[:gj]અદાણી ગેસના અમદાવાદમાં 36 કરોડના વેરામાં કરોડોના ગોટાળા [:]

[:gj]પ્રશાંત પંડિત

અમદાવાદ, તા.૨૮

અમદાવાદ મહાનગર પાલિકામાં લોકોના મતોથી ચૂંટાઈને આવેલા ૧૯૨ કોર્પોરેટરો ઉદ્યોગપતિઓના ખોળે બેસી જતા અમદાવાદ શહેરના રસ્તા ખોદીને ગેસની પાઈપ લાઈન નાંખવાનું ભાડું રૂ.36 કરોડ વસૂલવાના થાય છે, તેમાં રૂ.5.65 કરોડનો વેરો ભરાયો નથી.

અદાણી ગેસ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા લોકોને પાઈપલાઈનથી ગેસ પુરો પાડવા માટે વેરા આકારણી વર્ષ ૨૦૦૪-૦૫થી રોડ ખોદીને ગેસ પાઈપલાઈન નાંખવામાં આવી છે. આમ છતાં અદાણી ગેસ પાસેથી અમપાએ વેરાની વસુલાત ૨૦૧૧ એટલે કે સાત વર્ષ બાદ શરૂ કરાઈ હતી. ૨૦૧૯-૨૦ સુધીના વર્ષમાં કુલ રૂ.૩૬ કરોડ લેવાના થાય એ સામે અદાણી ગેસનો ૫.૬૫ કરોડ ઉપરાંતનો વેરો ભરાયો નથી.

પ્રજા પર વેરાનો દંડો પછાડનારા ટેકસ વિભાગના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ચોકકસ રાજકીય નેતાના દબાણ હેઠળ અદાણી ગેસને 7 વર્ષ બાદ વેરાની વસુલાત કરવા મંજૂરી આપી હતી. સામજિક કાર્યકર પુનમ પરમારે  કહ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં અદાણી ગેસ દ્વારા શહેરના પાંચ ઝોનમાં ૨૦૧૯-૨૦ની સ્થિતિમાં અમપાને વેરા પેટે રૂ.૫,૬૫,૭૧,૯૫૮ રૂપિયા ચુકવવાના બાકી નીકળે છે.

માલેતુજાર અદાણીને વ્યાજ માફી, પ્રજાને રાહતો બંધ

શહેરમાં જો કોઈ કરદાતાને વેરો ભરવામા મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ વસુલવામાં આવે છે. સામાન્ય માણસને વ્યાજ માફીમાં રાહત ન આપનારું અમપાનું તંત્ર અદાણી ગેસને કરોડો રૂપિયાની વ્યાજની રકમમાં રાહત આપી છે. કમિશ્નર વિજય નહેરાએ પ્રજાને વેરામાં અપાતી રાહતો હમણાં જ પરત ખેંચી લીધી છે. પણ ભાજપના પ્રિય અદાણી સામે તેઓ નીચી મૂંડી રાખી રહ્યા છે. 20 લાખ મિલકત ધારકો પર વેરા ઝિંકી દીધા છે. મિલ્કત ખાલી કે બંધ હોય એનો વેરા લાભ, વહેલો વેરો ભરે તેને 10 ટકા રીબેટ તથા વ્યાજ માફીની ૪૦ વર્ષથી આપવામાં આવતો હતો. આનંદીબેન સરકાર સમયે સરકારે જંત્રીના ભાવ બમણા કરતા સતત ત્રણ વર્ષ સુધી અમદાવાદ શહેરના કરવેરા ધારકોને જંત્રી આધારીત વેરામાં પચાસ ટકા જેટલી રાહત અપાતી હતી એ પણ બંધ કરાવી છે.

મિલકત આકારણીમાં ગોટાળા

કાયદા મૂજબ દરેક મિલ્કતોની દર ચાર વર્ષે પુનઃ આકરણી કરવી ફરજીયાત છે. પણ અદાણી ગેસની 4 વર્ષ પછી વેરા આકારણી કરી નથી. પ્રજાને 8 વર્ષમાં 4 ગણો વેરો વધી ગયો છે. અમપાએ વેરામાં નુકસાન કર્યું છે. છતાં એક પણ અધિકારી સામે પગલાં લેવાયા નથી.

ભાડૂઆતના બદલે માલિક

અમદાવાદ મહાનગર પાલિકાની માલિકીની જમીનોમાં ભાડૂઆત તરીકે કે વહન હક્ક તરીકે લાઈન નાંખી છે તેથી ભાડૂઆત ના ધોરણે આકારણી કરવાના બદલે અદાણી જમીનના માલિક હોય એ રીતે સેલ્ફ તરીકે આકારણી કરીને 10 ટકા વેરાની ખોટ કરાવી છે.

વડી અદાલત પણ વિરૃદ્ધમાં

વેરા માટે અદાણી દ્વારા ઉચ્ચ ન્યાયાલયમાં દાવો કરાયો હતો જેમાં અમપાની તરફેણમાં ચુકાદો આપતા અદાણી ગેસે હવે સર્વોચ્ચ આદાલતમાં દાવો કર્યો છે. જે અનિર્ણિત છે.

1400 કરોડની કંપની

અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી અદાણી ગેસમાં ૭૪.૯૨ ટકા શેર હિસ્સો ધરાવે છે. દેશમાં સૌથી મોટી ખાનગી ગેસ કંપની તરીકે પાંચ વર્ષમાં રૂ.૮,૦૦૦ કરોડના રોકાણની અદાણીની યોજના છે. શહેર ગેસ વિતરણ દ્વારા વપરાશ સ્થાનિક ગેસ ઉત્પાદનના ૧૫થી ૧૮ ટકા છે. માગ ૨૫થી ૩૦ ટકા થશે. અદાણી ગેસે ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં રૂ.૧,૩૯૫ કરોડનું ટર્નઓવર કર્યું હતું. ૪૭૯ મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર્સ થયું છે. કંપનીની કામગીરીમાં સીએનજી અને પીએનજી ક્ષેત્રે અનુક્રમે ૧૨ ટકા અને ૨૩ ટકાનો વધારો થયો છે. અદાણી ગેસ હાલમાં અમદાવાદ, વડોદરા, ફરીદાબાદ અને ખૂર્જામાં શહેર ગેસ વિતરણ કરે છે. દેશના ૧૩ મોટા શહેરોમાં શહેર ગેસ વિતરણ નેટવર્ક સ્થાપવાનો અધિકાર અદાણી કંપનીને મળ્યો છે. ઈન્ડિયન ઓઇલ સાથેના સંયુક્ત સાહસમાં ૧૮ વિસ્તારોમાં કામગીરીનું વિસ્તરણ કરશે.

 

 [:]