શહેર ટ્રાફિક પોલીસ અધિકારીઓ સહિત પૂર્વ કમિશનરે પણ સરકારના નિર્ણયની ટીકા કરી
શહેરી વિસ્તારોમાં હેલમેટ મરજિયાત કરવાનો સરકારનો નિર્ણય શરમજનક
અમદાવાદ
રૂપાણી સરકાર એક પછી એક નિર્ણયોને લઇને સતત વિવાદમાં આવી રહી છે, ત્યારે બુધવારે એક એવો નિર્ણય લીધો કે જેને લઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા. રૂપાણી સરકારે બુધવારે કેબિનેટમાં નિર્ણય લીધો કે રાજ્યના શહેરી વિસ્તાર એટલે કે મહાનગર પાલિકા અને નગરપાલિકાની હદમાં હવે હેલમેટ ફરજિયાત નહી રહે અને ફરજિયાત હેલમેટના નિયમનો છેદ ઉડાવી દીધો. જે ભાજપ સરકારની નિષ્ફળતા અને રાજકીય લાભ લેવા માટે ચરમસીમા સમાન છે. ત્યારે સરકારના આ નિર્ણયને લઇને ટ્રાફિક વિભાગના અધિકારીઓથી માંડીને ટ્રાફિકના એક્સપર્ટસ ચોંકી ઉઠ્યા છે.
સરકારનો નિર્ણય શરમજનક
ટ્રાફિકના નિયમો કાયદાની મર્યાદામાં રહીને બનાવવામાં આવ્યા હોવાનું અમદાવાદ ટ્રાફિક કોન્સેકયુટીવ કમિટી (એટીસીસી)ના પ્રેસિડેન્ટ ડો. પ્રવિણ કાનાબારે કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, હેલમેટ પહેરવાનો કાયદો પણ આ નિયમો હેઠળ જ બનાવવામાં આવ્યો છે અને તેમાં સરકાર ખાસ કરીને કેબિનેટ જેવી પ્રતિષ્ઠિત બેઠકમાં હેલમેટ મરજિયાત કરવાનો નિર્ણય લે તે શરમજનક બાબત ગણાય. કારણ કે શહેરી વિસ્તારમાં થતા અકસ્માતોમાં થતા મોતમાં 35 ટકા મરણ માથામાં ગંભીર ઇજાઓ થતી હોવાને કારણે થાય છે. તે પણ શહેરી વિસ્તારના આંકડા છે. ત્યારે સરકારે આવો નિર્ણય કઇ રીતે લઇ શકે ? હેલ્મેટના નિયમોને લઇને સૌથી વધારે વિરોધ રાજકોટમાં થતો હતો અને ત્યાં સ્થાનિક રાજકારણીઓ દ્વારા હેલમેટના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના સરકાર કાયદાને પણ ઘૂંટણીયે રાખી તે યોગ્ય બાબત ન ગણાય. તાજેતરમાં જ ખુદ ભાજપ સરકારે જ જાહેરાત કરી હતી કે આગામી 2020 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનો ટારગેટ છે. ત્યારે સરકારે આવા મનસ્વી નિર્ણયો લીધા ત્યારે મોતની સંખ્યાનો ટારગેટ ઘટશે નહી પણ વધી શકે છે. એટીસીસી ટ્રાફિકના નિયમોની જાગૃતતા માટે સતત કામ કરે છે ત્યારે સરકારના નિર્ણયથી નિરાશા આવી જાય છે અને સરકારે હેલમેટને મરજીયાત કરવાના નિયમને જાહેર કર્યો ત્યારે માર્ગ અકસ્માતમાં મરણનો આંક ધટશે નહી પણ વઘશે.
પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
સરકારની આ જાહેરાત બાદ અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર એમ એમ મહેતા તો ચોંકી ઉઠ્યા હતા કારણ કે નિયમો અને કાયદાનું પાલન યોગ્ય રીતે થાય તે માટે પોલીસનું કામ છે. પૂર્વ પોલીસ કમિશનર એ કે સિંઘ અને અમદાવાદ પોલીસે રાત દિવસ મહેનત કરીને અમદાવાદમાં 80 ટકા લોકોમે હેલમેટ પહેરતા કર્યા ત્યારે સરકારના આ નિર્ણય પોલીસને પણ હતાશ કરે તેમ છે. હેલમેટથી લોકોને જ ફાયદો છે માત્ર પાંચ ટકાના વિરોધના દબાણમાં આવીને કે લોકોના મોતનો રસ્તો ખુલ્લો કરવો વ્યાજબી નથી.
નિર્ણય પર રાજકારણ શરૂ
ત્યારે યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે માત્ર રાજકોટના મતદારોને સાચવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાયદાની મર્યાદાઓનું પણ ઉલંધન કર્યું છે. કારણ કે તેમના મતક્ષેત્ર રાજકોટમાં જ વિરોધ હતો અને ખુદ ભાજપના કાર્યકરોએ દબાણ ઊભું કરતા કેબિનેટ બેઠકમાં આવો નિર્ણય લેવામાં આવ્યો તે પણ ચિંતાજનક છે. કારણ કે કેબિનેટમાં પ્રજાલક્ષી નિર્ણયો હોય નહી રાજકીય ઇચ્છાઓ પૂરી કરવા માટે. લોકોનો વિરોધ હેલમેટ નહી પહેરવાના કારણે નહી પણ દંડની ઉંચી રકમને લઇને હતો પણ માત્ર ચૂંટણીલક્ષી એજન્ડા રાખીને ભાજપે નિર્દોષોના મોતને મોકળું મેદાન આપ્યું છે.
તો ટ્રાફિક વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અમે ખુદ ચોંકી ગયા કે કેબિનેટ કક્ષાના પ્રધાન હસતા મોઢે જાહેરાત કરે છે કે શહેરી વિસ્તારમાં હેલમેટ હવે મરજિયાત રહેશે. પણ સરકારે આવો નિર્ણય લેતા પહેલા વિચારવું જોઇએ કે કાયદામાં આવું શક્ય નથી. હેલમેટ નહી પહેરવાથી થતા અકસ્માતોમાં મોત અને ગંભીર ઇજાના આંકડાથી ખુદ સરકાર વાકેફ છે. ત્યારે આવો નિર્ણય અયોગ્ય છે.
સરકારના નિર્ણયની રાજકોટમાં ઉજવણી
ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે રાજકોટમાં ભાજપના લીગલ સેલ દ્વારા તો મોટા પાયે ઉજવણી કરવાનું નક્કી કરાયું છે તો કોંગ્રેસના કાર્યકરો પણ ઓછા નથી અને ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. શું રાજકોટની પ્રજાના વિરોધને લઇને સરકાર સમગ્ર રાજ્યના વાહનચાલકોના જીવને જોખમમાં મુકે તે અયોગ્ય છે.