અમદાવાદ, તા.11
સુરક્ષિત અને સલામત ગુજરાતની મોટી મોટી વાતો કરતી વિજય રૂપાણીની સરકારમાં મહિલાઓની સુરક્ષાની ધજ્જિયાં ઊડાવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના તાબા હેઠળનું શિક્ષણ ખાતું તદન ખાડે ગયું હોય એવી સામાન્યજનને કંપાવી દેનારી ઘટના તેમના જ મતવિસ્તારમાં બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના સાણંદના ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં ૧૬ મહિલા શિક્ષિકાઓ છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા આપવામાં આવતાં ત્રાસ અને માનસિક હેરાનગતિથી કંટાળીને આજે રજૂઆત અને ફરિયાદ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં આવી પહોંચી હતી. આ મહિલાઓએ ગ્રામજનોથી ત્રાસીને તાકીદે તમામની ટ્રાન્સફર અન્ય સ્કૂલોમાં કરવાની પણ માગણી કરી છે. આ મહિલાઓએ એવી રજૂઆત કરી હતી કે, હવે આ ગામમાં નોકરી કરી શકાય તેમ નથી. જયાં સુધી બદલી કરવામાં નહી આવે ત્યાંસુધી નોકરી ન કરવાનો નિર્ણય પણ તેઓએ ડીપીઓ સમક્ષ રજૂ કર્યો હતો. રજૂઆત કરવા આવેલી શિક્ષિકાઓ આપવિતી જણાવવા દરમિયાન રિતસર બાંગી પડી હતી અને ચોધાર આંસુએ રડતી જોવા મળી હતી. આ રજૂઆત બાદ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બે સભ્યો તપાસ માટે મોકલવામાં આવ્યા અને મહિલાઓને સાંભળવામાં આવી હતી.
સાણંદના ઝોલાપુરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં તમામ ૧૬ મહિલા શિક્ષિકાઓ ફરજ બજાવે છે. થોડા મહિનાઓ પહેલાં આ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા મહિલાઓને ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ બહાર આવી હતી. આ પ્રિન્સિપાલ ભૂપેન્દ્ર સિંહના ખાસ માણસ હોવાનું કહીને દાદાગિરી કરી રહ્યા છે. તમામ શિક્ષક મહિલા અને પ્રિન્સિપાલ પુરુષ હોવાથી ગત મહિને આ પ્રિન્સિપાલની અન્યત્ર બદલી કરી દેવામાં આવી હતી. બદલી કરાયા બાદ હજુ સુધી આ પ્રિન્સિપાલ અન્ય શાળામાં હાજર પણ થયા નથી. મહિલા શિક્ષિકાઓના કહેવા પ્રમાણે આ પ્રિન્સિપાલ ગામમાં આવીને ગ્રામજનોને ઉશ્કેરણી કરતો હતો. આ તમામ મહિલા શિક્ષિકાઓની ફરિયાદના કારણે પોતાની ટ્રાન્સફર થઇ હોવાનું ગ્રામજનોને જણાવીને પોતાના સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડી લેવા માટે દબાણ કરતો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિઓને લઇને ઉશ્કેરાયેલા અંદાજે ૨૦૦થી વધારે ગ્રામજનો આજે સ્કૂલમાં પહોંચી ગયા હતા. સ્કૂલમાં જઇને ગ્રામજનોએ શિક્ષિકાઓ સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. એટલું જ નહીં બેફામ લવારી કરીને કેટલી મહિલા શિક્ષિકાઓ સાથે હાથાપાઇ પણ કરી હતી. મહિલા શિક્ષિકાઓના કહેવા પ્રમાણે આ પ્રિન્સિપાલની ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ એક મહિલા શિક્ષિકાને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગ્રામજનોએ આ ઇન્ચાર્જ પ્રિન્સિપાલને લાત મારીને હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોની આ પ્રકારની હરકત બાદ મહિલા શિક્ષિકાઓએ પોલીસને જાણ કરવા ઉપરાંત શિક્ષણ વિભાગને પણ જાણ કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી એટલે કે સોમવારે બનેલી આ ઘટના પછી હજુ સુધી શિક્ષણ વિભાગમાંથી કોઇ તપાસ માટે પણ ન જતાં ભયના ઓથાર હેઠળ જીવતી આ ૧૬ મહિલા શિક્ષિકાઓએ આજે ડીપીઓ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પર આવી પહોંચી હતી. આ મહિલા શિક્ષિકાઓે તાકીદે આ ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવાની માગણી કરી હતી. આ ઉપરાંત હવે ગ્રામજનો ઉશ્કેરાઇને મહિલા શિક્ષિકાઓ સાથે અભદ્ર વર્તન કરીને હુમાલાઓ પણ કરતાં હોવાથી એકપણ મહિલા શિક્ષિકા આ સ્કૂલમાં ફરજ બજાવવા તૈયાર ન હોવાથી તાકીદે તમામની બદલી કરવાની પણ માગણી કરી હતી. મહિલા શિક્ષિકાઓના કહેવા પ્રમાણે આજે ડીપીઓ સમક્ષ રજૂઆત કરી છે. તેઓએ યોગ્ય પગલાં ભરવાની ખાત્રી આપી છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધારે વિવાદ ઊભો થાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
મહિલા સુરક્ષા અને મહિલા સશકિતકરણની માત્ર વાતો !
સરકાર દ્વારા એક બાજુ મહિલા સશિક્તિકરણ અને મહિલા ઉત્કર્ષની વાતો કરવામાં આવે છે ત્યારે સોમવારે બનેલી આ ઘટના બાદ હજુસુધી શિક્ષણ વિભાગના એકપણ અધિકારી આ ઘટનાની રૂબરુ તપાસ કરવા માટે પણ ગયા નથી. એટલું જ નહીં જે પ્રિન્સિપાલની ટ્રાન્સફર કરવામાં આવી છે તે ગામમાં આવીને ગ્રામજનોને મહિલા શિક્ષિકાઓ વિરુધ્ધ ઉશ્કેરતો હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રિન્સિપાલની બદલી કર્યા પછી તે પોતાની નવી જગ્યાએ હાજર પણ થયો નથી છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોવાની ફરિયાદ આજે મહિલા શિક્ષિકાઓએ કરી હતી.