ગાંધીનગર,તા.16
ફિઝિયોથેરાપી અને નર્સિગમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૮૨ બેઠકો માટે વિદ્યાર્થીઓે આપેલી ચોઇસના આધારે આજે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેમાં ૩૩૫ વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ અને ૪૭ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.
ધો.૧૨ પછીના નીટ વગરની પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઇન રાઉન્ડ કર્યા પછી સરકારી કોલેજની ૩૮૨ અને સ્વનિર્ભર કોલેજોમાં ૧૦ હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. સ્વનિર્ભર કોલેજોની બેઠકો ભરવાની સત્તા કોલેજોને સોંપી દેવામાં આવી હતી પણ સરકારી કોલેજોમા ખાલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવામાં આવ્યો હતો સરકારી કોલેજમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ ઇચ્છતાં હોય તેમને ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગની કાર્યવાહી પૂર્ણ કરી તેઓને આજે કોલેજની ફાળવણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ત્રીજા રાઉન્ડમાં ૩૩૫ વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ લીધા છે. જયારે ૧૭૧ વિદ્યાર્થીઓે એવા છે કે જેઓના પ્રવેશ એક કોલેજમાંથી બીજા કોલેજમાં ટ્રાન્સફર થયા છે. ત્રીજા રાઉન્ડના અંતે કુલ ૫૦૬ વિદ્યાર્થીઓે એવા છે કે જેઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓએ હવે આગામી તા.૧૯મી સુધીમાં જે તે કોલેજમાં જઇને રિપોર્ટિંગ કરવાનુ રહેશે.
47 વિધાર્થીઓ ખાનગી માંથી સરકારીમાં ટ્રાન્સફર
આજની કાર્યવાહી અંગે પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, ત્રીજા રાઉન્ડમાં કુલ ૪૭ વિદ્યાર્થીઓે એવા છે કે જેઓએ અગાઉ સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ સરકારી કોલેજોની ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી કાર્યવાહી શરૂ કરવામાં આવતાં તેઓ સ્વનિર્ભર કોલેજ છોડીને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે આગામી દિવસોમાં ૧૯મી સુધીમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ ન કરાવે તેની બેઠકો ખાલી પડશે આ બેઠકો માટે હવે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી.