સુરત કાપડ બજારના 14માંથી 11 માળ બળીને ખાક

સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે સવારે ૩ વાગ્યે લાગેલી આગ રાત્રે સાડા બાર વાગ્યે 30 કલાક પછી કાબૂ મેળવાયો હતો. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિન્થેટીક કાપડના કારણે આગ બુઝાવવી મુશ્કેલ બની હતી.

આગના પગલે ઈમારતનો કાટમાળ નીચે પડી રહ્યો છે. આખી માર્કેટ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગના પગલે ૧૪ માળની માર્કેટના ૧૧ માળ તો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે. દિવાલોમાંથી સિમેન્ટ પડીને સળીઓ બહાર આવી ગયેલા નજરે પડી રહ્યા છે.

આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું હોવાથી 22 જાન્યુઆરી 2020 સુધીમાં કુલીંગ કરવામાં આવી રહ્યું છે. આગના લપકારાના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે.

ફાયર બિગ્રેડની ૭૦ થી વધુ ગાડીઓ સાથે ૫૦૦ થી વધુ કર્મચારીઓ કામે લાગેલા હતા.

માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્‌ટીને લઈને ચર્ચા કરવામાં આવશે. આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે. ૭૫૦ ડિગ્રી તાપમાન પર એલ્યુમિનિયમ પિગળવા લાગ્યું હતું. લોખંડની જાળીઓ, એલિવેશનના પતરાં તૂટીને નીચે પડી રહ્યા છે.  આગના કારણે માર્કેટની દુકાનોના બારીઓના કાચ તૂટી પડ્‌યા હતા.

રૂ.૩૦૦ કરોડનો માલ ખાક થઈ ગયો હોવાનું અનુમાન છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે. પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ કરી છે. આગ પર કાબુ મેળવવા બાદ બિલ્ડિંગને સીલ કરવાની કામગીરી માટે સુચના આપવામાં આવી છે.