ગાંધીનગર, તા. 11
ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાનું નામ લેતું નથી. આ વખતે દિવાળી પછી પણ શિયાળાની હૂંફાળી શરૂઆત છતાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન થઇ રહ્યાં છે. હવે પાકિસ્તાન ગુજરાતને વરસાદ આપશે. એક નવી આફત પાકિસ્તાન તરફથી આવી રહી છે.
રફ અને સાયક્લોનિક સર્ક્યૂલેશન ઊભું થયું
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક રફ અને સાયક્લોનિક સરક્યૂલેશન સાઉથ પાકિસ્તાનમાં સ્થિર થયું છે જે આગળ વધતાં પૂર્વ રાજસ્થાન અને ગુજરાતને વરસાદ આપશે. આ વરસાદ 13થી 15 નવેમ્બર દરમિયાન પડી શકે છે. પહેલા દિવસે આ વરસાદ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ બીજા દિવસે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડશે.
સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદ આવશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ ગઈ છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી 13 અને 14 નવેમ્બરે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. હવામાન વિભાગના જયંત સરકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા,પાટણ, મહેસાણામાં, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.
વરસાદી ઝાપટાં બાદ શિયાળાનો પ્રારંભ થશે
સાથે સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે બે-ત્રણ દિવસના વરસાદી ઝાપટાં પછી ગુજરાતમાં વિધિવત શિયાળાનો પ્રારંભ થશે. આ વખતે સોમાસાના કારણે શિયાળો પણ મોડો શરૂ થયો છે. 15મી નવેમ્બર પછી દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધશે.
પાકિસ્તાન, વરસાદ, સાયક્લોનિક સર્ક્યૂલેશન, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર