અમદાવાદ જિલ્લાના ૧૮ બાળ-સંભાળગૃહમાં ઓનલાઇન દેખરેખ-કાઉન્સેલીંગ
અમદાવાદ 25 એપ્રિલ 2020
બાળ સંભાળ ગૃહમાં આશ્રિત ૧૭૩ બાળકોને કોરોનાને કારણે લોકડાઉન પુરતાં તેઓના વાલીઓને સોપવામાં આવ્યા છે. જ્યારે ૧૫૪ બાળકો બાળ-સંભાળગૃહમાં આશ્રય મેળવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા 18 સંસ્થાઓમાં વિડીયોકોલ દ્વારા બાળકોનું ઓનલાઇન કાઉન્સેલિંગ કરી બાળકોની કાળજી રાખવામાં આવી રહી છે.
તમામ ૧૮ સંસ્થાઓમાં પેરામેડિકલ સ્ટાફ દ્વારા નિયમીત બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવે છે. બાળકોને હાથ ધોવાની પદ્ધતિ શીખવી, ખાવા-પીવાની આદતો તથા આરોગ્યવર્ધક દૈનિક ક્રિયાઓમાં સુધારો લાવી કોવિડ-૧૯ના અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના તમામ બાળ-સંભાળગૃહમાં આયુર્વેદિક દવાઓ અને ઉકાળા આપવામાં આવ્યા છે.
બાળ સંભાળની તમામ સંસ્થાઓમાં મુલાકાતીઓને પ્રવેશ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ બાળ સંભાળ ગૃહોમાં માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ અને ફ્યુમિગેશનન કરવામાં આવ્યું છે.
બાળકોના વાલીઓને આર્થિક મદદ માટે રૂ. ૧૫૦૦ ની સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના બાળસંભાળ ગૃહના કુલ ૧૭૩ બાળકોને સહાય ચુકવવામાં આવી છે.
આમ કુલ રૂ. ૨,૫૯,૫૦૦ ની સહાય ચુકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવા બાળકો માટે બાળક દીઠ ૧૫૦૦ રૂપિયાની સહાય ચૂકવવાનું નક્કી કરેલ છે.