કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓની નિયુક્તિ પાછી ખેંચી તેમના સ્થાને રાજકીય નિયુક્તિ કરવા માગ
રાજ્યમાં ભાજપના સંગઠન પર્વમાં તાલુકા સ્તર થી પ્રદેશ સંગઠનની સંરચના કરી દેવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં નવા પ્રમુખ સહિત પ્રદેશ માળખું તેમજ વિવિધ સેલના હોદ્દેદારોની નિયુક્તિ પણ થવામાં છે ત્યારે ફરી એકવાર ભાજપની સંગઠન પાંખના સિનિયર નેતાઓએ રૂપાણી સરકાર માટે દબાણ શરૂ કર્યું છે. ખાલી પડેલા બોર્ડ નિગમોમાં અધિકારીઓની નિયુક્તિ પાછી ખેંચી તેમના સ્થાને રાજકીય નિયુક્તિ કરવા માટેની માગણી શરૂ કરવામાં આવી છે. રાજ્યના ચાલુ 42 પૈકી 25થી વધુ બોર્ડ નિગમોમાં ચેરમેન અને ડિરેક્ટર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાર્ટીના ઓછામાં ઓછા 2000 લોકોને સાચવી શકે છે. ચૂંટણી સમયે પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવાની તનતોડ મહેનત કરનારા આ નેતાઓને સરકારમાં કોઇ સ્થાન નથી. મંત્રીમંડળમાં જે ધારાસભ્યો સ્થાન પામ્યા છે તે ઉપરાંતના સભ્યોને સરકારમાં કોઇ હોદ્દો મળ્યો નથી. ભાજપના ધારાસભ્યોમાં પણ કચવાટ શરૂ થયો છે. ખાસ કરીને રાજ્યના આઠ શહેરોના શહેરી વિકાસ સત્તામંડળોમાં રાજકીય આગેવાનના સ્થાને અધિકારીઓનું રાજ ચાલે છે.
સંગઠનની સરકાર સામે નારાજગી
રાજકીય નિયુક્તિ નહીં થતાં ભાજપના મોટાભાગના કાર્યકરો અને પ્રદેશના નેતાઓ સરકારની કાર્યપદ્ધતિથી નારાજ છે. રૂપાણી સરકારમાં અત્યાર સુધી ત્રણ વખત બોર્ડ નિગમોમાં નિમણૂકો કરવા માટેનું દબાણ કરવામાં આવ્યું છે પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકપણ નિયુક્તિ કરતા નથી તેથી સંગઠનના સિનિયર નેતાઓ અને સરકાર વચ્ચે ખટરાગ વધી રહ્યો છે.
માત્ર વાયદાઓ
ભાજપના કાર્યકરોને માત્ર વાયદા કરવામાં આવે છે. કોંગ્રેસમાંથી ધારાસભ્યને લેવા હોય તો ચૂંટાયા વિના આઠ કલાકમાં રૂપાણી સરકાર કેબિનેટ મંત્રી બનાવી દે છે પરંતુ પાર્ટીના પાયાના કાર્યકરોનો ભાવ પૂછવામાં આવતો નથી. રાજ્યના સરકારી સાહસોમાં માત્ર પાંચ થી સાત વ્યક્તિની નિયુક્તિ થઇ છે અને મોટાભાગના બોર્ડ નિગમોમાં ખાલી જગ્યા અધિકારીઓથી ભરવામાં આવી છે.
બોર્ડ નિગમોમાં અધિકારીઓની પસંદગી
રાજ્યના સાત નિગમો એવાં છે કે જેમાં કેબિનેટ કક્ષાનું પદ છે છતાં તેમાં આજે અધિકારીઓનું શાસન ચાલે છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સમયમાં બોર્ડ નિગમોમાં ખાલી પદો રાજકીય નિયુક્તિથી ભરી દેવામાં આવ્યા હતા. પાર્ટીએ જે તે સમયે ધારાસભ્યોને સરકારમાં હિસ્સેદાર બનાવ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી બોર્ડ નિગમોમાં અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે જે રૂપાણી સરકારમાં પણ ચાલુ રહી છે, પરિણામે સંગઠનના નેતાઓ સરકારની નીતિરીતિથી નારાજ છે.
વિધાનસભાની ટિકીટ ન આપીને બોર્ડમાં નિમણુકની લાલચ અપાઈ હતી
બોર્ડ નિગમમાં નિમણૂકોની રજૂઆત કરવા ગયેલા ભાજપના નેતાઓને ખરાબ અનુભવ થયા હોવાના પણ કિસ્સા ધ્યાનમાં આવ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓ ધારાસભાની ચૂંટણી લડવાની કાબેલિયત ધરાવતા હતા પરંતુ તેમને ટિકીટ આપવામાં આવી ન હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તમને બોર્ડ નિગમમાં મૂકવામાં આવશે પરંતુ સરકારે તે વચન પાળ્યું નથી. કેટલાક નેતાઓને કહેવામાં આવ્યું કે તમે હાઇકમાન્ડ ની મંજૂરી લઇ આવો ત્યારપછી અમે નિમણૂક કરીશું. હાઇકમાન્ડ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાની સલાહ આપવામાં આવે છે.
પાર્ટીનો આંતરિક ઝઘડો
પાર્ટીના સૂત્રો કહે છે કે બોર્ડ નિગમોમાં નિમણૂકો નહીં થવાનું મુખ્ય કારણ પાર્ટીનો આંતરિક ઝઘડો છે. થોડાં સમય પહેલાં 25 જેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી પરંતુ તેમાં ચોક્કસ જૂથના આગેવાનોના નામ હોવાથી વિવાદ થયો હતો જેથી હાઇકમાન્ડની સૂચનાથી યાદી પ્રમાણે નિયુક્તિ કરવામાં આવી નથી. કહેવાય છે કે પ્રદેશ ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે. રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે.