સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો

અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ખાતે રહેતી અજોબે (મૂળ નાઈજીરીયન) વતી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાઓડેરા હેલ્થ કેર પ્રોડકટ કંપનીએ પોતાની પ્રોડક્ટ રેન્જ વધારવા અને એબસોરબન્ટ કોટન વુલનું ઉત્પાદન વધારવા માટે મશીનરી ખરીદવાનું નક્કી કર્યું હતું. કંપનીમાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે નોકરી કરતી અજોબેએ વેબસાઈટ પર સર્ચ કરી ગાંધીનગરની અન્સુ મેડીટેક કંપનીનો ઓગસ્ટ-2017માં સંપર્ક કર્યો હતો. સી.જી.રોડની પાછળ હોટલ નેસ્ટ પાસે આવેલી પાર્થ મિલન બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા કંપનીના માલિક અનીરબનકુમાર દાસને 250 કિલો કોટન વુલ મશીનનો ઓર્ડર આપ્યો હતો. અનીરબનકુમાર દાસે 30 દિવસમાં મશીનની ડિલીવરી આપવાની તેમજ નાઈજીરીયન કંપનીના ખર્ચે મશીન કાર્યરત કરી સાત દિવસ સ્ટાફને ટ્રેનિંગ આપવાની ખાતરી આપી હતી.
અનીરબનકુમારે જાન્યુઆરી-2018માં 50 હજાર ડોલરનું ઈનવોઈસ નાઈજીરીયન કંપનીને મોકલી આપતા જુન-2018માં નાઈજીરીયન કંપનીએ 10 હજાર ડોલર પેમેન્ટ આપ્યું હતું. 10 હજાર ડોલર ચૂકવ્યા બાદ અજોબે 21 જુન 2018ના રોજ ભારત આવી હતી અને મશીનનું નિરિક્ષણ કરતા તે ઓર્ડર મુજબનું નહી હોવાથી અનીરબનકુમાર તેને બે ફેકટરીમાં લઈ ગયા હતા. મશીન બતાવ્યા બાદ અનીરબનકુમારે ડોલર માંગતા આશ્રમ રોડ પર આવેલી હોટલમાં અજોબેએ 3700 ડોલર રોકડા આપ્યા હતા. ત્યારબાદ બે તબક્કામાં 13,300 ડોલર કોટન વુલ મશીન પેટે ચૂકવવામાં આવ્યા હતા. કુલ 27 હજાર ડોલર ચૂકવી દીધા બાદ અજોબે અનીરબનકુમાર દાસનો સંપર્ક કરતા તેણે બોયલર તૈયાર નથી તેમ કહેતા અજોબેએ કસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવા બોયલર સિવાયની મશીનરીના બિલ મોકલી આપવા જણાવ્યું હતું. જો કે, અનીરબનકુમારે બીલ કે મશીન નહીં મોકલી આપી છેતરપિંડી આચરી છે.