સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી

ગાંધીનગર, તા. 14

રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાનો સંકલ્પ પણ કર્યો હતો.

વિદ્યાર્થીઓ લડી લેવાની તૈયારી

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ધોરણ-12 પાસના સ્થાને ગ્રેજ્યૂએટની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ માટે મોટી સંખ્યામાં કર્મયોગી ભવનમાં રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓએ ભવનને સૂત્રોચ્ચાર દ્વારા ગજવી દીધું હતું. ગ્રેજ્યૂએટના સ્થાને ધોરણ-12 પાસ લાયકાત રાખવા માટે વિદ્યાર્થીઓએ ઉગ્ર માગણી કરી હતી. કર્મયોગી ભવનમાં આવેલા વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટીસના નારા લગાવ્યા હતા. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં વિરોધ પ્રદર્શ કરવા બેસી ગયા હતા. રજૂઆત કરવા આવેલા સુરેશ શ્રીમાળીએ કહ્યું હતું કે, જ્યાં સુધી સરકાર પોતાના નિર્ણયને નહિ બદલે ત્યાં સુધી અમે અમારું આંદોલન કરતાં રહીશું. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, સરકારે પહેલા ધોરણ 12ની લાયકાત નક્કી કરી અને પછી જ્યારે પરીક્ષાની તારીખ નજીક આવી ત્યારે જ પરીક્ષા રદ્દ કરીને નિયમો બદલીને ગ્રેજ્યૂએટ લાયકાત કરી જે અમારા જેવા યુવાનોનું ભાવિ અંધકારમય કરવાનું ષડયંત્ર છે. સરકાર આ પ્રકારે અચાનક નિયમો બદલીને પોતાના મળતિયાઓને જ આ જગ્યાઓ પર મૂકવા માંગે છે. તો અન્ય એક વિદ્યાર્થી ચંદ્રકાંત કહે છે કે જો સરકાર અમારી તરફેણમાં નિર્ણય નહિ કરે તો આગામી દિવસોમાં અમે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને સરકારની સામે છેલ્લે સુધી લડી લઈશું.

વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની ચીમકી આપી

દરમિયાનમાં પાલિતાણાના એક વિદ્યાર્થીનો સોશિયલ મીડિયામાં એક વીડિઓ વાયરલ થયો છે. બિન-સચિવાલય કલાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવતા આ વિદ્યાર્થીએ સરકારને ચીમકી આપી છે. પરીક્ષા લેવામાં નહિ આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આ વીડિયોમાં આપવામાં આવી છે. સરકારની નીતિ રીતિ સામે વિદ્યાર્થીએ રોષ ઠાલવી સરકાર સામે આકરા પ્રહારો પણ તેણે કર્યા છે. આ વિદ્યાર્થી વીડિયોમાં બોલી રહ્યો છે કે, પરીક્ષા લેવામાં નહિ આવે તો અમે આત્મવિલોપન સુધી જતા ખચકાઈશું નહિ. અમે છેલ્લા તબક્કા સુધી તમને છોડીશું નહિ.

3738 જગ્યા માટે 10.45 લાખ અરજીઓ

ગુજરાત સરકાર દ્વારા 3738 જેટલી બિનસચિવાલય ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને આગામી 20 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષા માટે ધોરણ 12 પાસ હોય એવા મોટાભાગના ઉમેદવારોએ અરજી કરી હતી.