૯૬૬ કોરોના ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ મજૂરોએ ગુજરાત છોડ્યું, હવે ટ્રેન બંધ થશે

ગાંધીનગર, 28 મે 2020

બુધવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ વિશેષ કોરોના ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૦ લાખ જેટલા અન્ય રાજ્યોના મજૂરોને મોકલાયા છે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે.
પ્રવર્તમાન કોરોના-કોવિડ-19ની સ્થિતીમાં લોકડાઉનને કારણે ર મે ના રોજ પ્રથમ શ્રમિક સ્પેશયલ ટ્રેનમાં આવા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા.
ર૭મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૯૬૬ શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા ૧૪.૧૦ લાખ શ્રમિકો રવાના થયા છે.
ગુજરાતથી ઓરિસ્સા સિવાયના મોટાભાગના મજૂરોને લઈ જવામાં આવ્યા છે.
૨૬મી મે મધરાત સુધીમાં ૯૨૭ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત ગુજરાતમાંથી આશરે ૧૩.૪૮ લાખ  પહોંચાડવામાં આવ્યા છે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ૫૩૫, બિહાર માટે ૨૨૮, ઓરિસ્સા માટે ૬૯, ઝારખંડ માટે ૩૫, મધ્યપ્રદેશ માટે ૨૪, છત્તીસગઢ માટે ૧૫, ઉતરાખંડ માટે ૦૫, પશ્ચિમ બંગાળ માટે ૦૩, તમિલનાડુ અને મણિપુર માટે ૦૨ – ૦૨ ટ્રેન તથા આંધ્રપ્રદેશ-આસામ-હિમાચલપ્રદેશ-જમ્મુ કાશ્મીર-કેરલ-મહારાષ્ટ્ર-રાજસ્થાન-તેલંગાણા-ત્રિપુરા માટે ૧-૧ ટ્રેન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચલાવી આશરે ૧૩.૪૮ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે.
૨૭મી મે , બુધવાર મધરાત સુધીમાં વધુ ૩૯ ટ્રેન દ્વારા ૬૨ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરેમાં જવા રવાના થશે. આ ૩૯ શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી ૨૨, વાપી–વલસાડમાંથી ૦૫, અમદાવાદમાંથી ૦૧ એમ કુલ ૨૮ ટ્રેન, બિહાર માટે વાપી–વલસાડમાંથી ૦૧ ટ્રેન, ઝારખંડ માટે વાપી–વલસાડ અને મોરબીમાંથી ૧-૧ એમ કુલ ૦૨ ટ્રેન, ઓરિસ્સા માટે સુરતમાંથી ૦૬, વડોદરામાંથી ૦૧ એમ કુલ ૦૭ ટ્રેન અને પશ્ચિમ બંગાળ માટે ૦૧ ટ્રેન દોડી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે વિગતો આપી હતી.