ગાંધીનગર, તા. 20
ગાંધીનગરનાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુ સિંહ આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંથી તે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાને મળવા માટે નીકળી હતી. લીનુ સિંહ પોતાની પુત્રીનાં હક્ક માટે આવી છે અને તેણે સ્પષ્ટ કહ્યું કે, આ પુત્રી અમારી જ છે અને હું તેની સાબિતી માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પણ તૈયાર છું.
મુખ્યમંત્રી રૂપાણીએ ન આપ્યો સમય
સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં પીડિતા લીનુ સિંહ આજે દિલ્હીથી અમદાવાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળવા આવી હતી. પરંતુ મુખ્યપ્રધાન રૂપાણી અગાઉથી અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનાં કારણે તેને મળવાનો સમય આપ્યો નહોતો. અને આમ પીડિતા લીનુ સિંહને માત્ર રાજ્ય પોલીસ વડા અને મહિલા આયોગનાં ચેરપર્સનને મળીને જ પોતાની રજૂઆત કરવી પડી હતી.
રાજ્ય પોલીસ વડાને મળી પીડિતા
પીડિતા મહિલા લીનુ સિંહ રાજ્યનાં પોલીસ વડાને મળી હતી અને તેણે દહિયા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજીઆપી છે અને કહ્યું છે કે, દહિયા તેની પુત્રીને સ્વીકારવા તૈયાર નથી, તેને લઈ તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણી પણ કરી છે.જ્યાં પોલીસે તેને ન્યાય અપાવવાની બાંહેધરી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.
મહિલા આયોગમાં રજૂઆત
ત્યારબાદ લીનુ સિંહ મહિલા આયોગ પહોંચી હતી જ્યાં તેણે પોતાની વાત રજૂ કરી હતી. મહિલા આયોગ દ્વારા લીનુ સિંહને તટસ્થ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ મામલે ગુજરાત મહિલા આયોગનાં ચેરપર્સન લીલાબહેન અંકોલિયાએ કહ્યું કે, પોલીસ અને મહિલા આયોગ આ કેસમાં તપાસ કરી રહી છે. પીડિતા લીનુ સિંહે મહિલા આયોગ સમક્ષ પુરાવા રજૂ કર્યા છે અને તેણે આયોગને કહ્યું છે કે, જ્યારે બોલાવશો ત્યારે આવીશ. આ સંજોગોમાં અંકોલિયાએ એવું પણ કહ્યું કે, તેણે લગ્નનાં પુરાવા હજુ સુધી આપ્યા નથી. આ ઉપરાંત બીજી વખત વધુ આધાર પુરાવા લઈને આવશે એવું પણ લીનુ સિંહે જણાવ્યું છે. સાથે સાથે દહિયાનાં મેસેજ અને ભરણપોષણ માટે જે પણ આપ્યું છે તે તમામ પુરાવા લઈને ફરી આવશે. ગાંધીનગર પોલીસને જાણ કરી છે. ગૌરવ દહિયાને પોલીસ અને મહિલા આયોગે પણ બોલાવ્યા છે અને તેઓએ હાજર થવું પડશે.
પીડિતાનું નિવેદન
પીડિતાએ આરોપ મુકતાં કહ્યું કે, આ મામલે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ જાણકારી નહોતી. સાથે તેણે એવું પણ કહ્યું કે, મુખ્યપ્રધાન, રાજ્યનાં પોલીસ વડા તેમ જ ગાંધીનગરનાં એસપીને મળીને રજૂઆત કરીશ. અને જ્યાં સુધી ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી અહીંથી જઈશ નહિ એવું પણ ઉમેર્યું હતું. તેણે કહ્યું કે, મારી પુત્રીને તેના તમામ હક્કો મળવા જોઈએ અને તેના માટે મારી રજૂઆત કરીશ ઉપરાંત હું મહિલા આયોગ અને ગૌરવ દહિયાની તપાસ કરનાર સમિતિને પણ મળવા માંગું છું. આ તમામ લોકોને મળીને હું મારી રજૂઆત કરીશ. જોકે, પીડિતાએ કહ્યું કે, આ લોકોએ તેને મળવાનો હજુ સમય આપ્યો નથી.
લીનુ સિંહે એવું પણ કહ્યું કે, તે દિલ્હી છોડીને ગુજરાતમાં સ્થાયી થવા માંગે છે અને ત્યાંથી તમામ જરૂરી કાર્યવાહી પૂરી કરીને અહીં હંમેશ માટે સ્થાયી થઈશ. આ ઉપરાંત રાજ્ય સરકારે દહિયાને સસ્પેન્ડ કર્યા છે તેનાથી તેને સંતોષ નહિ હોવાનું કહી લીનુ સિંહે કહ્યું કે, ગૌરવ દહિયાને ડિસમિસ કરવા જોઈએ જેથી તેઓ સસ્પેન્શનમાં પોતાના હોદ્દાનો દુરૂપયોગ ન કરી શકે અને તેને અને તેની પુત્રીને યોગ્ય ન્યાય મળે.
શું છે કથિત પ્રેમ પ્રકરણ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના આઈએએસ ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ છેતરપીંડીની ફરિયાદ કરી હતી.આ મામલે ગૌરવ દહિયા સામે ગુજરાત સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. દરમિયાન મહિલાની ફરિયાદના આધારે દહિયાને નોટિસ પણ આપવામાં આવી હતી. સરકારે કથિત પ્રેમ પ્રકરણમાં દહિયાએ પોલીસને સાથ ન આપતાં રાજ્ય સરકારે દહિયાને સસ્પેન્ડ કર્યાં છે. આ મુદ્દે સોમવારે આ મામલે દહિયા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને ગાંધીનગર પોલીસ આ મામલે તેમનું કાર્યક્ષેત્ર ન હોવા છતાં હેરાનગતિ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે કોર્ટેરાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.