ગાંધીનગર,તા.28
ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી.
એનઓસી માટે કોઈ અધિકારી મજબુર નહી કરી શકે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવક અને યુવતિ અંગેના અહેવાલ અંગે વિચારણા કરવા કહ્યું છે. આ પ્રકારના દંપત્તિ સરકારની યોજનાઓનો ઉપયોગ કરી શકે છે. યુવતિના માતા-પિતા પાસે નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (એનઓસી) પ્રાપ્ત કરવા માટે કોઇ અધિકારી મજબૂર નહીં કરી શકે. સબંધિત વિભાગને ઉચિત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવશે.
સરકારી સહાય માટે એનઓસી જરુરીયાત હતુ
રાજ્યની ડો સવિતા આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ એક લાખ રૂપિયાની સરકારી સહાય કરવામાં આવે છે. આ સહાય ત્યારે જ મળી શકે છે કે જ્યારે યુવક કે યુવતિ બન્નેમાંથી એક દલિત સમુદાયમાંથી હોય. આ સહાયમાં 50 હજાર રૂપિયાના રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવે છે જ્યારે બાકીના 50 હજાર રૂપિયાની ઘરવખરી આપવામાં આવે છે. 2019ના વર્ષમાં એકમાત્ર અમદાવાદમાં 175 દંપત્તિઓને આ યોજના હેઠળ 97.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. કેટલાક દંપત્તિઓના કેસમાં એવું જોવામાં આવ્યું છે કે સરકારી સહાયની યોજનાનો લાભ આપવા માટે જિલ્લા સ્તરના અધિકારીઓ કન્યાના માતા-પિતા પાસે એફિડેવિટ અથવા સોગંદનામું માગે છે જે અનિવાર્ય દસ્તાવેજોમાં એક છે અને તેઓને એનઓસી આપવી પડે છે. હકીકતમાં સરકારી સહાય લેવા માટેના આ દસ્તાવેજ કે જેમાં લગ્નનું પ્રમાણપત્ર હોય છે તેને પ્રસ્તુત કરવાની આવશ્યકતા છે પરંતુ તે અનિવાર્ય નથી. વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગણી કરી હતી તે યુગલના લગ્નમાં આવી વિવાદાસ્પદ માગણીને હટાવી દેવામાં આવે કે જે અધિકારીઓ દ્વારા માગવામાં આવે છે.
એનઓસી માથી મુકિત માટે મુખ્યમંત્રીના કાર્યવાહીના આદેશ
રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલ કહે છે કે અમારા વિભાગમાં આ મામલો વિચારાધીન છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેવા જટીલ દસ્તાવેજોમાંથી મુક્તિ આપવાનું વચન આપ્યું છે અને વિભાગને તે દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાબતે સામાજીક અધિકારિતા વિભાગને પૂછવામાં આવતા એક અધિકારીએ કહ્યું હતું કે આ પ્રકારની એનઓસીની માગણી કરવાનો ઉદ્દેશ માત્ર વિગતો મેળવવાનો છે. અમે એવું જાણવા માગીએ છીએ કે આંતરજ્ઞાતિય લગ્ન જ્યારે થાય છે ત્યારે તેમના માતા-પિતાની સંમતિ હોય છે કે કેમ. આ એનઓસીનો ઉપયોગ કરીને અમે સામાજીક સદભાવને પ્રોત્સાહિત કરીએ છીએ.