સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે એક વર્ષમાં 26 લાખ પ્રવાસી, સરકારને 57 કરોડની આવક

ગાંધીનગર,તા.22
ગુજરાતમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દધાટનને 31મી ઓક્ટબરે એક વર્ષ થશે ત્યારે છેલ્લાએક વર્ષમાં આ મથકની મુલાકાતે 26 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઇ પટેલના 182 મીટર ઉંચા સ્મારકને ખુલ્લું મૂક્યું હતું. પ્રવાસીઓની મુલાકાતને કારણે સરકારને અત્યાર સુધીમાં કુલ 57 કરોડ રૂપિયાની આવક થઇ છે.

વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 12.35 લાખ
રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે 1લી નવેમ્બર 2018થી 13મી સપ્ટેમ્બર 2019 સુધીમાં 26 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે જે પૈકી મોટાભાગના ગુજરાતના પ્રવાસીઓ છે. ગયા વર્ષે ગુજરાતમાં આવેલા પ્રવાસીઓની સંખ્યા 5.75 કરોડ હતી જે પૈકી સૌથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હોવાની ધારણા છે. જો કે રાજ્યમાં વિવિધ સ્થળોએ આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 12.35 લાખ હતી.

રાષ્ટ્રીય કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને
હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3000 કરોડના ખર્ચે આ પ્રવાસન ધામનો વિકાસ કર્યો છે. એક વર્ષમાં બે વખત વડા પ્રધાન આ સ્થળે રાષ્ટ્રીય કોન્ફરન્સ કરે છે. આ વર્ષે પણ 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય  કોન્ફરન્સ થવાની છે.

દેશભરમાંથી લોખંડનો ભંગાર મંગાવવામાં આવ્યો
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ પાસે સાધુ બેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી લોખંડનો ભંગાર મંગાવવામાં આવ્યો હતો. નર્મદા બંધથી સાડા ત્રણ કિલોમીટરના અંતરે આ પ્રતિમા આવેલી છે. ગુજરાત સરકારે આ સ્થળે જંગલ સફારી પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના 15 જેટલા વિવિધ આકર્ષણો ઉભા કર્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જતા પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ પ્રતિમા છે. એ ઉપરાંત પ્રદર્શન હોલ, વોલ ઓફ યુનિટી, લેઝર લાઇટ્સ એન્ડ સાઉન્ડ શો, વેલી ઓફ ફ્લાવર્સ અને જંગલ સફારી મુખ્ય છે. એ ઉપરાંત નૌકા વિહાર, રીવર રાફ્ટિંગ, હેલિકોપ્ટર, ઇકો ટુરિઝમ, ટ્રેકીંગ અને બર્ડ વોચિંગ પણ મહત્વના સ્થળો છે

પીએમની ગુજરાત મુલાકાત

31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારના વિભાગો કેવડિયા ના બ્યુટીફિકેશનના કામમાં લાગી ચૂક્યાં છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારી ઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે વિવિધ કામોનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

મોદીની સાથે દેશના આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઇઆરએસ ઓફિસરો ગુજરાતનીમુલાકાતે આવવાના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે જે કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે તેમાં વિશ્વબેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ પણ ઉપસ્થિત રહેવાના છે.દેશના ઉચ્ચ અધિકારીઓ સાથે મોદી દેશની  ઇકોનોમીની ચર્ચકરશે.2024 સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા રાખવામાં આવી છે. આ સ્થળે વિશ્વભરના શિક્ષાવિદ્દોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જ્યાં ત્રણ દિવસની કાર્યશાળા યોજવામાં આવી છે.