવટીતંત્રને સરકારી વાહનની આડમાં ચાલતી ટેક્સી તો જાણે દેખાતી જ નથી. આવી સંખ્યાબંધ ટેક્સી ઘણાં વર્ષોથી પાટનગર ગાંધીનગરમાં બેરોકટોક ફરી રહી છે, જેને બંધ નહીં કરવાની કઈ લાચારી સરકારને નડી રહી છે તે સમજી શકાતું નથી.